ઊંઝાના ઐઠોરમાં ૪૭ હેકટરમાં જીઆઇડીસીની સ્થાપના : ૭મીએ પ્લોટની ફાળવણી કરાશે

મહેસાણા,તા.૪

ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસના સપનાને સાકાર કરવા તેમજ નાના અને મધ્યમ ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરવા જીઆઈડીસી દ્વારા મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં ઐઠોર ખાતે ૪૭ હેકટર જમીનમાં ઔદ્યોગિક વસાહતની સ્થાપના કરાઇ છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે ૭ જુલાઇના રોજ બપોરે ૩ કલાકે ડ્રો કરી અરજદારોને પ્લોટની ફાળવણી કરાશે. ભારત સરકારની એજ્ન્સી નેશનલ ઈન્ફોર્મેટીક સેન્ટર થકી તૈયાર કરાયેલા સોફ્ટવેર મારફતે સંપૂર્ણ પારદર્શિતા સાથે આ ડ્રો કરાશે. જેમાં એમએસએમઇ ઝોન અને જનરલ ઝોન એમ બે ઝોન મળી કુલ ૨૭૯ પ્લોટની ફાળવણી કરાશે. ઓનલાઈન પૈકી પાત્રતા ધરાવતી ૧૨૨૦ અરજી કન્ફર્મ કરાઇ હોવાનું જીઆઈડીસીના ચેરમેન બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું. રાજપૂતે ઉમેર્યુ કે, આ જીઆઈડીસી મહેસાણા શહેરથી ૨૫ કિમીના અંતરે આવેલી છે. જેમાં એમએસએમઇ ઝોનમાં ૫૦૦ ચોમીથી ૩૦૦૦ ચોમી સુધીના કુલ ૨૫૪ પ્લોટોનું,જનરલ ઝોનમાં ૩૦૦૦ ચોમીથી ૧૦ હજાર ચોમી સુધીના કુલ ૨૫ પ્લોટોનું આયોજન કરાયું છે. એમએસએમઇ ઝોનનો કામચલાઉ ફાળવણી દર રુ. ૨૩૨૦ પ્રતિ ચોમી તેમજ જનરલ ઝોનનો કામચલાઉ ફાળવણી દર રુ.૩૩૬૦ પ્રતિ ચોમી છે.જેની ફાળવણીના ડ્રો સમયે સાંસદ શારદાબેન પટેલ, જીઆઈડીસી ચેરમેન બલવંતસિંહ રાજપુત,ધારાસભ્ય આશાબેન પટેલ અને એપીએમસી ઊંઝાના ચેરમેન દિનેશભાઇ પટેલ ઉપસ્થિત રહેશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution