તંત્રીલેખ |
મહિલા સશક્તિકરણ, બેટી બચાવો બેટી પઢાવો અને મહિલા સુરક્ષા જેવા નારાઓથી ભરેલી ભાજપ સરકારમાં એવું શું થયું કે ગ્લોબલ જેન્ડર ગેપના લેટેસ્ટ રિપોર્ટમાં ભારત તળિયે સરકી ગયું? વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા બહાર પાડવામાં આવેલ ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ ૨૦૧૪માં ભારત ૧૪૬ દેશોમાંથી ૧૨૯મા ક્રમે છે. ગયા વર્ષની સરખામણીમાં તે બે સ્થાન નીચે આવી ગયો છે. ગયા વર્ષે ભારત ૧૨૭મા ક્રમે હતું.
સ્ત્રી-પુરુષ સમાનતાના મુદ્દે દુનિયાનો કોઈ દેશ સંપુર્ણપણે સફળ નથી. પરંતુ મોટાભાગના દેશોમાં અગાઉના વર્ષોની સરખામણીમાં ભેદભાવમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે ભારતે સમાનતાના વિષયમાં બે કદમ પીછેહઠ કરી છે. સ્થિતિ એવી છે કે ઈન્ડેક્સમાં ભારત બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન અને શ્રીલંકાથી પણ નીચે છે. પાડોશી દેશોમાં માત્ર પાકિસ્તાનની સ્થિતિ ભારત કરતાં વધુ ખરાબ છે. ગ્લોબલ જેન્ડર ગેપ ઈન્ડેક્સમાં ભારતના પડોશી દેશો - બાંગ્લાદેશ ૯૯મા, ચીન ૧૦૬મા,નેપાળ ૧૧૭મા,શ્રીલંકા ૧૨૨મા,ભૂતાન ૧૨૪મા અને પાકિસ્તાન ૧૪૫મા ક્રમે છે.
આઇસલેન્ડ ૯૩.૩ ટકા સાથે ફરીથી પ્રથમ સ્થાને આવ્યું છે. તે દોઢ દાયકાથી ઈન્ડેક્સમાં અગ્રેસર છે. ટોચના ૧૦ દેશોમાં બાકી રહેલા નવ દેશોમાંથી, ૮ દેશોએ તેમના ૮૦ ટકા કરતા વધુ ગેપ દુર કરી દીધી છે.
તાજેતરના ઇન્ડેક્સમાં ભારત બે સ્થાન નીચે ઉતર્યું તેનું કારણ પણ દર્શાવવામાં આવ્યું છે. અહેવાલમાં જણાવાયું છે કે આ નજીવો ઘટાડો મુખ્યત્વે શિક્ષણ અને રાજકીય સશક્તિકરણની સ્થિતિમાં ઘટાડો થવાને કારણે છે. ‘પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ નોંધણીમાં મહિલાઓનો હિસ્સો ઊંચો હોવા છતાં વૃદ્ધિદર સામાન્ય છે. પુરૂષો અને સ્ત્રીઓના સાક્ષરતા દર વચ્ચેનું અંતર ૧૭.૨ ટકા કરતાં વધારે છે. રાજકીય સશક્તિકરણ સૂચકમાં પણ ભારત પાછળ છે. એટલે કે એક રીતે કહી શકાય કે રાજકીય ર્નિણય લેવામાં મહિલાઓની ભાગીદારી એટલી નથી. તેમાં ભારત ૪૦.૭ ટકાના સ્કોર સાથે હેડ ઓફ સ્ટેટ ઈન્ડિકેટરમાં ટોપ ૧૦મા છે. પરંતુ ફેડરલ સ્તરે મંત્રીપદ માટેનો દેશનો સ્કોર ૬.૯ ટકા અને સંસદમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ૧૭.૧૨ ટકા પ્રમાણમાં ઓછો છે. ગયા વર્ષે, ભારત ઈન્ડેક્સમાં ૧૨૭મા ક્રમે હતું, ૧.૪ ટકા પોઈન્ટનો સુધારો અને ૨૦૨૨મા આઠ સ્થાનનો સુધારો કરીને ૧૩૫મા ક્રમે હતો. આ ભારતના સમાનતા સ્તર તરફ આંશિક સુધારો દર્શાવે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન ડેટાના આધારે સંપૂર્ણ સમાનતા સુધી પહોંચવામાં ૧૩૪ વર્ષનો સમય લાગશે. રિપોર્ટ નોંધે છે કે જેન્ડર ગેપ ઈન્ડેક્સ દર્શાવે છે કે કોઈપણ દેશે સંપૂર્ણ લિંગ સમાનતા હાંસલ કરી નથી, તેમ છતાં આ આવૃત્તિમાં સમાવિષ્ટ ૯૭ ટકા દેશોએ ૨૦૦૬ની તુલનામાં તેમના તફાવતમાં ૬૦ ટકાથી વધુ ઘટાડો કર્યો છે. તે અગાઉ ૮૫ ટકા હતો.
પ્રાચીન કાળથી માંડીને મધ્ય યુગ અને સંસ્થાન યુગ સુધી સ્ત્રી અને પુરુષ સમાન છે તેવા કોઈ વિચારનો ઉદ્ભવ થયો નહતો. પરંતુ યુરોપમાં રિનેસાંસ કાળમાં સમાનતાના વિચારનો જન્મ થયો અને છેલ્લી દોઢ શતાબ્દીમાં આ વિચાર સમગ્ર વિશ્વમાં દરેક દેશમાં ઓછાવત્તા અંશે પ્રસરી ચુક્યો છે. વિશ્વના ખ્યાતનામ વિચારકો, લેખકો અને સમાજસુધારકોએ સ્ત્રી પુરુષ સમાનતાને ખુબ પ્રોત્સાહન આપ્યું છે. સદીઓથી સ્ત્રી અને પુરુષ વચ્ચે ભેદભાવની મનોદશા માનવજાતિના મુળભુત સ્વભાવનો અંશ બની ગયેલી હોવાથી તેને બે-ત્રણ સદીમાં દુર કરી શકાય તેમ નથી. આ ભેદભાવને વધારે જડ બનાવવામાં જુદાં જુદાં દેશોના રીતરિવાજાે અને સામાજિક નિયમોનો ફાળો ઘણો મોટો છે. જ્યાં સુધી સમગ્ર વિશ્વસમાજ ભેદભાવ વિસ્તારતા રીતરિવાજાેથી મુક્ત નહીં થાય ત્યાં સુધી આ વૈશ્વિક ઝુંબેશને સફળતા મળશે નહીં.