લાગણીઓ જ જીવનને ધબકતું રાખે છે

માણસ જ્યારે જન્મ લે છે ત્યારે તેના પોતાના પરિવાર સાથે કે કુટુંબ સાથેના સંબંધ કુદરતી રીતે બંધાય છે. માતા-પિતા,ભાઈ-બહેન કે પછી કુટુંબના અન્ય કોઈ વ્યક્તિ આપણા સંબંધો નક્કી થઈ ગયા હોય છે. આપણા સંબંધોનો વ્યાપ ત્યારે વધે છે જ્યારે આપણે સમાજમાં બહાર જતા થઈ છીએ. આપણા પાડોશીઓ, મિત્રો, સાથે અભ્યાસ કરતા લોકો, સાથે કામ કરતા લોકો કે આપણા વ્યવસાય થતી સંપર્કમાં આવતા લોકો. આ તમામ સંબંધો એવા છે જે આપણી લાગણીઓ, સ્વાર્થ, જરૂરિયાત અને બીજી ઘણી બાબતો સાથે સંકળાયેલા છે. આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ પણ બાહ્ય સંબંધોમાં આપણા હિતો વધારે ભાગ ભજવતા હોય છે. બહારની વ્યક્તિ માટે ઘસાવાનું આપણે ભાગ્યે જ પસંદ કરીએ છીએ.

જે લોકો માટે ઘસાવાનું પસંદ કરીએ છીએ તે સંબંધ વધારે ઉજળા અને ઉમદા હોય છે. મોટાભાગે મિત્રતા એવો સંબંધ છે જેમાં લોકો એકબીજા માટે ન્યોચ્છાવર થવાનું પસંદ કરતા હોય છે. તેમ છતાં એક બાબત એવી છે જે સંબંધ બાંધે છે, તેને ચલાવે છે અને તેનો અંત પણ આણી દે છે. આ છે લાગણી. કોઈપણ સંબંધમાં લાગણી ન હોય તો સંબંધ બંધાય જ નહીં અને ચાલે જ નહીં. લાગણીઓ જ સંબંધને ધબકતો રાખે છે બાકી તો સંબંધ જીવતી લાશ જેવા થઈ જાય. માણસમાં જ્યાં સુધી લાગણીઓ સચવાયેલી હોય છે ત્યાં સુધી નામ વગરના સંબંધો પણ ટકી જતા હોય છે. જાે લાગણી ન હોય તો પારિવારિક સંબંધ પણ પૂરા થઈ જાય છે.

એક નાનકડા શહેરમાં તળાવના કિનારે શાકમાર્કેટ ભરાતું હતું. દરરોજ સાંજે નગરના લોકો ત્યાં ખરિદી કરવા આવતા. ત્યાં એક માજી ફળની લારી લઈને ઊભા રહેતા હતાં. એક યુગલ ત્યાં કાયમ ફળો લેવા આવે. પતિ કાયમ પેલા માજી જાેડે જીભાજાેડી કરે અને ફળો ખરીદે. તેની એક આદત હતી કે તે નારંગી, સફરજન, ચીકુ અને કેળા ખરીદે અને દરેકને ચાખી જૂએ. તે દરરોજ એકાદુ ફળ માજીને ચાખવા આપે અને રકઝક કરે. ક્યારેક બોલે કે નારંગી બહું જ ખાટી છે, ક્યારેક સફરજનમાં સ્વાદ નથી. કેળા કાચા છે અથવા તો ચીકુ વધારે પડતા પાકી ગયાં છે. તે દરરોજ આવી દલીલો કરે અને પછી ત્યાંથી જતો રહે.

લગભગ એકાદ મહિનો આવું ચાલ્યું હશે ત્યારે તેની પત્નીએ પૂછ્યું કે, તમે બજારમાંથી કાયમ તે માજી પાસેથી જ ફળો ખરીદો છો. તેના ફળ તમને ગમતા નથી તો બીજાની પાસે કેમ જતા નથી. ફળ લીધા પછી તમે રકઝક કરો છો. તેને ફળ આપીને બાકીના ફળો તો લઈને જ આવો છો. દરેક ફળ તાજા અને મધમીઠા હોય છે તો પછી કેમ આવું કરો છો.

પતિએ કહ્યું કે, હું નાનો હતો ત્યારથી આ માજી અહીંયા ફળ વેચે છે. તેની મજબૂરી છે કે તેણે આ ઉંમરે પણ કામ કરવું પડે છે. તેને આ ઉંમરે ન્યુટ્રિશનની વધારે જરૂર છે. તે જાતે ફળો ખાશે નહીં અને ખાશે તો વેંચશે શું? હું કાયમ રકઝક કરીને તેને ફળ ખાવા આપું છું જેથી તે ખાઈ લે અને તેને થોડી રાહત રહે. પત્નીના ચહેરા ઉપર આનંદ છવાઈ ગયો.

બીજી તરફ બજારમાં માજીની બાજુમાં જ શાકની લારી લઈને ઊભા રહેતા એક વ્યક્તિએ માજીને પૂછ્યું કે, પેલો ભાઈ દરરોજ ફળો લેવા આવે છે અને તમારી સાથે જીભાજાેડી કરે છે. તેમ છતાં તમે તેને થોડા વધારે જ ફળો આપો છો. માજીએ કહ્યું કે, તે છોકરાને મારી ચિંતા છે. તેને ખબર છે કે, મારી આર્થિક સ્થિતિ સારી નથી કે હું આ ફળો ખાઈ શકું. તેના કારણે જ તે કાયમ ખરિદ્યા પછી ચાખવાના બહાને મને એક ફળ આપી દે છે. હું તેના પ્રેમને જાણું છું. મને પણ તેના માટે લાગણી છે તેથી હું કાયમ એકાદ ફળ વધારે જ આપું છું. અમે પરસ્પર એકબીજા પ્રત્યે લાગણી વ્યક્ત કરી દઈએ છીએ.

આ ઘટના આમ જાેઈએ તો ખૂબ જ નાની છે છતાં લાગણીના આધારે નામ વગરના સંબંધ પણ જળવાઈ જાય તેવી છે. તમને જ્યારે કોઈના માટે લાગણી હોય ત્યારે તમે તેને શબ્દોથી જ વ્યક્ત કરો તેવું જરૂરી નથી. તમે કહ્યા વગર, તેની મદદ કરીને, તેની ચિંતા કરીને પણ તેને વ્યક્ત કરી શકો છો. સંબંધોમાં લાગણીનું કામ હૃદય જેવું છે. તે સતત ધબકતી રહે તો જ સંબંધ જીવતો રહે છે. જે દિવસે લાગણીઓ ખોટકાવા લાગે ત્યારે સમજી લેવાનું કે સંબંધ બિમાર પડી રહ્યા છે અને અંત તરફ આગળ વધી રહ્યા છે. સંબંધમાં જ્યારે અતિઅપેક્ષા, એકતરફી ફરજાે, મતભેદો અને ધારણાઓના લાઈફસ્ટાઈલ ડિસિઝ વધવા લાગે ત્યારે સમજી લેવાનું કે લાગણીઓ ઉપર ખતરો મંડાઈ રહ્યો છે. ગમે ત્યારે લાગણીઓ ખોટકાઈ જશે અને સંબંધનું અકાળે અવસાન થશે.

સંબંધને સ્વસ્થ રાખવા હોય તો લાગણીઓને ધબકતી રાખવી પડે. તેના માટે પરસ્પર વિશ્વાસ, પરસ્પર કાળજી રાખવા જેવી કસરત કરવી પડે છે. તમારા સંબંધોમાં સ્નેહ વધારે અને અપેક્ષા ઓછી હોય, સમજણ વધારે અને ગેરસમજાે ઓછી હોય તથા ધારણાઓ કરતા સ્પષ્ટતા વધારે હોય ત્યારે લાગણીઓને કશું જ થતું નથી અને સંબંધો સ્વસ્થ રહે છે. આવી નિઃસ્વાર્થ અને સ્વસ્થ લાગણીઓ જ સંબંધને ધબકતો અને જીવંત રાખે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution