દરેક વ્યક્તિનો ભૂતકાળ એનો પોતીકો છે, એને ખોલો પણ નહીં અને ખોતરો પણ નહીં

લેખકઃ નીતા સોજીત્રા | 

પતિ-પત્ની વચ્ચે લગ્નજીવનની શરૂઆતમાં ઘણી વખત મોટા ઝઘડાઓ થતા હોય છે, આવા ઝઘડા સંબંધ વિચ્છેદમાં પણ પરિણામતા હોય છે. આવું શા માટે?

 કેટલીક વખત સંબંધો બંધાયા પહેલા કે લગ્ન પછી તરત જ પતિ-પત્ની એકબીજાને નિખાલસભાવે પોતાનો ભૂતકાળ કહી દેતા હોય છે. આમ તો મજબૂત સંબંધ માટે આ પાયાની જરૂરિયાત હોય છે, છતાં કેટલીક વખત આ નિખાલસતાનું ભયંકર પરિણામ આવી શકે છે. દરેક વખતે યુવક કે યુવતીનાં એટલા ખુલ્લા વિચાર નથી હોતાં કે ભૂતકાળની કોઈ ભૂલને એ ભૂલી જાય કે માફ કરી દે, માટે પતિ-પત્નીએ એકબીજા સામે પોતાનો ભૂતકાળ ખોલતા પહેલા સામેની વ્યક્તિના એ ભૂલી જવાની ક્ષમતાને ચકાસી લેવી જાેઈએ. બને ત્યાં સુધી બંનેએ પોતાનો ભૂતકાળ શેર ન કરવો, છતાં જાે ક્યારેય કરો તો એના કારણે વર્તમાન અને ભવિષ્ય ન બગડે તેની ખાતરી કરો. કેટલીક વખત બહુ જ સારા લાગતા સંબંધોમાં પણ નાની અમથી વાતે તિરાડ પડી જતી હોય છે. આવા સમયે નિખાલસભાવે કરેલાં ખુલાસા ભારે પડી શકે છે,માટે સામેના પાત્ર સાથે ક્યારે અને કેટલું ખુલવું એ બાબતે સાવચેતી જરૂરી છે.

 લગ્ન બાદ પતિ-પત્ની બંને એકબીજાના વર્તમાન અને ભવિષ્યના સાથી છે અને એટલે જ ક્યારેય એકબીજાના ભૂતકાળને ન ખોતરો. એકબીજાના ભૂતકાળમાં પોતે રસ રાખી ક્યારેય એને ન છેડવો જાેઈએ. કેટલીક વખત ભૂતકાળ સાથે જાેડાયેલી કેટલીક દુઃખદ વાતો અજાણતાં પણ ખોતરાઈ જાય છે ત્યારે આખો સંબંધ મુશ્કેલીમાં મુકાઇ જતો હોય છે. માટે ક્યારેય વિતેલી વાતોને એક હદથી વધુ મહત્વ ના આપો. દરેક વ્યક્તિનો એક ભૂતકાળ હોય છે, એની સાથે કેટલી યાદો, ખુશીઓ અને ક્યારેક દુઃખ પણ જાેડાયેલા હોય છે. એવા સમયે પતિ-પત્ની દ્વારા એકમેકના ભૂતકાળની દુખતી રગ જાે દબાઈ જાય તો સંબંધ વિચ્છેદ નક્કી જાણવો.

 ક્યારેક એવું પણ બનતું હોય છે કે નિખાલસ અને સાચા થઈને સામેના પાત્ર સામે ભૂતકાળ ખોલી દીધાં પછી ઘણી વખત આખી જિંદગી એ બાબત માટે સાંભળવાનું અથવા શંકાના દાયરામાં આવવાનું થતું હોય છે. માણસ એવું વિચારે છે કે જીવનસાથી સામે આપણે દરેક વાતને ખુલ્લા દિલે મૂકીને પારદર્શક જિંદગી શરૂ કરવી જાેઇએ. આવું જ હોવું જાેઈએ. પરંતુ પતિ-પત્ની બંને જ્યાં સુધી સંપૂર્ણપણે એકબીજાને ઓળખતા અને એકબીજાના સ્વભાવને જાણતા ન થાય ત્યાં સુધી ભૂતકાળના કોઈ એવા અંગત સંબંધ વિશે કે એવી કોઈ ઘટના વિશે ક્યારેય ઉલ્લેખ ન કરવો. ધીમે ધીમે પછી આખી જિંદગી ઝેર જેવી થઈ જાય છે. આ બંનેને લાગુ પડતું હોય છે. કેટલીક વખત નિર્દોષભાવે કોલેજકાળના મિત્રો કે પહેલા ક્રશ વિશે ખુલ્લા દિલે ચર્ચા કરી હોય છે પછી સામેના પાત્રના મનમાં આપણો એ મિત્ર કે એ વ્યક્તિ સતત જીવતો રહે છે. કહેનાર તો કહીને ભૂલી જાય છે પણ સામેવાળો માણસ આ વ્યક્તિને- આ ઘટનાને ક્યારેય ભૂલતો નથી.ક્યારેય પતિ-પત્નીએ એકબીજા સામે ઓળખ્યા વગર ભૂતકાળ ખોલવો નહીં. ભૂતકાળ એ શરીરના ઘા ઉપરનાં ભીંગડા જેવો હોય છે એને ખોતરવાથી દર્દ મળે છે.

પતિ-પત્ની બંને લગ્નગ્રંથીથી જાેડાય છે ત્યારથી એકબીજાને વફાદાર રહેવાના એકબીજાને કોલ આપવાના હોય છે. એ બંને જાેડાય ત્યારથી એકબીજાની સાથે બનતી દરેક ઘટનાઓ માટેના સાક્ષી હોય છે. પતિ-પત્નીનો વર્તમાન અને એનું ભવિષ્ય એ એકબીજાના હાથમાં-એકબીજા પર આધારિત હોય છે. બંને એકમેકના વર્તમાન અને ભવિષ્ય માટે સંપૂર્ણ અધિકારી હોય છે. અને નવજીવન શરૂ કરતા પહેલા બંને એકબીજાને એ વાતની ખાતરી આપવાની હોય છે કે આપણે ક્યારેય એકબીજાના ભૂતકાળને નહીં છંછેડીએ.સપ્તપદીમાં નહીં સમાવેલા આવા વચનો પણ પતિ-પત્નીએ એકબીજાને આપવાના હોય છે. જેનાથી એકબીજા માટેનો પ્રેમ જળવાઈ રહે છે.

કેટલાક માણસોને ભૂતકાળને ચાવવાની આદત હોય છે અને એમાં પણ ખાસ કરીને દુઃખદ વાતોને વાગોળવાની અને એને એકબીજા સામે મુકવાની આદત હોય છે. પતિ-પત્નીના જીવનમાં શરૂઆતના બે ત્રણ વર્ષોને બાદ કરતા પછી ધીમે ધીમે કોઈ વાતે મતભેદ પ્રવર્તતો હોય તેવા સમયે કોઈ નાનો ઝગડો કે ગુસ્સામાં બોલાયેલા કોઈ શબ્દો જે બીજાને હર્ટ કરે છે,એવા શબ્દો સમયની સાથે ભૂલી જવા જાેઈએ. આપણી કમજાેરી હોય છે કે આપણે આખી ઘટના અને મતભેદ બંને ભૂલી જઈએ છીએ. પરંતુ એ વખતે કહેવાયેલું કોઈ ધારદાર વાક્ય આપણા મનના એક ખૂણામાં પહોંચી ગયેલું હોય છે. જેને આપણે ક્યારેય ભૂલી શકતા નથી, અને સમયે સમયે જ્યારે જ્યારે એને અનુરૂપ કોઈપણ વાત આવે કોઈ પણ ઘટના બને ત્યારે એ વાક્યનો આપણે મહેણાં તરીકે ઉપયોગ કરીએ છીએ. જિંદગી બહુ લાંબી છે અને સાથ બહુ લાંબો હોવાથી પતિ-પત્ની વચ્ચે આવા અણબનાવ અને મનદુઃખ તો થવાના. જેમ સમય જતો જશે એમ મતભેદ વખતે બંને તરફથી બોલાતા વાક્યોની ધાર વધારે શાર્પ થવાની. જાે એને મનમાં ભરી રાખશો તો એ લાગણીને અને હૃદયને થોડું છોલ્યા કરશે તેમાંથી નીકળતો ઘાવ લગ્નજીવનને દુઃખી બનાવશે. માટે શક્ય હોય તો ભૂતકાળના ઝઘડાઓ, મતભેદ અને બોલાયેલા દુઃખદ શબ્દોને ભૂતકાળ સમજીને ભૂલી જવા અને વર્તમાનમાં ક્યારેય એને વચ્ચે ન લાવવા.

લગ્નજીવનના ચાલીસ, પિસ્તાલીસ કે પચાસ વર્ષ બાદ જ્યારે ઉંમરની ઢળતી અવસ્થા હોય, તમામ જવાબદારીઓથી નિવૃત્ત થઈ ગયા હોય અને પતિ-પત્ની એકબીજાના અભિન્ન અંગ બની ગયા હોય તથા બંને એકબીજાની જરૂરત બની ગયા હોય ત્યારે જ લગ્નજીવનની શરૂઆતમાં વિતાવેલા દિવસોને એકસાથે બેસીને વાગોળવાની મજા જ અલગ હોય છે. બંનેએ યાદ રાખવું જરૂરી છે કે ખરેખર તો એકબીજાના ભૂતકાળને ખોલવો હોય તો મીઠી અને માણવી ગમે એવી વાતો વાળો ભૂતકાળ જ ખોલવો. એ પણ યાદ રાખવું જરૂરી છે કે ભૂતકાળનો રાક્ષસ વર્તમાનના લગ્નજીવનને અને સુખને એની સાથે એક આખા પરિવારને ખાઈ જાય એના બદલે એકબીજાના એવા ભૂતકાળ વિશે ક્યારે જાણવાની અને ખોલવાની કે તેને ખોતરવાની કોશિશ ન કરવી. કારણકે વર્તમાનમાં જીવવાની એક ક્ષણ પણ એક સમયે ભૂતકાળ બની જવાની. ભૂતકાળ વર્તમાનપત્ર જેવો હોય છે. આ સારી માઠી યાદો સુખ અને ખુશી જરૂર આપે છે પરંતુ ભૂતકાળનું પોટલું ખોલવાથી બધાના જીવનમાં એકબીજા માટે કડવાશ પણ ઉભી થતી હોય છે.

લગ્નજીવનને સુખમય કઈ રીતે બનાવવું એ છાતી ઠોકીને આમ તો કોઈ નથી કહી શકતું. કારણકે એમાં મહત્વ હોય છે બંનેના પોતાના વિચારોનું, તેના સ્વભાવનું અને વર્તણૂકનું. છતાં, ઘણી વખત બીજાનું જાેયેલું જુઓ એમાંથી જાણવાનું ઘણું હોય છે. જેને વાંચીને, સમજીને અમલમાં મૂકીને આપણે લગ્નજીવન બચાવી શકીએ છીએ, ટકાવી શકીએ છીએ અને જીવનમાં પરિવારને પ્રભુત્વ અને પ્રેમ આપી શકીએ છીએ..

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution