ગાંધીનગર-
કોરોનાના વકરેલા કહેરને પરિણામે ગુજરાતની ૨૨ જેટલી કૃષિ ઉત્પન્ન બજાર સમિતીની ચૂંટણીએ આગામી ૧૫મી જૂન સુધી મુલતવી રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ચૂંટણી યોજવામાં આવે તો કોરોનાનો ચેપ વધુ વ્યાપક સ્તરે ફેલાઈ જવાની દહેશત હોવાથી આ પગલું લેવામાં આવી રહ્યું હોવાનુ સહકાર ખાતાના જાણકારોનું કહેવું છે.
ગુજરાતની બાવીસ એપીએમસીની ચૂંટણી આગામી ૧૫મી જૂન સુધી મુલતવી રાખવામાં આવી છે તેમાં રાધનપુર, આણંદ, લીમડી, વડોદરા, ખેડા, જૂનાગઢ, વડાલી, હિમ્મતનગર, દામનગર, પેટલાદ, લાલપુર, વલ્લભીપુર, કાઠાંવાળા, કંવાટ, જામકંડોરણા, સાણંદ, વારાહી, ઊનાવા, અને વાઘોડિયા કૃષિ ઉત્પન્ન બજાર સમિતિનો સમાયવેશ થાય છે.આ તમામ એપીએમસીમાં ચૂંટણી યોજવાની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી હતી. તેની જાહેરાત પણ ખરી દેવાઈ હતી, પંરતુ કોરોનાના કહેરને પરિણામે ચૂંટણી મુલતવી રાખી દેવામાં આવી છે.અમદાવાદ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી સવા બે વર્ષથી પેન્ડિંગ છે. ૨૨ નવેમ્બર ૨૦૧૮ના એપીએમસીનું વિસર્જન કરી દેવામાં આવ્યું હતું. તેની ચૂંટણી જાન્યુઆરી ૨૦૧૯માં યોજવાની હતી. આજે તેને સવા બે વર્ષ વીતી ગયા છતાંય ચૂંટણી યોજવામાં આવતી નથી. અમદાવાદ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિના કસ્ટોડિયન તરીકે નિમણૂક કરવામાં આવી છે. કસ્ટોડિયન નિયુક્ત થયા પછી એક જ વર્ષમાં ચૂંટણી કરાવી દેવાનો નિયમ છે. પરંતુ તેનો વિવાદ રાજકીય વિવાદનો મુદ્દો બની ગયો હોવાથી તેની ચૂંટણી કરાવવામાં આવી રહી નથી.