વરસતા વરસાદમાં માણો મકાઈ સમોસાની મજા

વરસાદની સીઝનમાં સમોસા ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. તેમાં પણ મકાઈના સમોસાની રેસિપી નાના બાળકોથી લઈને મોટાંઓને પણ પસંદ પડશે. આ ડિશ હેલ્ધી હોવાની સાથે ટેસ્ટી પણ છે. તમે આ સમોસાને લીલી ચટણી સાથે ખાઈ શકો છો અને બાળકો સોસ સાથે પણ તેની મજા માણી શકે છે. તો થઈ જાઓ તૈયાર અને ટ્રાય કરી લો આ મકાઈ સમોસાની રેસિપી. તમે તેને ઘરે જ બનાવીને તેની મજા માણી શકો છો.

સામગ્રી :

4 વાડકી મેંદો, 2 વાડકી બાફેલા મકાઈના દાણા,400 ગ્રામ બટાકા બાફેલા, 2 નાની ચમચી ધાણાજીરુ, 3 ચમચી તેલ મોણ માટે, 2 નાની ચમચી આખા ધાણા,2 નાની ચમચી શેકેલુ જીરુ,1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચુ, 1 ચમચી આમચૂર પાવડર,મીઠું સ્વાદાનુસાર,તેલ તળવા માટે, થોડો ફુદીનો

બનાવાની રીત :

 મેદામાં એક ચમચી તેલનું મોણ નાંખો. હવે તેમાં પાણી મિક્સ કરીને લોટ બાંધી લો. બાફેલા મકાઈના દાણાને મસળી લો. બાફેલા બટાકા પણ તેમાં જ મિક્સ કરો અને બંનેને બરોબર મસળો. હવે અડધી ચમચી તેલ ગરમ કરો. તેમા આખા ધાણા અને ધાણાજીરુ નાંખો. તે બ્રાઉન થાય કે તરત જ બધા મસાલા અને બટાકા અને મકાઈનું મિશ્રણ મિક્સ કરો. હવે આ મિશ્રણને ઠંડુ થવા દો. મેંદાના પેંડા બનાવી ગોળ વણો. હવે તેને બે ભાગમાં કાપી લો. દરેક અડધા ભાગમાં મિશ્રણ ભરી સમોસા બનાવી લો. જો ધારી બંધ ન થાય તો તેની પર પાણીનો હાથ ફેરવો અને તેને ચોંટાડો. તેલ ગરમ કરી ધીમા તાપે તળી લો. લીલી ચટણી કે સોસ સાથે સર્વ કરો.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution