રાજકોટ કિશોરોને પણ રસી અપાવવા માટે સરકારે અભિયાન આરંભ્યુ છે. રાજકોટમાં પણ આજે શહેરની ૮૦૦ પૈકી ની ૭૧ શાળામાં વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે. જ્યાં વેક્સિન લેવા વિદ્યાર્થીઓની લાઈન લાગી હતી. તો બે વાલીઓ તરફથી શાળાના દરેક બાળકોને બોલપેન આપી પ્રોત્સાહિત કરાયા હતા. રાજકોટ શહેરની શાળાઓમાં વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓએ વેક્સિન લેવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કર્યું છે અને જેમને બાકી હોય તેનું શાળા દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે.દરેક વર્ગખંડમાં જે વિદ્યાર્થીઓને હાલ કોઈ વાયરલ ઇન્ફેક્શન હોય અથવા ગેરહાજર હોય તો તેમના માટે આગામી ૭ તારીખના રોજ ફરી વેક્સિનેશન કરાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની બાળકોનું વેક્સિનેશન કરવા અંગે જાહેરાત થયા બાદ રાજકોટ ર્સ્વનિભર શાળા સંચાલક મંડળ દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવી હતી કે શાળાના માધ્યમથી વેક્સિનેશન કરવામાં આવે જે રજુઆત માન્ય રાખી આજથી એક સપ્તાહ સુધી મેગા વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. શાળા સંચાલક મંડળનું કહેવું છે કે શાળાના માધ્યમથી વેક્સિનેશન કરવાથી માસ વેક્સિનેશન, ઇઝી વેક્સિનેશન અને ૧૦૦% વેક્સિનેશન કરી શકાશે. આજથી રાજકોટ મનપા દ્વારા શાળા સંચાલકો સાથે મળી વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું છે આજે પ્રથમ દિવસે રાજકોટ શહેરની ૭૧ શાળામાં આરોગ્ય વિભાગ દ્વારા બાળકો માટે વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે.રાજકોટ ર્સ્વનિભર શાળા સંચાલક મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે, આજથી બાળકો માટે વેક્સિનેશન શરૂ થયું છે ખુબ જ ખુશીનો અને મહત્વનો દિવસ છે. અમારી રજુઆતને સાંભળી સરકાર દ્વારા અમારા ઉપર ભરોસો મૂકી જવાબદારી સોંપી છે. દરેક શાળા સંચાલકોને પણ અપીલ કરું છું કે વધુ ને વધુ બાળકોનું વેક્સિનેશન કરાવી આપણે સરકારને મદદરૂપ બનીશું. આ સાથે કોઈ પણ જગ્યાએ વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવા જરૂર જણાય તો કાઉન્સેલિંગ કરી માર્ગદર્શન પૂરું પાડી વેક્સિનેશન અભિયાનને સફળ બનાવીશું. અને તમામ વિદ્યાર્થીઓનું ૧૦૦ % વેક્સિનેશન થાય માટે શાળા સંચાલક, આચાર્ય, શિક્ષક તેમજ શાળાના અન્ય સ્ટાફ મેમ્બર જહેમત ઉઠાવી કટિબધ્ધ બને તેવી અપીલ છે.