અંબાજી,તા.૮
આ વર્ષે કોરોનાની મહામારીના કારણે ત્રણ મહિના સુધી અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાતા મંદિર પરિષર જ નહીં પણ સમગ્ર અંબાજી ધામમાં સન્નાટો છવાઈ ગયો હતો. જોકે સતત ત્રણ માસના લોકડાઉન બાદ ગત ૧૨ જૂનથી અંબાજી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યા છે, પણ અગાઉની જેમ દર્શનાર્થીઓની ભીડ ન જોવા મળતા મંદિરની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. બાર જૂનથી મંદિરના દ્વાર ઉઘડતા એક મહિનામાં માત્ર ૭૦ હજાર શ્રદ્ધાળુઓએ જ માતાજીના દર્શનનો લાભ લીધો છે. જો મંદિરની દાન દક્ષિણાની આવકની વાત કરીએ તો ગત વર્ષ ૨૦૧૯માં એપ્રિલ,મે,જૂન આ ત્રણ મહિનાની આવક ૫.૬૦ કરોડ જેટલી થઈ હતી.ચાલુ વર્ષે આ સમયગાળા દરમિયાન માત્ર ૬૦ લાખ રુપિયાની જ દાન ભેટની આવક થતા ૫ કરોડ ઓછી આવક નોંધાઇ છે. અંબાજી મંદિરને સુવર્ણમય બનાવાની ચાલી રહેલી કામગીરી માટે આ સમયગાળા દરમિયાન ગત વર્ષે મંદિરને રુ.૧.૮ કરોડના સોનાની આવક નોંધાઇ હતી. તેની સામે ચાલુ વર્ષે માત્ર સુવર્ણ શિખર માટે દાનભેટમાં માત્ર ૧૨ લાખ રુપિયા જ આવ્યા છે. ટ્રસ્ટના હિસાબી અધિકારી સવજીભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું.મંદિરની આવકમાં ધરખમ ઘટાડો થવા છતાં કોઈ પણ કર્મચારીના પગાર અટક્યા નથી.આ વખતે ભાદરવી મેળા ઉપરપણ કોરોનાનું ગ્રહણ લાગે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.