ઈમોશનલ વેલ બીઇંગ :  માનસિક સ્વાસ્થ્યની ચાવી

 લેખકઃ પૂર્વાંગી શુક્લ


શું આપણે પોતાની જાતને અવગણીએ છીએ? જાે આ સમજવું હોય તો વિચારવું પડે કે આપણે આપણી માનસિક સ્વાસ્થ્ય માટે શું જરૂરી પગલાં લઈએ છીએ? મોટેભાગે આપણે અજાણ જ છીએ કે મારી અંદર શું ચાલે છે? હું શું વિચારું છું કે અનુભવ કરું છું? આપણે માનસિક સ્વસ્થ્ય માટે ત્યારે જ સજાગ બનીએ છીએ જયારે આપણને કોઈ બીમારી જકડી લે. રોજિંદા કામોમાં, ઊંઘવામાં, ભોજન લેવામાં અને સામાન્ય વાર્તાલાપ કરવામાં અડચણ ઉભી થવા માંડે. કોઈ કારણ વિના રડ્યા કરીએ, હૃદય ધ્રુજી જાય, પરસેવો પડી જાય અને કોઈ અજાણ્યો ડર સતત લાગ્યા જ કરે એટલે સમજવું કે કંઈક તકલીફ છે. સતત વિચારો જ કરવા અને કોઈ કાર્ય ન ગમવું અને ન કરવું જાે આદત બની જતી હોય તો એલર્ટ થવાની જરૂર છે.

જયારે સમસ્યા આવે ત્યારે જ નિરાકરણ શોધવું અથવા એલર્ટ બનવું જરુરી નથી, પણ ઈમોશનલ વેલ બેઇંગ માટે પણ રોજેરોજ ઘણું બધું કરી શકાય છે. આપની દિનચર્યા, આપનો દેખાવ, આપની વાતો, આપના મિત્રો અને સગાવ્હાલા, આપની ટેવો - કુટેવો બધું જ આપની અંદર રહેલા વિચારો અને લાગણીઓની દેન છે.

એવું સરળતાથી કહી શકાય કે તમારું શરીર પ્રતિબિંબ છે, જે તમે પોતાના વિષે વિચાર કરો છો, જેવું તમે વર્તન કરો છો અને જેવી તમારી આદતો છે. આપણે સરળતાથી કોઈપણ વાતમાં અથવા વિચારમાં જાે ઢળી જતાં હોય તો સમજવું કે આપણે સેલ્ફ-સેન્ટર નથી. સરળતાથી ઈંફ્લુન્સ કરી શકાય તેવા વ્યક્તિત્વ છો. જાે આપ પોતાની વાતને તટસ્થતાથી સમજીને વ્યક્ત કરો છો તો તમે વિચારશીલ છો. માત્ર પ્રભાવિત થઈને જીવન નથી જીવી રહ્યા. આ સરળ વાતો લાગશે પણ ખરા અર્થમાં આ વાતો જ માનસિકતા ઉપર અસર પાડે છે.

૧) તમારા ઈમોશન ઓટો મોડમાં છે

લાગણીઓને આપણે જીપીએસ સિસ્ટમ સાથે સરખાવી શકીએ. આપણે શું વિચારીએ છીએ અને શું કરીએ છીએ તે માત્ર આપણી લાગણીઓથી નક્કી કરી શકાય. સાયકોલોજિસ્ટ આ લાગણીઓને ઈમોશનલ માઈન્ડ તરીકે ઓળખાવે છે. પરંતુ આ જ ઈમોશનલ માઈન્ડ આપણને ક્યારેક લો ફીલ કરાવવામાં, મૂડ સારો કે ખરાબ છે તે નક્કી કરવામાં મદદરૂપ પણ બને છે અને ક્યારેક આપણને મૂર્ખ પણ બનાવે છે. જયારે પણ આપણી લાગણીઓ ઓટો મોડમાં હોય છે ત્યારે બહારની દુનિયામાં બનતી ઘટનાઓ આપણા મૂડને સારો કે ખરાબ કરે છે. જયારે આપણે માત્ર પોતાના ઉપર સ્વ ઉપર ધ્યાન આપીએ ત્યારે આપણે સેલ્ફ-સેન્ટર બની શકીએ. પણ જયારે બીજા વ્યક્તિ,વસ્તુ, અનુભવ અને ઈચ્છાઓ ઉપર ર્નિભર રહીએ ત્યારે આપણી લાગણીઓ જે તે વ્યક્તિ અને વસ્તુના દ્વારા જ નક્કી કરી શકાય. કંઈક સારું બને છે અને આપણે સારું અનુભવ કરીએ. કંઈક ખરાબ બને અથવા બે શબ્દ પોતાની અપેક્ષાથી અલગ થાય તો તરત જ મૂડ ખરાબ થઇ જાય. અને માટે જ ઈમોશનલ વેલ બીઇંગ બનવા માંગતા હોવ તો પોતાની લાગણીઓને પોતાના ઉપર ર્નિભર રાખો. કઈંક સારું બને તો સારું અને ખરાબ બને તો ખરાબ જેવા ઓટો મોડથી માનસિક સ્વાસ્થ્ય બગડે છે અને કારણ વિનાની માનસિક બીમારીઓનો સામનો કરવાનો વારો આવે છે.

 ૨) પારકી પંચાત અને તમારું માનસિક સ્વાસ્થ્ય

“જેવો સંગ તેવો રંગ“ કદાચ આ કહેવત સાથે આપણે ઘણા વાકેફ છીએ. જેવા સાથે ઉઠીએ, બેસીએ તેવા જ બની જવાય. કારણ બીજી વ્યક્તિના વિચારો, લાગણીઓ અને વર્તન આપણને અસર કરે છે. જાે તમને આદત છે કે આપ રોજ જ પારકી પંચાત કરો છો. કોણે શું કર્યું, કેમ કર્યું અને આ તો આવી છે અને તેવી છે જેવી ચર્ચાઓથી માનસિકતા બગડે છે. કારણ આપણે સરળ ભાષામાં બીજા વ્યક્તિ વિષે માત્ર ખરાબ જ વિચારીએ પણ છીએ અને બોલીએ પણ છીએ. આ વાતોની અસર જે તે વ્યક્તિને નથી થતી પણ તમારા માનસિક સ્વસ્થ્ય ઉપર તેની અસર પડે છે. આપ સતત નકારાત્મકતાથી ઘેરાઈ વળો છો. જે તે વ્યક્તિ માત્ર ખરાબ જ નથી. તેની અંદર ગુણો અને લાયકાત બંને છે. પણ આપણી દ્રષ્ટિ છે માત્ર અવગુણો જાેવાની. આપણી દ્રષ્ટિ છે માત્ર ભૂલો કાઢવાની અને તેની વાતો કરવાની તો ધીમે ધીમે આપ પણ તેવા જ બનતા જશો. કારણ તમારી ટેવ બનતી જશે માત્ર નકારાત્મક ગુણો જાેવાની અને ભૂલો કાઢવાની. અને જે જમીએ તેવો ઓડકાર આવે તેમ જે બોલીએ વિચારીએ અને અનુભવીએ તેવા વ્યક્તિત્વ બનીએ. જાે ખરેખર આપ મોટી બીમારીઓને આમંત્રણ આપવા નથી માંગતા તો સમજવું જરૂરી છે કે આપની માનસિક સ્વાસ્થ્યને આપ સાચવો.

૩) રોજ જ ઇર્ન્ટરોસ્પેક્ટ કરો

જાે આ દુનિયામાં સૌથી ઉત્તમ કાર્ય હોય તો તે છે આત્મનિરીક્ષણ. મહાભારતમાં પણ છેવટે ધૃતરાષ્ટ્રે આત્મનિરીક્ષણ કર્યું હતું. ગીતાજીના પહેલા અધ્યાયના પહેલાં શ્લોકમાં જ. પણ જેમ આત્મનિરીક્ષણ કરવા માટે ધૃતરાષ્ટ્રે સમય લીધો તેમ કોઈ મોટી તકલીફ આવે પછી જ જાે આત્મનિરીક્ષણ કરશો તો તેનો અર્થ શું? પૂર આવે તે પહેલા પાળ બંધાય. પોતાને થોડાક પ્રશ્નો પૂછવાની જરૂર છે. બસ આત્મનિરીક્ષણ થવા માંડે. આજે મેં શું કર્યું? આજે મને ગમે તેવું મેં શું કાર્ય કર્યું? શું કાલ કરતાં આજનું વ્યક્તિત્વ વધારે સારું બન્યું? જે કાર્યોને કાલ ઉપર મુલતવી દીધા છે તે શું આજે કરી શકાયા હોત? સામાન્ય અને સરળ પ્રશ્નો છે. પણ તેના ઉત્તર તમારા મનના ઊંડાણમાં તમને લઇ જશે. તમે પોતાના માટે વધુ ક્લિયર બનશો. માત્ર પ્રોબ્લેમને જાેવા કરતા સોલ્યૂશનને જાેવાનો પ્રયત્ન જ તમને વધુ પ્રોડકટીવ બનાવશે. અને બીજા કરતા પોતાનામાં આપ વધુ રચ્યા પચ્યા રહેશો. આ માનસિક સંતુલન અને ઇમોશન્સને મેનેજ કરવાની આ ઉત્તમ ચાવી છે.

૪) ના ભૂતો ના ભવિષ્ય

વર્તમાન - જીવીએ અત્યારે પણ શ્વાસ લઈએ ભૂતકાળના અને મીટ માંડીએ ભવિષ્યમાં. બસ આપણા મન, મગજ અને શરીરની કઈંક આવી જ સ્થિતિ છે. શરીર તો માત્ર તમારું ગુલામ છે. તમે તેને જેમ ટ્રીટ કરશો તેમ તમને તે સાથ આપશે. પણ માનસિક અવસ્થા જાે સારી નહિ હોય તો કશું જ સાથ નહીં આપે. શું કરવું વર્તમાનમાં તો થોડીક પળ માટે પણ નથી જીવાતું. કારણ આપણી ઠેસ પામેલી લાગણીઓ અને અનુભવના ફાટેલા કપડાં પહેરીને ભૂતકાળમાં જીવીએ છીએ અને ભવિષ્યમાં શું થશે તે વિચારીને વર્તમાનને ડરમાં ભોગવીએ છીએ. જાે વર્તમાનમાં જીવવું હોય તો આજનો અને અત્યારનો વિચાર કરો. હું શું વિચાર કરું છું? અને કેમ? શું અત્યારની પળ મારે આ વિચાર પાછળ વેડફવી જાેઈએ કે અત્યારને સમજીને અત્યારની પળમાં જ ફોકસ સાથે જીવી ન શકીએ? પોતાને વર્તમાનમાં જીવાડવા માટે પ્રયત્ન કરવો પડશે. અને દરરોજ પ્રેકટીસથી જ માત્ર વર્તમાનમાં જીવવાની ટેવને વિકસાવી શકીએ છીએ.

૫) રિલેક્સસેશન - આરામ અને વાંચન

આરામ અને વાંચન એકબીજાના પૂરક છે. પણ આ પુરકનો સંબંધ ઘણા વર્ષોથી તૂટી ગયો છે. ખાસ કરીને ટેલિવિઝન અને પછી ઈન્ટરનેટ આવ્યા બાદ. પણ જાે આ સંયોજન ફરી પાછું લાવી શકીએ તો. પોતાના મનના આવેગને સમજીને જાે થોડાક ડિસિપ્લીનમાં આવી શકીએ તો માનસિક સ્વાસ્થ્ય સુધરી શકે છે. આરામ એટલે માત્ર ઊંઘ જ નથી. પણ આરામ એટલે મગજને વિચારોથી આપવામાં આવતી મુક્તિ. અને વાંચન જે આપને સકારાત્મક રીતે બીજી દિશા તરફ લઇ જવામાં મદદરૂપ બને છે. માત્ર સ્ક્રીન સ્ક્રોલ કરવાથી કે ટેલિવિઝનથી આરામ નથી મળતો. પણ આ ટેવ તો મગજને વધુ પ્રભાવિત કરે છે. જે માહિતી મળે છે અને જે સ્થિતિ શરીરની હોય છે તે બંને સંજાેગો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક બને છે. તો આરામ અને વાંચનની ટેવ માનસિક સ્વાસ્થ્ય માટે વિકસાવી શકાય તેવી ટેવ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution