લોકસત્તા ડેસ્ક
ચટણી એક એવી વસ્તુ છે જે દરેકને ભાવે. આ સિવાય ફરસાણની સાથે ચટણી હોય તો જ તેની મજા આવે. ચટણી બધાના ઘરમાં અલગ-અલગ બનતી હોય છે. જેમ કે, કોથમીર-મરચાની ચટણી, કોથમીર-ફુદીનાની ચટણી, સીંગની ચટણી, નારિયેળની ચટણી. તો આજે અમે આ લિસ્ટમાં વધુ એક ચટણી ઉમેરવા જઈ રહ્યા છે અને તે છે ટામેટાની ચટણી.
સામગ્રી
5 નંગ સૂકા કાશ્મીરી લાલ મરચા
1 ચમચી સમારેલું આદુ
10-12 નંગ લસણની કળી
3 નંગ ટામેટા
3 મોટી ચમચી તેલ
ચપટી જીરું
ચપટી રાઈ
4-5 મેથીના દાણા
ચપટી હીંગ
સ્વાદાનુંસાર મીઠું
બનાવવાની રીત
સૌ પ્રથમ સૂકા કાશ્મીરી લાલ મરચાને ગરમ પાણીમાં એક કલાક માટે પલળવા મૂકી દો. એક કલાક પલાળેલા મરચામાંથી પાણી કાઢી લો. આ મરચાને મિક્સર જારમાં લઈ લો. હવે તેમાં આદુ અને લસણની કળી ઉમેરીને સરસ લીસી પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને એક બાઉલમાં કાઢી લો.
ટામેટાને ધોઈને સાફ કરી લો. તેના મોટા-મોટા ટુકડા કરી લો. તેને પણ મિક્સર જારમાં લઈને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને બાઉલમાં કાઢી લો.
પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જીરું, રાઈ, મેથીના દાણા અને હીંગનો વઘાર કરી લો. તેમાં સૂકા મરચાં, આદુ અને લસણની કળીમાંથી તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો અને સાંતળી લો. આ પેસ્ટને ત્યાં સુધી સાંતળવી જ્યાં સુધી તેમાંથી તેલ છુટ્ટુ ન પડવા લાગે. આ દરમિયાન સતત ચમચાથી તેને હલાવતા રહેવું.
તેલ છુટ્ટુ પડવા લાગે એટલે તેમાં ટામેટામાંથી તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો અને ફરીથી તેલ છુટ્ટ ન પડવા લાગે ત્યાં સુધી સાંતળો (લગભગ 5-10 મિનિટ). હવે પેન પર ઢાંકણ ઢાંકીને 5-6 મિનિટ ચડવા દો.બનાવવાની રીત5-6 મિનિટ બાદ ઢાંકણ હટાવી દો અને તેમાં સ્વાદાનુંસાર મીઠું ઉમરીને મિક્સ કરી લો. તો તૈયાર છે ટામેટાની ચટણી. આ ચટણીને તમે કોઈ પણ ફરસાણ કે પછી પરાઠા/ભાખરી સાથે પણ સર્વ કરી શકો છો.