આપણા દેશમાં જુદી જુદી વિચારધારાઓ, જુદાજુદા ધર્મો, સંપ્રદાયો, રાજકીય પક્ષો વગેરે વચ્ચેના મતભેદો અને સંઘર્ષ એટલા તીવ્ર છે કે તટસ્થ વલણ રાખીને ઐતિહાસિક સત્યનો પ્રામાણિકતાપુર્વક સ્વીકાર કોઈ જ કરી શકતું નથી. ઈતિહાસની સત્ય ઘટનાઓ પર આધારિત સાહિત્ય સામે તો કોઈનું ધ્યાન દોરાતું નથી. પણ આવા વિષય પર ફિલ્મ નિર્માણ કરવામાં આવે તો વિવાદના વંટોળ સર્જાય છે. આવું સાહસિક પગલું લેનારા ફિલ્મ નિર્માતા અને કલાકારોને અનેક મુસીબતોનો સામનો કરવો પડે છે. કંગના રનૌતની ફિલ્મ ‘ઈમર્જન્સી’ પણ ઈતિહાસના એક કાળા પ્રકરણને ઉજાગર કરવા જતા વિવાદમાં સપડાઈ ગઈ છે.
કંગના રનૌતની ‘ઇમર્જન્સી’ ઈન્દીરા ગાંધીએ લાદેલી કટોકટીના ઈતિહાસ પર આધારિત છે, અને કંગનાએ તેમાં ઈન્દીરા ગાંધીની ભુમિકા ભજવી છે.
કંગના રનૌતની ફિલ્મ‘ઈમરજન્સી’માં નિર્માતાઓએ ત્રણ કટ કર્યા તેમજ વિવાદાસ્પદ ઐતિહાસિક નિવેદનો માટે પુરાવા તરીકે સંદર્ભો પૂરા પાડ્યા તે પછી સેન્સર બોર્ડે સેન્ટ્રલ બોર્ડ 'ેંછ' પ્રમાણપત્ર માટે મંજૂરી આપી હતી.
ફિલ્મમાં જેની સામે વાંધો ઉઠાવાયો હતો તેમાં તત્કાલિન યુએસ પ્રમુખ રિચાર્ડ નિકસને ભારતીય મહિલાઓ વિશે કરેલા અપમાનજનક નિવેદનોનો સમાવેશ થાય છે. ઉપરાંત વિન્સ્ટન ચર્ચિલે ભારતીયોને “સસલાંની જેમ વસતી વધારતા” હોવાની કરેલી અપમાનજનક ટિપ્પણી પર પણ વાંધો લેવાયો હતો.
સમિતિએ સૂચવ્યું હતું કે ફિલ્મનિર્માતાઓ બાંગ્લાદેશી શરણાર્થીઓ પર હુમલો કરતા પાકિસ્તાની સૈનિકોના દ્રશ્યમાં અમુક વિઝ્યુઅલો કાઢી નાખે અથવા બદલી નાંખે - ખાસ કરીને, એક સૈનિક એક શિશુનું માથું તોડી નાખે છે અને અન્ય ત્રણ મહિલાઓનું માથું કાપી નાખે છે તે દ્રશ્ય બદલવા જણાવાયુ હતું.
ફિલ્મ નિર્માતાઓને નિક્સનની ભૂમિકા ભજવતા અભિનેતા દ્વારા બોલાતા સંવાદ અંગે અને ચર્ચિલના કથન વિશે તથ્યપૂર્ણ માહિતી પ્રદાન કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું. વધુમાં, સીબીએફસીએ બાંગ્લાદેશી શરણાર્થીઓ વિશેની માહિતી, કોર્ટના ચુકાદાઓની વિગતો અને 'ઓપરેશન બ્લુસ્ટાર'ના આર્કાઇવલ ફૂટેજના ઉપયોગ માટેની પરવાનગીઓ સહિત તમામ સંશોધન સંદર્ભો અને આંકડાકીય માહિતી માટે વાસ્તિક સ્ત્રોતો પુરા પાડવાની વિનંતી કરી હતી. ફિલ્મ નિર્માતાઓએ ૧૪ ઓગસ્ટના રોજ આ સામગ્રી આપી હતી, તે જ દિવસે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું. એવું જાણવા મળે છે કે નિર્માતાઓ એક કટ સિવાયના તમામ માટે સંમત થયા હતા અને બોર્ડ દ્વારા વિનંતી કરાયેલ માહિતી માટે સ્ત્રોતો પૂરા પાડ્યા હતા. પરંતુ અલગ શીખ રાજ્યના બદલામાં ઈન્દિરા ગાંધીની પાર્ટીને મત આપવાનું વચન આપતા અલગતાવાદી ખાલિસ્તાન ચળવળના નેતા જરનૈલ સિંહ ભિંડરાનવાલનેે દર્શાવતા ફિલ્મના ટ્રેલરે તીવ્ર રોષ ઉભો કર્યો હતો. કેટલાક શીખ સંગઠનોએ સીબીએફસીને પત્ર લખ્યો હતો અને શીખોના ચિત્રણ અંગે ચિંતા દર્શાવીને ફિલ્મની રિલીઝને રોકવા માટે કોર્ટનો સંપર્ક પણ કર્યો હતો.
૨૯ ઓગસ્ટના રોજ, ફિલ્મ નિર્માતાઓને એક ઈમેલ મળ્યો જેમાં જણાવ્યું હતું કે ફિલ્મને પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે; જાે કે, કોઈ પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યું નહતું, જેના કારણે તેઓએ મુંબઈ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. કોર્ટમાં, સીબીએફસીના વકીલે જણાવ્યું હતું કે ફિલ્મનિર્માતાઓના ૧૪ ઓગસ્ટના પ્રતિસાદની સમીક્ષા કરવા માટે બીજી બેઠક યોજાનારી પરીક્ષા સમિતિએ હજુ સુધી બેઠક બોલાવી નથી. તેથી, પ્રતિભાવની સમીક્ષા કર્યા વિના પ્રમાણપત્ર જારી કરી શકાતું નથી. કોર્ટે હવે બોર્ડને ૧૮ સપ્ટેમ્બર સુધીમાં પ્રમાણપત્ર અંગે ર્નિણય લેવાનો નિર્દેશ આપ્યો છે.
ઐતિહાસિક ઘટનાક્રમના ફિલ્માંકનમાં જુદી જુદી પ્રજાઓની લાગણીઓ અને ભાવનાઓ, કડવા અને પીડા ઉભી કરનારા પ્રસંગો વગેરેને ધ્યાનમાં રાખીને તથ્યને વફાદાર રહેવાનું કઠીન છે. ખાસ કરીને ભારત જેવા દેશમાં, જ્યાં અપાર મતમતાંતરો છે ત્યાં સત્ય કડવું હોય તો કોઈ સ્વીકારી શકતું નથી.