સનાતન પરંપરામાં જૈન પંથની સ્થાપના અને તેનો સમયકાળ

બહુ જ પ્રચલિત અર્થમાં મનાય છે કે જૈન પંથની સ્થાપના મહાવીર સ્વામી દ્વારા થઈ, અને તેમના અગિયાર શિષ્યો વડે ભગવાન મહાવીરના ઉપદેશો પરથી જૈન દર્શન અને તત્વજ્ઞાન ઘડાયું. જૈન શબ્દ સંસ્કૃત શબ્દ ‘જીન’ પરથી આવે છે જેનો અર્થ થાય છે સ્વયં(ઇન્દ્રિયો) પર વિજય પ્રાપ્ત કરવો. જે એવું કરી દે છે તે આત્મા અનંત જ્ઞાન, અનંત શક્તિ અને અનંત આનંદને પ્રાપ્ત કરી અરિહંત બની જાય છે. અને પોતાના આત્માને એવા અરિહંત બનાવી દેનાર વ્યક્તિને કહેવાય છે તીર્થંકર. મોટાભાગે જે પહેલા તીર્થંકર ભારતમાં ખ્યાતિ પ્રાપ્ત થયા કે સામે આવ્યા તે મહાવીર જ હતા, અને જૈન દર્શન તેમના આપેલા ઉપદેશો અને તત્વજ્ઞાનથી જ રચાયું. પરંતુ, મહાવીરના શિષ્યો દ્વારા તેમની શ્રમણિક પરંપરા જે શૈવ યોગીઓની પરંપરાથી મળતી આવતી હતી, તેને મહાવીરથી પાછળ ભૂતકાળમાં જઈને એક ઇતિહાસ અપાયો. કહેવાયું કે મહાવીર પહેલા તીર્થંકર નથી, તે અસલમાં ચોવીસમાં અને છેલ્લા તીર્થંકર છે. સૌથી પહેલા તીર્થંકર આદિનાથ હતા જેમને ઋષભદેવ પણ કહેવાય છે.

આ રીતે ઋષભદેવ કે આદીનાથની કથા સામે આવી, અને તેમના પછી આવેલા મહાવીર સિવાયના બીજા બાવીસ તીર્થંકરના નામ સામે આવ્યા. તેમાંથી કોઈ રામના સમયે થઈ ગયેલા હતા તો કોઈ અરિષ્ટનેમી નામે કૃષ્ણના સંબંધીઓમાંથી એક નામ હતું. આ રીતે જૈન પંથને વેદોના સમયથી સમાંતર ચાલતી પરંપરા બતાવવાની કોશિશ થઈ. બૌદ્ધ પંથ સિવાય લગભગ દરેક નવા પંથ સાથે આ કાર્ય થયું છે, એ નવા પંથને ભૂતકાળનો એક આધાર આપવાનું કામ.

વેદો અને ઉપનિષદોમાં ઋષભ શબ્દ કેટલાક સ્થાને બળદ માટે વાપરવામાં આવ્યો છે જ્યાં અગ્નિ દેવને પ્રાર્થના કરાઈ રહી છે, તો કેટલાક સ્થાને તે કોઈપણ નર પ્રાણી માટે તો કોઈ સ્થાને શ્રેષ્ઠ શબ્દના પર્યાયવાચી તરીકે. ઋગ્વેદના દસમા મંડળના એકસો છાસઠમા સુક્તમાં રુદ્ર દેવને ‘મને સમાન પદવાળા વ્યક્તિઓમાં શ્રેષ્ઠ બનાવ’ એવી પ્રાર્થના કરાઈ છે, જ્યાં ઋષભનો શબ્દનો અર્થ ‘શ્રેષ્ઠ’ એવો કરવામાં આવ્યો છે. આ સિવાય અથર્વવેદ અને તૈતેરેય બ્રાહ્મણમાં પણ ઋષભ શબ્દ આવા અર્થ સાથે ઉપલબ્ધ છે. પણ પુરાણોમાં આવતાં આવતાં ઋષભ શબ્દ એક અવતાર અને દેવનું સ્થાન લઈ લે છે. લિંગ પુરાણમાં તે શિવના ૨૮ અવતારોમાંથી એક છે, તો શ્રીમદ ભગવદમાં તે વિષ્ણુના ૨૪ અવતારોમાંથી એક બતાવાયા છે, અને જૈન પંથની સ્થાપના એમના દ્વારા થઈ એવું પણ કહેવાયું છે. અને મોટાભાગના પુરાણોની રચના મહાવીર અને બુદ્ધના સમય દરમિયાન તો કેટલાકની તે પછી થઈ હોવાનું પ્રમાણિત થયેલું છે. આમ,ઋષભદેવ કે આદિનાથ જૈન પંથના સ્થાપક અને પહેલા તીર્થંકર તરીકે મહાવીરના સમય પછી જ સ્થાપિત થયા એ લગભગ પ્રમાણિત દેખાય છે. એનું સૌથી મોટું પ્રમાણ આદિનાથની કથા કહેતા આદીપુરાણથી મળે છે.

ઇસ સાતમી સદીમાં આચાર્ય જીનસેન દ્વારા લખાયેલ આદિપુરાણમાં આદિ તીર્થંકર ઋષભનાથ કે આદિનાથના પૂર્વ જન્મો અને તેમના આદિનાથ તરીકેના જીવનનું વૃત્તાંત કહેવામાં આવ્યું છે. અને એ વૃત્તાંતમાં આદીનાથ અયોધ્યાના રાજા નાભિરાજ અને તેમની પત્ની મરુદેવીના પુત્ર તરીકે જન્મે છે. મરુદેવીનું ધરતી પરનાં ઈન્દ્રાણી તરીકે વર્ણન કરાયું છે. આદિનાથના જન્મ પહેલાં ઇન્દ્ર શ્રી, હ્રીં, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ વગેરે દેવીઓને ગર્ભવતી માતા મરુદેવીની સેવા કરવા માટે મોકલે છે. જ્યારે આદિનાથનો જન્મ થાય છે ત્યારે ઇન્દ્રાસન કંપી ઊઠે છે, અને ઇન્દ્ર પોતાનું આસન ડગમગાતું જાેઈ ભયભીત થઈ ઊઠે છે. ઇન્દ્ર આસન ઉપરથી ઉતરી બાળક આદીનાથને પ્રણામ કરે છે, અને દેવી દેવતાઓને તેમના દર્શન કરવા સ્વર્ગમાંથી ધરતી પર મોકલે છે, જ્યારે પોતે ઈન્દ્રાણી સાથે ઐરાવત હાથી પર સવાર થઈને નીકળે છે. તે અયોધ્યા આવી આદિનાથને ભગવાન તરીકે હાથમાં લે છે અને પ્રણામ કરે છે, અને ત્યાર પછી સતત ભગવાન આદિનાથની સેવા અર્થે સમયે સમયે અયોધ્યા આવી તેમના કાર્ય કરે છે. આ આખું વર્ણન હિંદુ પુરાણોના સ્વર્ગની ગાદી પર બેસેલા ઇન્દ્ર અને ઈન્દ્રાણીનું છે, જે વૈદિક ધર્મમાં વેદ અને મુખ્ય ઉપનિષદોની રચના સમયે વૈદીક ગ્રંથોમાં નથી. વેદોના ઈન્દ્ર એક નિરાકાર દેવ છે, જેનું યજ્ઞો મારફતે આહવાન થાય છે.

એટલે જ વેદોમાં અને ઉપનિષદોમાં ઋષભ શબ્દનો અર્થ બળદ, નર પશુ કે શ્રેષ્ઠતા માટે ઉપયોગમાં છે, પણ કોઈ દેવ તરીકે નહીં. ત્યાં સુધી કે ઉપનિષદો બાદ પણ પુરાણો પહેલાં લખાયેલા રામાયણ અને મહાભારત જેવા બૃહદ ઇતિહાસ ગ્રંથમાં પણ જૈન પરંપરા કે તેમના કોઈ તીર્થંકરનો કોઈ ઉલ્લેખ નથી. તેનો ઉલ્લેખ ફક્ત પુરાણોમાં જ મળે છે. ભગવાન મહાવીરના સમય બાદ વેદોના ઋષભ શબ્દનો ઉપયોગ કરી હિંદુ પુરાણોના સમયમાં જૈન પંથને એક ભૂતકાળ આપવાનો પ્રયાસ થયો છે, જેનું વર્ણન વેદો અને ઉપનિષદો જેવું ન હોતાં પુરાણોના દેવી દેવતા જેવું જ છે. એક રીતે પુરાણોના પંચદેવ જેમ ઇન્દ્ર અને સ્વર્ગથી ઉપર પરબ્રહ્મ તરીકે એક સ્થાન ધરાવે છે, તે રીતે જ આદિનાથને જૈન માર્ગના ભગવાન તરીકે ઇન્દ્ર અને સ્વર્ગથી ઉપર તીર્થંકરનું સ્થાન આપી તેમનું એક સિદ્ધાલય નામે ધામ અપાયું છે. આ સિધ્ધાલયમાં તમામ અરિહંત બનેલા આત્માઓ અનંત જ્ઞાન, અનંત શક્તિ અને અનંત આનંદ સાથે હંમેશા માટે નિવાસ કરે છે. જૈન પંથમાં એ જ મુક્તિ કે મોક્ષની સ્થિતિ છે.

આ સિવાય જૈન પંથમાં અન્ય એક અપ્રમાણિત વાત કહેવાય છે જે પણ અહીં ખોટી સાબિત થાય છે. જૈન પંથમાં આદિનાથના સૌથી મોટા દીકરાનું નામ હોય છે ભરત. અને જૈન પંથમાં કહેવાય છે કે આપણા દેશનું નામ ભારત એ રાજા ભરતથી પડ્યું છે. આ પણ પ્રમાણથી વિમુખ છે. કારણ કે રામાયણમાં આપણા દેશને જંબુદ્વીપ અને આર્યાવર્ત કહેવામાં આવ્યું છે. બસ મહાભારતમાં કુરુવંશી દુષ્યંતના દીકરા રાજા ભરતના કાળ બાદ જ મહાભારતમાં પણ ભારતવર્ષ શબ્દ આવે છે. અને જેમ આપણે જાણ્યું કે જૈન માર્ગ કે તેના કોઈ તીર્થંકર વિશેનો કોઈ ઉલ્લેખ રામાયણ અને મહાભારતમાં નથી. જૈન સાહિત્ય જે રામાયણ અને મહાભારત બાદના પૌરાણિક કાળમાં લખાયું છે, તે રામ અને કૃષ્ણના કાળમાં કોઈ અજાણ્યા પુરુષોને તીર્થંકર બતાવી રહ્યું છે.

આમ, જૈન પંથ ભગવાન મહાવીર સાથે શરૂ થયેલો માલૂમ પડે છે, અને ત્યારબાદ તેના અન્ય તીર્થંકરોના પૌરાણિક સ્વરૂપને ઘડવામાં આવ્યું છે. આ વાત એ તથ્યને પ્રમાણિત કરે છે કે જૈન પંથ પુરાણોના સમયમાં રચાયો છે, અને વેદ અને ઉપનિષદના સમયમાં જૈન શ્રમણિક પરંપરાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નહોતું. જાે કોઈ શ્રમણિક જેવી સાધનાનું અસ્તિત્વ હતું, તો તે વૈદિક ઋષિમુનિઓની સાધનાની કોઈ વિધિઓ તરીકે જ હતું. અલગ શબ્દો સાથેનું જૈન દર્શન, તત્વજ્ઞાન કે સાધનાનો માર્ગ તે સમયે નહોતો. તે ભગવાન મહાવીર પછી રચાયું.

 (આ લેખકના અંગત વિચારો છે)

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution