પ્રત્યેક બાળક પોતાની રીતે યુનિક હોય છે

લેખકઃ દ્રષ્ટિ ભટ્ટ



મારી પાસે ઘણા બાળકોના વાલી ફરિયાદ લઈને આવે છે કે મારા બાળકને ગમે તેટલો માર મારું, ગુસ્સો કરું, ટ્યુશનમાં મોકલું તો પણ ભણતું જ નથી અથવા એને ગમે તેટલું ભણાવું પણ તેના મગજમાં જ કંઈ નથી ઉતરતુ. કદાચ આવી જ ફરિયાદ ઘણા બધા શિક્ષક મિત્રોને પણ હશે કે અમારા વર્ગના અમુક બાળકોને ગમે તેટલું શીખવીએ તેઓને સમજાતું જ નથી.


બાળકોને ભણવામાં રસ ન પડતો હોવાના ઘણા કારણો હોય છે. તેમાનું એક મુખ્ય કારણ અમુક બાળકના મગજના વિકાસ દરમિયાન રહી ગયેલી કંઈક ઊણપ, જે દેખીતી રીતે વિકલાંગ કે માનસિક બીમાર ન હોય પરંતુ આંતરિક રચનામાં કંઈક લોચો હોય. આવા બાળકો ગમે તેટલો પ્રયત્ન કરે પરંતુ જે ભણે તે તેના મગજના માહિતીના વિશ્લેષણ કરતા કોષો સુધી ન પહોંચે અથવા ધીરે પહોંચે તેવું હોય શકે. જે બાબત આમિરખાનની “તારે ઝમીન પર” ફિલ્મમાં બહુ સારી રીતે દર્શાવવામાં આવી હતી. દરેક બાળકો અલગ-અલગ હોય છે અને દરેક પોતાની રીતે યુનિક હોય છે જેના કારણે તેઓની સમજણ શક્તિ અથવા તો ગ્રહણ શક્તિ જુદી હોય તે બહુ સ્વાભાવિક છે. એક જ માતાપિતાના બે બાળકોમાં પણ અલગ અલગ ગ્રહણ શક્તિઓ હોય શકે.

ચાલો, તો આજે આપણે કેટલા પ્રકારના બાળકો અથવા વિદ્યાર્થીઓ હોઇ શકે તે વિશે વાત કરીએ.

(૧) ધીમા શીખનારા: આવા વિદ્યાર્થીઓ તેમના સાથીદારો કરતા ધીમી ગતિએ શીખે છે. તેઓ દરેક વિષયો શીખી જ શકે છે પરંતુ તેઓને દરેક મુદ્દા સમજવા માટે થોડા વધુ સમયની જરૂર પડે છે. આવા બાળકો એક સરખા સૂચનો વારંવાર સાંભળવાથી અને સરળ ભાષામાં સમજૂતિઓ આપવાથી સારી રીતે શીખી શકે છે. દરેક વિષયોમાં આવા બાળકોને વધુ પ્રૅક્ટિસની જરૂર રહે છે.


(૨) ઝડપથી શીખનારા:  આવા બાળકો બૌદ્ધિક, સર્જનાત્મક, કલાત્મક અથવા નેતૃત્વ જેવા એક અથવા વધુ લક્ષણો ધરાવે છે. આવા બાળકો અમુક અથવા દરેક વિષયો ખુબ જલ્દી અને સહેલાઈથી ગ્રહણ કરી શકે છે.ચોક્કસ ક્ષેત્રોમાં આવા બાળકો સરેરાશ ક્ષમતા કરતા વધુ સારું પ્રદર્શન કરી શકે છે. આવા બાળકોને સતત બૌદ્ધિક ક્ષમતાવાળા કાર્યો અથવા પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખવા જાેઈએ નહીંતર તેઓ પોતાનામાં રહેલી આ ક્ષમતા ખોટી જગ્યાએ વાપરી શકે છે.


(૩) સરેરાશ શીખનારા: આ પ્રકારના બાળકો સામાન્ય રીતે ઘણા બધા જાેવા મળે છે. આ બાળકો પોતાની વયજૂથના બીજા બાળકો જેટલી જ ગ્રહણ શક્તિ ધરાવતા હોય છે. તેઓ નિયમિત ગતિએ પ્રગતિ કરે છે અને અપેક્ષિત સમય પ્રમાણે શૈક્ષણિક લક્ષ્યો પૂરા કરે છે. આવા બાળકો પરંપરાગત અભ્યાસક્રમ અને વિષયોને સહજ રીતે સમજી અને અનુસરી શકે છે.


(૪)શીખવાની અક્ષમતા ધરાવતા બાળકો:  આવા બાળકોના મગજના અમુક કોષો સામાન્ય રીતે કામ કરવા અસમર્થ હોય છે. આ બાળકો અલગ-અલગ પ્રકારની માનસિક અક્ષમતા ધરાવતા હોય છે, જેના માટે ડૉક્ટર અથવા સાઇકોલોજિસ્ટ મદદરૂપ થઈ શકે છે. આવા બાળકો દેખાવમાં સામાન્ય હોવાથી, માતાપિતા અથવા શિક્ષકો દ્વારા ઓળખવા અઘરા હોય છે. ભારતમાં સામાન્ય રીતે તેને આળસુ કે ઠોઠનું નામ આપી દેવાથી વાત પુરી થઈ જાય છે પરંતુ આ બાબતે આપણે થોડું વધુ નિરીક્ષણ કરી અને બાળકને જરૂરી મદદ કરવાની જરૂર હોય છે. આવા બાળકોમાં રહેલી શીખવાની અક્ષમતાઓ જુદી જુદી હોય છે જેવી કે, ડિસ્લેક્સિયા (વાંચવામાં મુશ્કેલી), ડિસકેલ્ક્યુલિયા (ગણિતમાં મુશ્કેલી), અને ડિસગ્રાફિયા (લેખવામાં મુશ્કેલી)નો સમાવેશ થાય છે.


ફિનલેન્ડમાં દરેક વર્ગ દીઠ આવા બાળકોની ઓળખ કરે અને તેમને ભણવામાં મદદ કરે તે માટે એક વધારાના શિક્ષક હોય છે. દરેક બાળકની જરૂરિયાત પ્રમાણે શાળામાં જ સાઇકોલોજિસ્ટ દ્વારા વ્યક્તિગત સેશન લેવામાં આવે જે તે બાળકોને તેના અભ્યાસક્રમમાં આવતા વિષયો અલગ રીતે ભણાવે છે. ભારતમાં પણ જાે માતાપિતા તથા શિક્ષકો બાળકમાં રહેલી આવી અક્ષમતાઓ જાણી શકે તો બાળકના ભણતરમાં ઘણી મદદ કરી શકે. ખાસ કરીને માતાપિતા પોતાના બાળકને સારી રીતે સમજી શકે અને બાળકની બીજા બાળકો સાથે તુલના નહીં કરે. બાળક જે અક્ષમતાઓ લઈને જન્મ્યુંું હશે તેને સુધારવા માટેનો એક માત્ર રસ્તો તેના વિશે સમજણ કેળવવી અને બાળકને સપોર્ટ કરવો તે જ હોઈ શકે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution