વાઘોડિયા/વડોદરા : પારુલ યુનિવર્સિટીની પૂર્વ મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસર પર ફિજીયોથેરાપીના પૂર્વ પ્રિન્સીપાલે બદનામ કરવાની તેમજ ચેટીંગ અને અંગત પળોના ફોટા વાયરલ કરવાની ધમકી આપીને હાઈવે પર કારમાં તેમજ દિલ્લી ખાતે હોટલમાં બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવની આસી. મહિલા પ્રોફેસરે પાંચ મહિના પહેલા વાઘોડિયા પોલીસ મથકમાં અરજી કરી હતી જેના પગલે ગત મોડી સાંજે વાઘોડિયા પોલીસે પુર્વ પ્રિન્સિપાલ વિરુધ્ધ બળાત્કારનો ગુનો નોંધતા ચકચાર મચી છે.
મુળ સૈારાષ્ટ્રની વતની ડો.રેખા (નામ બદલ્યુ છે) હાલમાં તેના નિવૃત્ત સરકારી અધિકારી પિતા સહિતના પરિવાર સાથે વડોદરામાં વાઘોડિયારોડ પર રહે છે. તે પારૂલ યુનિવર્સિટીમાં છેલ્લાં એક વર્ષથી આસી.પ્રોફેસર તરીકે ફરજ બજાવતી હોઈ તેમજ પીએચડીનો પણ અભ્યાસ કરતી હોઈ તે પારૂલ યુનિવર્સિટીના ફિજીયોથેરાપીના પૂર્વ પ્રિન્સીપાલ ડો. નવજાેત શાંતિલાલ ત્રિવેદી (રાજમંદિર સિનેમા પાસે, પાલનપુર હાઈવે , ડીસા, બનાસકાંઠા)ના સંપર્કમાં આવી હતી. ડૉ.નવજાેત ત્રિવેદીએ રેખાને કારકીર્દિ બનાવી આપવાના પ્રલોભન આપી અવાર નવાર પોતાના કેબીનમા બોલાવી હતી તેમજ તેને પીએચડીની ડિગ્રીમા સારા માર્કસ બનાવી આપવાની ખાત્રી આપી હતી.
તેણે રેખાને માત્ર ફ્રેન્ડશીપ રાખવાની વાત કરી હતી અને મને શારીરિક સંબંધમાં રસ નથી તેમ કહીને તેને વિશ્વાસમાં લીધા બાદ તેની સાથે મોબાઈલ ચેંટીંગ અને વિડીયો કોલ કરી બિભત્સ માંગણીઓ શરૂ કરી હતી. ડો.નવજાેતની વાતોમાં અને દબાણમાં આવી રેખાએ તેની સાથે માગણી મુજબ ચેટીંગ કરી ફોટા પણ મોકલ્યા હતા. ફોટા મળતા જ ડો.નવજાેતે પોત પ્રકાશ્યુ હતું અને તેણે રેખાએ કરેલી વોટ્સએપ ચેટીંગ અને એકાંતમાં પાડીને મોકલેલા ફોટા અન્ય યુવતીઓ મારફત વાયરલ કરવાની ધમકી આપી હતી. જાેકે તેમ છતાં રેખા તેના તાબે નહી થતાં તેણે રેખાને ફરજમાંથી છૂટી કરી કારકિર્દી ખતમ કરી દેવાની ધમકીઓ આપી તેનું બ્લેકમેઈલીંગ કર્યું હતું.
ગત ૨૩મી નવેમ્બર-૨૦૧૯ની મોડી સાંજે ડો.નવજાેતે તેની મારુતી સુઝુકીની એસટીલો કારમા રેખાને બેસાડી હતી અને તેની સાથે સુરત તરફ જવાના રોડની હોટલ પર જમ્યા બાદ હોટેલથી એકાદ કિમી દુર અંઘારામા હાઈવેની સાઈડમા કારપાર્કીંગ કરી હતી. તેણે કારના ગ્લાસપર પુંઠા લગાવી રેખાને કારની પાછળની સીટ પર લઈ જઈ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. રેખાએ તેનો વિરોધ કરતા ડો.નવજાેતે તું તો મારી ગર્લફ્રેન્ડ છે અને હું તારી સાથે રહેવા માંગુ છું તેમ કહીને અંગતપળોના ફોટા મોબાઈલમાં પાડી લીધા હતા અને તેને વાયરલ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ ૨૧મી ડિસેમ્બર-૨૦૧૯માં વિદ્યાર્થીઓ સાથે દિલ્હી ખાતે ઈન્ટરનેશનલ કોન્ફરન્સમા ભાગ લેવા ગયેલી રેખાની હોટલની રૂમમાં ડો.નવજાેત ત્રિવેદી અને શિવાની વર્મા દારૂની બોટલ લઈ ગયા હતા અને રેખા બાથરૂમમાં જતા ડો.નવજાેતે તેના ઠંડા પીણામાં ઘેનયુક્ત પ્રવાહી ભેળવી દીધું હતું અને રેખાએ તે પીને બેભાન થતાં ડો.નવજાતે ફરી તેની પર બળાત્કાર કર્યો હતો.
ડો.નવજાેત દ્વારા થયેલા શારીરિક શોષણથી કંટાળેલી રેખાએ આખરે વાઘોડિયા પોલીસ મથકમાં સમગ્ર બનાવની જાણ કરી ફરિયાદ નોંધવા માટે અરજી કરી હતી. જાેકે વાઘોડિયા પોલીસે આ બનાવમાં ભીનુ સંકેલવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા પરંતું અરજીની વાતો માધ્યમોમાં જાહેર થતાં પોલીસ અધિકારીઓએ આ બાબતમાં તપાસ કરી હતી જેમાં રેખાએ કરેલી અરજીને સમર્થન મળતા આખરે વાઘોડિયા પોલીસે ગત મોડી સાંજે ડો.નવજાેત ત્રિવેદી સામે બળાત્કાર ઉપરાંત છેડતી, ધમકી અને ઈન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુનો નોધ્યો હતો. ઉલ્લેખનીય છે કે રેખા સાથે થયેલા અત્યાચાર અંગે પારુલ યુનિ.ના સત્તાધીશોને જાણ થતાં તેઓએ બળાત્કારના ગુનાના કારણે પારુલ યુનિ.નું નામ ફરી એક વાર બદનામ થાય તેમ લાગતા તેઓએ આ વિવાદમાંથી હાથ કાઢી લેવા માટે ડો.નવજાેત સાથે નિર્દોષ રેખાને પણ ગત વર્ષે જ ફરજ પરથી મોકુફ કરી દીધા છે.
ક્રાઈમ બ્રાન્ચના નિવૃત્ત અધિકારી દ્વારા ફરિયાદ ના થાય તેવા પ્રયાસો કરાયા!
પારુલ યુનિ.ના સ્થાપક જયેશ પટેલની બળાત્કારના ગુનામાં સંડોવણીના કારણે વિવાદમાં સપડાયેલી પારુલ યુનિ.ફરી વખત બળાત્કારના ગુનામાં ફરી બદનામ ના થાય તે માટે વડોદરા ક્રાઈમ બ્રાન્ચના એક પુર્વ અધિકારી તેમજ વાઘોડિયા પોલીસ મથકના પીએસઆઈએ આ બનાવની ફરિયાદ ના થાય તે માટે તમામ પ્રયાસો કર્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. જાેકે આ મામલો નાયબ પોલીસ અધિક્ષક કે વી સોલંકી સમક્ષ પહોંચ્યો હતો જેમાં તેમણે ડો.રેખા તેમજ ડો.નવજાેતના નિવેદનો લીધા હતા અને પ્રોબેશન મદદનીશ પોલીસ અધિક્ષક જગદીશ બાંગરવાએ આ બનાવમાં ડો.રેખાના નિવેદન અને પુરાવાના આધારે ડો.નવજાેત સામે ગુનો નોંધ્યો છે.
ઢાંકપીછોડો કરવાનો શરમજનક પ્રયાસ કર્યો
વડોદરા. બળાત્કારની ઘટનાઓ માટે જાણીતી બનેલી પારુલ યુનિવર્સિટીમાં વિમેન્સ ગ્રીવન્સીસ સેલ એટલે કે સુપ્રીમ કોર્ટના આદેશથી કામના સ્થળોએ મહિલાઓની કરાતી હેરાનગતિ માટેની કમિટીએ જ પોલીસ ફરિયાદ કરવી જાેઈએ એની જગ્યાએ આખા બનાવ ઉપર ઢાંકપીછોડો કરવાનો શરમજનક પ્રયાસ કર્યો છે. મહત્ત્વની વાત તો એ છે કે પારુલ યુનિ.માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ભોગ બન્યા બાદ તેણીની પણ યુનિવર્સિટીમાં પ્રવેશબંધી કરાવી દીધી હતી. જેનાથી તેણીના અભ્યાસ ઉપર ગંભીર અસર પહોંચશે. બીજી તરફ તપાસ લંબાઈ આરોપી પ્રોફેસરને સેફપેસેજ અપાયો હોવાનું પણ માનવામાં આવે છે.