રોગચાળો બેકાબૂઃ કૉલેરાનો વધુ એક કેસ નોંધાયો

બેકાબૂ રોગચાળાના પગલે આરોગ્ય વિભાગ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. શુક્રવારે સતત બીજા દિવસે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારમાં ખાણીપીણીની લારીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા ૧૭ લારીઓ બંધ કરાવવામાં આવી હતી. ૩૦૦ લિટર પાણીપુરીના પાણી તથા ૧૫૦ કિલો મસાલા સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. 

શહેરમાં રોગચાળો માથું ઊંચકી રહ્યો છે. હાલ સુધીમાં કોલેરાના બે કેસ નોંધાયા છે. શુક્રવારના રોજ વધુ એક કેસ નોંધાયો હતો. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સતત બીજા દિવસે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં બે ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એક ટીમ દ્વારા લાલકોર્ટ, પાણીગેટ, સોમા તળાવ, આર.વી.દેસાઈ રોડ ખાતે પાણીપુરી તેમજ ચાઇનીઝની ૨૮ લારીઓ ઉપર ચેકીંગ કરવામાં આવ્યું હતું જેમાં ૧૭ જેટલી લારીઓ બંધ કરાવવામાં આવી હતી. ઉપરાંત ૨૭૦ લીટર પાણી, અને ૭૦ કિલો મસાલો, સોસ, ચટણી તેમજ અન્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. તો બીજી ટીમ દ્વારા યાકુતપુરા વિસ્તારમાં ૩૦ જેટલી લારીઓનું ચેકિંગ કરાયું હતું. જેમાં ૩૦ લીટર પાણી, ૨૦ કિલો ચટણી અને ૬૦ કિલો ડુંગળીનો નાશ કરવામાં આવ્યો હતો. આ અંગે અધિક આરોગ્ય અમલદાર મુકેશ વૈધે જણાવ્યું હતું કે ટીમ દ્વારા આગામી સમયમાં પણ કામગીરી કરવામાં આવશે. અને લોકો અખાદ્ય ખોરાક ખાવાથી દૂર રહે તેવી અપીલ પણ કરી હતી.

પાલિકામાં બેઠક બાદ નાસ્તાની મિજબાની બંધ કરાઈ? 

મહાનગરપાલિકાના સત્તાધીશો  એક તરફ શહેરમાં રોગચાળો છે તેવું માનવા તૈયાર નથી. અને લોકોને હાલની મોસમ બહારનો ખોરાક નહિ ખાવા માટે સલાહ પણ આપવામાં આવી રહી છે. ત્યારે પાલિકાના અધિકારીઓ દ્વારા પણ બહારનો ખોરાક બંધ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે પાલિકામાં કોઈ પણ બેઠક મળે ત્યાર બાદ ચા - નાસ્તાની મિજબાની થતી હોય છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી બેઠકો ચા - નાસ્તા વગરની જ જઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પાલિકાના અધિકારીઓને પણ લાગી રહ્યું છે કે શહેરમાં રોગચાળો છે અને બહારનું ન ખાવું જાેઈએ, પરંતુ એવું માનવા તૈયાર નથી. 

તમામ હોટેલ, રેસ્ટોરાંમાં તેલ - ઘી અંગેના બોર્ડ મૂકવા ફરજિયાત

શહેરની વિવિધ હોટલો, રેસ્ટોરન્ટ, ઢાબા સહીતના સંચાલકો સાથે આરોગ્ય વિભાગ દ્વારા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં તમામ એકમો દ્વારા ખાદ્યચીજ બનાવવા માટે જે કૂકિંગ મીડિયમ (રાંધવાનું માધ્યમ) વપરાયેલ હોય તે બાબતે સ્પષ્ટ શબ્દોમાં મોટા અક્ષરે જાહેર જનતાને વંચાય તે રીતે ફરજિયાત પણે બોર્ડ લગાવવાનું થાય છે જેની તાત્કાલિક અસરથી અમલવારી કરાવવા જણાવવામાં આવ્યું હતું, જેના ભંગ બદલ કાયદા હેઠળની કડક કાર્યવાહી ક૨વામાં આવશે. વધુમાં ખાદ્ય ચીજ જેવી કે ભાજી પાઉ, સેન્ડવિચ, વડાપાઉ, રોટી વગેરે ઉપર લગાવવામાં આવતા ઘી, બટર, ટેબલ માર્ગેરીન, ફેટ સ્પ્રેડ જેવા માધ્યમનો ઉલ્લેખ પણ બોર્ડ ઉપર કરવાનો રહેશે, જે અંગેની માહિતી આપવામાં આવી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution