આણંદ : કોરોના મહામારીનો ગુજરાતના નાગરિકોએ સામનો કરીને કપરાં કાળમાં સંયમતાનો પરિચય આપ્યો હતો. નાગરિકોની આ સંયમતા સામે વહીવટી તંત્ર અને સરકારે ઝડપથી વેક્સિન વિક્સાવીને નાગરિકો સુધી પહોંચાડી દીધી છે. બસ હવે કોરોનાનો કાળ આવી પહોંચ્યો છે. જે ઐતિહાસિક દિવસની આતુરતાથી રાહ જાેવાઈ રહી હતી તે આવતીકાલે આવી પહોંચ્યો છે. તા.૧૬થી કોરોના ચરોતરમાં કોરોના રસીકરણનો પ્રારંભ કરીને કોરોનાનો પેચ કાપવામાં આવશે.
આણંદ જિલ્લામાં કોરોના વેક્સિનનો જથ્થો આવી પહોંચ્યો બાદ હવે જિલ્લાના ૧૧ કોવિડ રસીકરણ કેન્દ્રો ખાતે આજે તા.૧૬ જાન્યુઆરીના રોજ સવારના ૯થી સાંજ ૫ કલાક દરમિયાન કોરોના મહામારીમાં રાત દિવસ અવિરતપણે પોતાની સેવાઓ બજાવનાર પ્રથમ હરોળના કોરોના યોદ્ધાઓને કોવિડ રસી મૂકવાનો પ્રારંભ થશે.
જિલ્લા કલેક્ટર આર.જી.ગોહિલ તેમજ જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમારના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં કોવિડ રસીકરણના પ્રારંભની તમામ તૈયારીઓ નિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે પૂર્ણ કરવામાં આવી છે. આ અંગેની જાણકારી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.શાલિની ભાટિયાએ જણાવ્યું હતું કે, ભારત સરકારના નિયત પ્રોટોકોલ અને એસઓપીને ચુસ્ત રીતે અનુસરીને રસીકરણની તૈયારીઓ કરવામાં આવી છે. આવતીકાલે રસી આપવાની કામગીરી શરૂ કરવા જિલ્લાની સરકારી-ખાનગી સંસથાઓ સહિત ૧૧ કેન્દ્રો ખાતે રસીકરણ બુથ ઊભાં કરવામાં આવ્યા છે.
રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સવારના ૧૧ કલાકે પેટલાદ ખાતે ડિસિ્ટ્રક્ટ (સિવિલ) હોસ્પિટલ ખાતે અને કરમસદની પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ ખાતેથી નર્મદા રાજ્ય મંત્રી યોગેશભાઇ પટેલ કોવિડ રસીકરણનો પ્રારંભ કરાવશે. સાંસદ મિતેશભાઇ પટેલ, સીએચસી વાસદ ખાતેથી, આણંદની જનરલ હોસ્પિટલ (સબ ડિસિ્ટ્રક્ટ) ખાતેથી અમૂલ ડેરી, આણંદના ચેરમેન રામસિંહ પરમાર, આંકલાવના સીએચસી ખાતેથી ધારાસભ્ય ગોવિંદભાઇ પરમાર અને ખંભાતની કાર્ડિયક કેર સેન્ટર ખાતેથી ધારાસભ્ય મહેશભાઇ રાવલ કોવિડ રસીકરણનો પ્રારંભ કરાવશે. આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પીપળાવ અને થામણા, ત્રિભોવનદાસ ફાઉન્ડેશન તારાપુર, ચારુસેટ હોસ્પિટલ, ચાંગા અને શ્રદ્ધા હોસ્પિટલ, બોરસદ ખાતેથી પ્રથમ હરોળના કોરોના યોદ્ધાઓને કોવિડ રસી મૂકીને કોરોના રસીકરણનો પ્રારંભ કરવામાં આવશે. આ કેન્દ્રો ખાતે ડીપ ફ્રીઝ અને આઇએલઆર જેવી રસીને સલામત સાચવવાની સુવિધા રાખવામાં આવી છે. ડૉ.શાલિની ભાટિયાએ ઉમેર્યું હતું કે, રસીનો જરૂરી જથ્થો પણ રસીકરણ કેન્દ્રો ખાતે પહોંચાડવામાં આવ્યો છે.