નવી દિલ્હી:દિલ્હી વિધાનસભાની ૭૦ બેઠકો માટે આવતીકાલે ૫ ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થશે. લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા બ્લોકમાં સામેલ પાંચ પક્ષો એકબીજા સામે મેદાનમાં છે. જેમાંથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે તમામ ૭૦ બેઠકો પર ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપે ૬૮ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. તેમજ એનડીએ ગઠબંધન પક્ષોને બે બેઠકો ફાળવાઇ છે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, અપક્ષો સહિત વિવિધ પક્ષોના કુલ ૬૯૯ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સએ ઉમેદવારોના સોગંદનામાની તપાસ કરી છે. જે અનુસાર ૧૯ ટકા એટલે કે ૧૩૨ ગુનાહિત છબી ધરાવે છે. તેમાંથી ૮૧ સામે હત્યા, અપહરણ અને બળાત્કાર જેવા કેસ, જ્યારે ૧૩ ઉમેદવારો પર મહિલાઓ સામેના ગુનાઓનો આરોપ છે.
લોકસભા ચૂંટણીમાં, આપ અને કોંગ્રેસે દિલ્હીની ૭ બેઠકો પર સાથે મળીને ચૂંટણી લડી હતી. પરંતુ ભાજપે બધી ૭ બેઠકો જીતી લીધી હતી.