સદાબહાર દેવ આનંદને પ્રેમમાં હંમેશાં નિષ્ફળતા મળી

લેખકઃ સમીર પંચોલી | 


બોલિવુડના સદાબહાર અભિનેતા અને ફિલ્મરસીકોના દિલોના ધબકાર દેવ આનંદ માત્ર અભિનેતા નહીં, લેખક, નિર્માતા અને દિગ્દર્શક પણ હતા. તેમનું મૂળ નામ ધરમદેવ પીશોરીમલ આનંદ હતું. તેમનો જન્મ ૨૬ સપ્ટેમ્બર,૧૯૨૩નાં રોજ સાકરગઢ, ગુરદાસપુર, પંજાબમાં થયો હતો.તે સમયની પ્રતિષ્ઠિત સંસ્થા પંજાબ વિશ્વવિદ્યાલય, લાહોરથી અંગ્રેજીમાં બીએની ડિગ્રી લેનારા યુવાન દેવ ચાલીસના દાયકાના આરંભમાં ફિલ્મોમાં કામ કરવાની આશયથી મુંબઈ આવ્યાંં. તેમની ઈચ્છા ગાયક બનવાની હતી. જીવનનિર્વાહ માટે ચર્ચગેટમાં મિલીટ્રીની સેન્સર્સ ઓફિસમાં નોકરી કરી. ત્યારે તેમને માસિક રૂ.૬૫ પગાર મળતો હતો.જ્યાં તેઓ સૈનિકોના પત્ર તેમના પરિવારને સંભળાવવાનું કામ કરતાં હતાં. તે વખતે તે નાટ્યસંસ્થા ઇપ્ટા સાથે જાેડાયેલા હતાં. આ દરમિયાન તેમણે અશોક કુમારની ‘અછૂત કન્યા’ અને ‘કિસ્મત’ ફિલ્મ જાેઈ તે પછી ફિલ્મ અભિનેતા બનવાનો નિર્ણય કર્યો.


પોતાના મોટાભાઈ ચેતન આનંદ સાથે ઈન્ડિયન પીપલ્સ થિયેટર એસોશિયેશનમાં જાેડાઈને ફિલ્મમાં કામ મળે તે માટે પ્રયત્ન કરતા હતાં. ૧૯૪૬માં દેવ આનંદે પ્રભાત ટોકીઝની ફિલ્મ ‘હમ એક હૈ’માં કામ કર્યુ તે સમયે દેવની ઓળખાણ ગુરૂદત્ત સાથે થઈ હતી. તેમની મિત્રતા પ્રગાઢ બનતા બંનેએ એવું નક્કી કર્યું હતું કે પરસ્પર એકબીજાની ફિલ્મમાં કામ કરવું. દેવ અને ગુરૂ દત્તની જાેડીએ તે સમયે અનેક હિટ ફિલ્મો આપી હતી. ઈ.સ.૧૯૪૮માં આવેલી તેમની ફિલ્મ ‘જીદ્દી’ ખુબજ સફળ રહી હતી. ફિલ્મોમાં સફળ થયા બાદ તેઓએ મોટાભાઈ ચેતન આનંદ સાથે ૧૯૪૯માં નવકેતન ફિલ્મ્સ નામની ફિલ્મ નિર્માણ કંપની શરૂ કરી હતી.


દેવ આનંદની બોલવાની છટા અને ગળા પર રૂમાલ રાખવાની આગવી અદા તે સમયે યુવાનોમાં ઘણી જ લોકપ્રિય થઈ હતી. દેવ આનંદની ડાયલોગ ડિલિવરી તદ્દન અલગ હતી. દેવ આનંદે પોતાના ભાઈ ચેતન આનંદ સાથે મળીને અનેક હિટ ફિલ્મો આપી છે. દેવ આનંદ ફિલ્મોમાં ઘણાં જ લોકપ્રિય રહ્યાં હતાં. પરંતુ પ્રેમ બાબતે તેમને નિષ્ફળતા જ મળી હતી. દેવ આનંદ અને સુરૈયા એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતાં. દેવઆનંદ અને સુરૈયાએ એકબીજા સાથે ગુપ્ત રીતે સગાઈ પણ કરી લીધી હતી. જાેકે, સુરૈયાની માતા નહોતી ઈચ્છતી કે તેમની પુત્રી દેવ આનંદ સાથે લગ્ન કરે. તેમણે ધમકી આપી હતી કે જાે સુરૈયા દેવ સાથે લગ્ન કરશે તો તે આત્મહત્યા કરી લેશે. માતાની આવી ધમકીથી સુરૈયા ડરી ગઈ હતી અને તેણે સગાઈની વીંટી દરિયામાં ફેંકી દીધી હતી. સુરૈયાના આ પ્રકારના વર્તનથી દેવ આનંદ પૂરી રીતે ભાંગી પડ્યાં હતાં અને ડિપ્રેશનમાં જતા રહ્યાં હતાં. એક વખત તો તેમણે આત્મહત્યા કરવાનું પણ નક્કી કરી લીધું હતું એ હદે હતાશા તેમને ઘેરી વળી હતી. પણ તેમાંથી બહાર નીકળી ફિલ્મો તરફ પોતાનું મન વાળી દીધું હતું.


૧૯૫૪માં ‘ટેક્સી ડ્રાઈવર’ ફિલ્મના નિર્માણ દરમ્યાન ખાનગીમાં અભિનેત્રી કલ્પના કાર્તિક સાથે લગ્ન પણ કર્યા હતાં.કલ્પના કાર્તિક અને દેવ આનંદે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. લગ્ન કર્યા બાદ કલ્પનાએ પોતાની ફિલ્મી કેરિયરને કાયમ માટે અલવિદા કહી દીધી હતી. કલ્પનાએ સુનીલ અને દેવીના નામના બે સંતાનોને જન્મ આપ્યો. જાેકે, દેવ આનંદ ઉંમર વધવાની સાથે વૃધ્ધ થવાને બદલે યુવાન થતાં હોય તેમ લાગતું હતું. લગ્ન કર્યા હોવા છતાંય દેવ આનંદ ઝિન્નત અમાનના પ્રેમમાં પડ્યાં હતાં. એક પાર્ટીમાં રાજ કપૂરે ઝિન્નત અમાનને ચુંબન કરી જાહેરમાં આલિંગન આપ્યું તે જાેઈને દેવ આનંદનું હૃદય તૂટી ગયું. ઝિન્નતે આ રીતે તેમની સાથે વિશ્વાસઘાત કરતાં તે દારૂ તરફ વળ્યા હતા.એ સમયે તે કાયમ દારૂના નશામાં ચકચુર રહેતાં હતાં.


દેવ આનંદે ૧૯ ફિલ્મો દિગ્દર્શિત કરી છે, જ્યારે ૩૧ ફિલ્મોનું નિર્માણ કર્યું છે. આમાંથી ૧૮ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી છે. તેમણે ૧૩ ફિલ્મોની સ્ટોરી જાતે લખી છે. દેવઆનંદે આખી જિંદગી બિન્દાસ રીતે વિતાવી. સુપરસ્ટાર તરીકેની આસમાનને અડતી પ્રતિષ્ઠા હોય કે પછી છેલ્લાં ત્રણ દાયકામાં નિષ્ફળ ફિલ્મોની વણઝારના કારણે થતી ટીકા હોય, દેવ આનંદ જીવનમાં ક્યારેય વિચલિત થયા નહતાં. પચાસના દાયકામાં કે સાઠ-સિત્તેરના દાયકામાં જે ઉત્સાહથી કામ કરતાં હતાં એ જ ઉત્સાહ છેક સુધી જાળવી રાખ્યો. મૃત્યુ સુધીની દરેક ક્ષણ તે ભરપૂર જીવ્યાંં,આનંદથી જીવ્યાં, પોતાના આનંદ માટે અને પોતાની ઈચ્છા મુજબ જીવ્યાં. છેલ્લી ઘડી સુધી તે સતત કામ કરતા રહ્યાં.


નવાસવા આઝાદ થયેલાં ભારતના યુવાનોને સ્ટાઇલ શીખવનાર દેવ આનંદ હતા.ચેકસવાળા શર્ટ,ખૂલતી બાંયના શર્ટ,કાળો કોટ, કોલરનાં બટન બંધ રાખવાની સ્ટાઇલ, ગળામાં વિવિધ પ્રકારના સ્કાર્ફ, હાથ લટકાવીને હલાવવાની સ્ટાઇલની વિવેચકો ટીકા કરતાં પણ, યુવાનો એ રીતે હાથ લટકાવવાની નકલ કરતાં હતાં. તેમણે નેગેટિવ શેડ ધરાવતાં અનેક રોલ કર્યા છતાં તે જમાનામાં છોકરીઓ તેમના પર મરતી હતી. તેમના ડાન્સ વિચિત્ર લાગે, પરંતુ હિરોઈનની પાછળ રોમિયોની જેમ નાચતા દેવે પોતાની અલગ સ્ટાઇલ બનાવી હતી. હર દિલ અઝીઝ આ જાદુગરે ચાર દાયકા સુધી ફિલ્મ દર્શકોને સંમોહિત કરી રાખ્યાં હતાં. પ્રેમની પરિભાષા સમજાવતા આ એક્ટર સદા જિંદગીને આવકારતા રહ્યાં. બોલિવૂડના આ રોમેન્ટિક સ્ટારની ઉંમર જાણે થંભી ગઈ હતી. જાણે ચીર યૌવનનું વરદાન લઇને આવ્યા હોય તેમ ૮૮ વર્ષ સુધી યુવાન જેવો જ ઉત્સાહ અને સ્ફુર્તિથી તે કામ કરતા હતાં.ગળા પરની કરચલીઓ કોઇ જાેઇ ન જાય એ માટે સ્કાર્ફ વિંટાળી રાખે, સદા ક્લિન શેવમાં જ હોય. જે ઉંમરે દાદાનો રોલ અભિનેતાઓ કરતા હોય એ ઉંમરે પણ એ લીડ રોલ કરે. થોડી ફાસ્ટ ડાયલોગ ડિલિવરી,અલગ અદા,અલગ અંદાજ અને સફાઇદાર કપડાંમાં આ હીરો ડેશિંગ લાગતાં. શરૂઆતથી તેમના માટે ‘સદાબહાર’ અને ‘એવરગ્રીન’ જેવા વિશેષણો બોલાતા હતા જે અંત સુધી યથાવત રહ્યાં.કોઇ ગમે તે કહે, જિંદગી સાથે પ્રણયફાગ ખેલતા રહેવાની ફિલોસોફી ધરાવતા દેવ આનંદ હંમેશાં કહેતા કે હું હંમેશાં આગળનું વિચારું છું.


દેવઆનંદ સાચા અર્થમાં એક લિજેન્ડ હતા.૮૮ વર્ષ થયા હોવા છતાંય દેવ આનંદ કોઈ યુવાનને શરમાવે તેવી સ્ફૂર્તિ સાથે કામ કરતા.તેઓ પોતાના અને કામના પ્રેમમાં હતાં.એટલે જ તેમણે આત્મકથાનું નામ રાખ્યું છે ‘રોમાન્સિંગ વિથ લાઈફ’. સપ્ટેમ્બર ૨૦૦૭માં દેવ આનંદના જન્મદિવસની પાર્ટીમાં વડાપ્રધાન મનમોહનસિંહના હસ્તે તેમની ઓટોબાયોગ્રાફી ‘રોમાન્સિંગ વીથ લાઈફ’નું અનાવરણ કરાયું હતું. દેવ આનંદ હંમેશા જે ફિલ્મો દ્વારા યાદ રહેશે તેમાં જીદ્દી, અફસર, સઝા, બાઝી, જાલ, પતિતા, ટેક્સી ડ્રાઈવર, મુનીમજી, ઘર નંબર ૪૪, ફંટૂશ, સી.આઈ.ડી., પેઈંગ ગેસ્ટ, નૌ દો ગ્યારહ, સોલવા સાલ, કાલા પાની, અમરદીપ, લવમેરેજ, કાલાબઝાર, બમ્બઈ કા બાબૂ, જબ પ્યાર કિસી સે હોતા હૈ, હમ દોનોં, બાત એક રાત કી, અસલી નકલી, તેરે ઘર કે સામને, તીન દેવીયાં, ગાઈડ, જ્વેલથીફ, પ્રેમ પૂજારી, જ્હોની મેરા નામ, ગેમ્બલર જેવી ફિલ્મોને યાદ કરી શકાય.


ભારત સરકારે તેમને ૨૦૦૧ના વર્ષમાં પદ્મભૂષણ અને ૨૦૦૨માં શ્રેષ્ઠ સિનેસન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કર્યા હતા. ૬૫થી વધુ વર્ષની કરિયરમાં તેમણે ૧૧૪ ફિલ્મમાં અભિનય કર્યો અને તેમાંની ૯૨ ફિલ્મમાં એ સોલો લીડ હીરો તરીકે જ હતા. ૩ ડીસેમ્બર, ૨૦૧૧ના રોજ લંડનમાં હેલ્થ ચેક-અપ માટે ગયેલા દેવસાહેબ ૮૮ વર્ષની ઉંમરે, રાત્રે ઊંઘમાં જ આ જગતને અલવિદા કહી ગયા હતા. એ માનતા કે લગ્ન અને મૃત્યુ એકદમ અંગત બાબતો છે માટે બંનેને ખાનગી રાખવી જાેઈએ. અને એટલે જ દેવ સાહેબના મૃત્યુ પછીની એમની કોઈ પણ તસવીર જાહેર થઈ નહોતી.એ હંમેશા ચાહકોના દિલમાં અમર રહેવા માંગતાં હતાં. અને એ વાત સાચી પણ છે કે આજે પણ દેવ આનંદ સૌ ચાહકોના હૃદયમાં જીવંત છે,અને હંમેશા જીવંત જ રહેશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution