પોતાની પાસે જે છે તેનો આનંદ માણો

એક વખત એક પતિ અને પત્ની જંગલમાંથી પસાર થતાં હતાં. તેઓ બીજા ગામ જઈને મજૂરી કરીને, મહેનત કરીને ધન કમાઈ લાવ્યા હતાં. તેઓ પોતાના ગામની સીમમાં પહોંચી તે પહેલાં જ લુંટારા તેમની ઉપર ત્રાટક્યા અને તેમને લૂંટી લીધાં. મૃત્યુના ભયથી બંનેએ પોતાની પાસે રહેલું ધન આપી દીધું. લુંટારા જતા રહ્યાં અને પતિ-પત્ની રડતા ંરડતાં ઘરે આવ્યાં. ઘરે પહોંચતા રાત પડી ગઈ હતી. આવીને જૂએ છે તો ઘરની છત તૂટી ગઈ હતી. પતિની માતા હતી તે હાજર નહોતી. પાડોશીએ કહ્યું કે, તમારી રાહ જાેવામાં મૃત્યુ પામી અને ગ્રામજનોએ જ તેના અંતિમસંસ્કાર કરી દીધાં. બંને ખૂબ જ નાસીપાસ થઈ ગયાં. બંનેને લાગ્યું કે હવે જીવન જીવવા જેવું નથી.

બંને ગામની બીજી તરફ આવેલી નદીમાં પડીને આત્મહત્યા કરવા માટે નીકળ્યાં. તેમને હવે આ જીવન અને આ જગત જીવવા જેવું લાગતું નહોતું. તેઓ જંગલમાં પહોંચ્યાં. હજી સવાર થઈ નહોતી. તેઓ એક ઝાડ નીચે બેઠાં. સામે નદી દેખાતી હતી છતાં આત્મહત્યા કરવાની હિંમત ચાલી નહીં. બંને જણા ઊભા થયા અને નદી પાસે ગયાં. એક વખત વિચાર કર્યો કે કુદી જઈએ. પણ કિનારેથી નદીમાં પડીને કોઈ ફાયદો નહોતો. બંનેએ આસપાસ જાેયું તો એક મોટું ઝાડ હતું. તેમણે તેના ઉપરથી નદીમાં કુદવાનું નક્કી કર્યું. તેઓ ઝાડ પાસે પહોંચ્યાં તો ત્યાં એક થેલો પડ્યો હતો અને ભોજનનું ભાથું પડ્યું હતું. બંનેએ જાેયું તો ભોજન તાજું હતું. તેમણે થેલો ખોલ્યો તો તેમાં કશું પથ્થર જેવું દેખાતું હતું. તેમણે વિચાર્યું કે ઈશ્વરે અંતિમ ભોજનનો અવસર આપ્યો છે તો ભોજન કરીને મોત વહાલું કરીએ. બંને ભોજન કરતાં હતાં અને થેલામાં જે પથ્થરો હતાં તેને નદીમાં નાંખતા જતા હતાં. આમ કરતા કરતા ભોજન પૂરું થઈ ગયું અને થેલામાંથી પથ્થરો પણ પૂરા થઈ ગયા.

પતિએ થેલામાં હાથ નાખ્યો તો એક પથ્થર હાથમાં આવ્યો. તેણે જાેયું તો પથ્થર થોડો વધારે મોટો હતો. તેણે પથ્થર હાથમાં લીધો અને નદીની થોડી વધારે નજીક ગયો જેથી તેને બરાબર વચ્ચે ફેંકી શકાય. આ દરમિયાન સવાર થઈ અને પથ્થર ચમકવા લાગ્યો. તેણે પથ્થર જાેયું તો સમજાયું કે આખી રાત પથ્થર સમજીને જે પાણીમાં નાખતા હતા તે હીરા-પન્ના હતાં. હાથમાં જે વધ્યો તે વિશાળ પન્નો હતો. પતિ અને પત્ની ખૂબ જ નાસીપાસ થઈ ગયા. તેમને થયું કે રાતના અંધકારમાં ખબર જ ન પડી કે આ હીરા છે કે પથ્થર. બંને રડવા લાગ્યાં. આ દરમિયાન એક સાધુ ત્યાં સ્નાન કરવા માટે આવ્યાં. સાધુએ તેમને દુઃખી થવાનું કારણ પુછ્યું. બંનેએ જણાવ્યું કે, ધન કમાવા ગયા હતા ત્યાં મુશ્કેલી પડી. ત્યારબાદ ધન કમાઈને આવ્યા તો લુંટારા લુંટી ગયા. ઘરે આવ્યા તો ઘર તૂટી ગયું હતું. માતા મૃત્યુ પામી હતી. જીવનમાં કશું જ વધ્યું નહોતું. જીવન ટુંકાવી કાઢવાનું નક્કી કર્યું તો ઈશ્વરે ભોજન આપ્યું. ભોજન કરતા કરતા આ પથ્થરો નદીમાં નાખી દીધાં. હકીકતે આ હીરા-પન્ના છે. અમે સાત પેઢીમાં જે નહોતું કમાયા કે નહીં કમાઈ શકીએ તેના કરતા વધારે કિંમતી ઝવેરાત. અમે પીડા, નિરાશા, ગુસ્સો, નાદાનિયતમાં બધા જ નદીમાં ફેંકી દીધાં. આ તો છેલ્લો પથ્થર ફેંકવા જતા હતો પણ સવાર પડી અને પથ્થર ચમક્યો એટલે ખબર પડી. પતિનો જવાબ સાંભળીને સાધુ હસી પડ્યાં. બંનેને નવાઈ લાગી કે અમારા જીવનની પીડા સાંભળીને સાધુ હસી રહ્યા છે. તેઓ સાધુની સામે પ્રશ્નસુચક નજરે જાેઈ રહ્યા.

સાધુએ જવાબ આપ્યો કે, ઈશ્વર જે કરે છે તે પોતાના આયોજન પ્રમાણે જ કરે છે. તેમાં માણસનું કશું જ ચાલતું નથી. આપણે ધારીને જઈએ તે ઈશ્વર કરે તે શક્ય નથી. આપણી પાસે શું આવશે, શું રહેશે અને શું જતું રહેશે તેની આપણને ખબર જ નથી હોતી. આપણી સમસ્યા એ છે કે, જે જતું રહે છે તેની પાછળ આપણે રડતા રહેતા હોઈએ છીએ. આપણે વિલાપ કરતા રહીએ છીએ. માણસની મુશ્કેલી છે કે, તે ભવિષ્ય જાણતો નથી છતાં ભવિષ્યના આયોજન કરે છે અને ભુતકાળ જતો રહ્યો છતાં તેને ભુલી શકતો નથી. આપણી પાસે જે છે તેનો આનંદ માણવાની જગ્યાએ જે જતું રહ્યું છે અને જે આવ્યું નથી તેની ચિંતા કરીએ છીએ અને દુઃખી થઈએ છીએ. તમારી પાસે જે વધ્યું છે તે પણ સુખેથી જિંદગી પસાર કરવા માટે પુરતું છે. બંને સાધુની વાત માનીને ખુશ થતાં થતાં પોતાના ઘરે પરત ફર્યા.

આ દંપતીની જેમ આપણે બધા જ જે હાથમાં છે, જે આપણી પાસે છે તેના ઉપર ધ્યાન આપતા નથી. આપણે માત્ર જે જતું રહ્યું છે, જે ભુતકાળ થઈ ગયું છે તેના માટે રડતા રહીએ છીએ. ભુતકાળમાં જે થઈ ગયું તેની આપણને જાણ નહોતી અને ભવિષ્યમાં જે થવાનું છે તેની પણ આપણને જાણ નથી. આ બંને ઉપર સૌથી વધારે આધાર રાખીને આપણે જીવીએ છીએ અને દુઃખી થઈએ છીએ. આપણે જરૂર છે વર્તમાનમાં જીવવાની. આપણી પાસે જે છે, આપણી જાેડે જે છે, આપણા માટે જે છે તે બધાની ચિંતા કરવાની. જે હાથમાં છે તેનો આનંદ માણવાનો. જે આંખ સામે છે તેને માણી લેવાનું. આ બધું કરવાની જગ્યાએ જે ગયું અને જે આવ્યું નથી તેના વિચારો કરતા રહીશું તો પીડા જ થવાની છે. હકિકતે આપણે ભુતકાળમાંથી શીખવાની જરૂર છે. તેના થકી જ વર્તમાનમાં આપણી પાસે જે શક્યતાઓ, જે અવસર છે તેના ઉપર કામ કરીને અથવા તો તેને થકી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકાશે. તેથી જ જે જતું રહ્યું છે કે જે આવ્યું નથી તેની ચિંતા છોડીને જે વધ્યું છે તેનો આનંદ માણવો જાેઈએ.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution