રેલવે, હાઈવેસ, બંદરો જેવી સુવિધા ઊભી કરવા પર સરકાર દ્વારા ભાર


મુંબઈ,તા.૩૦

 કેન્દ્ર સરકારના પ્રોજેકટો પૂરા થવામાં ઢીલ તથા ખર્ચમાં વધારો થવાની સ્થિતિ એપ્રિલમાં પણ જળવાઈ રહી હતી. લોકસભાની ચૂંટણીને કારણે માળખાકીય ક્ષેત્રે પ્રવૃત્તિ મંદ પડતા પ્રોજેકટસ ઢીલમાં પડયા હોવાનું સરકારી સુત્રો બચાવ કરી રહ્યા છે. દેશમાં માળખાકીય વિકાસ ખાસ કરીને રેલવે, હાઈવેસ, બંદરો જેવી સુવિધા ઊભી કરવા પર સરકાર દ્વારા ભાર અપાઈ રહ્યો છે પરંતુ પ્રોજેકટસ સમયસર પૂરા કરવા પડકારરૂપ રહ્યા છે. જમીન હસ્તગત સહિતના મુદ્દા પણ પ્રોજેકટસ સામે અવરોધરૂપ બને છે.

હાલમાં પ્રોજેકટસ ખર્ચમાં વધારો થવાનું પ્રમાણ એપ્રિલમાં ૨૦.૦૯ ટકા સાથે બાર મહિનાની ઊંચી સપાટીએ રહ્યું હતું. માર્ચમાં આ પ્રમાણ ૧૮.૬૫ ટકા હતું એમ સરકારી ડેટા જણાવી રહ્યા છે. રૂપિયા ૧૫૦ કરોડ કે તેથી વધુના ખર્ચ સાથેના ૧૮૩૮ પ્રોજેકટસનો ખર્ચ એપ્રિલમાં વધી રૂપિયા ૩૩.૨૦ લાખ કરોડ પહોંચી ગયો હતો, જે મૂળ અંદાજિત ખર્ચ કરતા રૂપિયા ૫.૬૦ લાખ કરોડ વધુ છે. ચૂંટણીને કારણે એકંદર પ્રોજેકટ પ્રવૃત્તિ અટકી પડી હોવાનું સરકારી સુત્રો જણાવી રહ્યા છે. ૪૩ ટકા અથવા ૭૯૨ પ્રોજેકટસ તેમની પૂરા થવાની તારીખ ચૂકી ગયા છે જ્યારે ૫૧૪ પ્રોજેકટસના ખર્ચમાં વધારો જાેવા મળ્યો હોવાનું સરકારી ડેટા પરથી જણાય છે. ગયા મહિને ૬૧ પ્રોજેકટસ સમાપ્ત થયા હતા જ્યારે ૨૯ કાર્યરત થયા હતા. સમાપ્ત થયેલા પ્રોજેકટસ પાછળ રૂપિયા ૪૬૬૪૯.૭૦ કરોડનો ખર્ચ થયો હતો જ્યારે રૂપિયા ૧.૩૦ લાખ કરોડના નવા પ્રોજેકટસનો ઉમેરો થયો છે. પ્રોેજેકટ પૂરા થવાનો સરેરાશ સમય જે માર્ચમાં ૩૬.૦૪ મહિના હતો તે ઘટી એપ્રિલમાં ૩૫.૪૦ મહિના આવી ગયાનું પણ ડેટા પરથી જણાય છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution