વડોદરા -
ભારતના ચૂંટણી પંચે વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભા બેઠકની પેટા ચુંટણી યોજવાની જાહેરાત કરી છે. તેના અનુસંધાને જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે ગુરુવારે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. તેમણે ચુંટણી યોજવાના પંચે નિર્ધારિત કરેલા સમય પત્રક, ઉમેદવારી પત્રો આપવા અને ભરેલા ઉમેદવારી પત્રો સ્વીકારવાની વ્યવસ્થા,બેઠકના ચુંટણી અધિકારી, મદદનીશ ચુંટણી અધિકારીની નિયુક્તિ અને પંચે નિર્ધારિત કરેલી આચાર સંહિતા સહિત વિવિધ જરૂરી બાબતોની જાણકારી આપી હતી. તેમજ ઉપસ્થિત પક્ષ પ્રતિનિધિઓને વરિષ્ઠ મતદારો, દિવ્યાંગ મતદારો અને કોવિડ પ્રભાવિત મતદારોની ત્રણેય કેટેગરી માટે પોસ્ટલ બેલેટ વડે મતદાન કરવાની વ્યવસ્થાની વિગતવાર સમજ આપવામાં આવી.
આ ઉપરાંત એક્સેસિબલ શ્રેણીના મતદારોને મતદાનની સરળતા કરી આપવા ઓનલાઇન બેઠક યોજીને સંબંધિત અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો. આ શ્રેણીમાં ખાસ કરીને અંધ અને અશક્ત દિવ્યાંગ મતદારો, ૮૦થી વધુ ઉંમરના મતદારો અને કોરોના પીડિત મતદારોનો સમાવેશ થાય છે. અપંગ મંડળ , મૂક બધિર મંડળ અને પ્રજ્ઞાચક્ષુ ના અંધજન મંડળના પ્રતિનિધિઓ ને પણ ઓનલાઇન મિટિંગમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.પી.જોષી, એકસેસીબલ ઇલેક્શન ના નોડલ અધિકારી સમાજ સુરક્ષા અધિકારી અને અન્ય સંબંધિત અધિકારીઓ જોડાયાં હતાં. આમ તંત્ર દ્વારા કરજણની પેટા ચૂંટણીને અનુલક્ષીને કામગીરી હાથ ધરવામાં આવી છે.