રાજકોટ-
રાજ્યની 6 મહાનગરપાલિકા માટે 21 તારીખે મતદાન યોજાનાર છે. ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. રાજકોટમાં મહાનગરપાલિકાના 18 વોર્ડની 72 બેઠકો પર મતદાન યોજાવાનું છે. જેમાં ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષોના કુલ 293 જેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં સામેલ થયા છે. ત્યારે આવતીકાલે રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટમાં PPE કીટ પહેરીને મતદાન કરે તેવી શક્યતાઓ પણ સેવાઇ રહી છે. હાલ મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોનાગ્રસ્ત હોય, આથી અમદાવાદમાં સારવાર હેઠળ છે. ત્યારે મતદાનના દિવસે તેઓ રાજકોટ આવે તેવી શક્યતાઓ સામે આવી રહી છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટના વોર્ડ નંબર 10ના મતદાર છે. ત્યારે જો તેમનો રિપોર્ટ નેગેટિવ આવશે તો તેઓ કોરોનાની ગાઈડલાઈન મુજબ સાંજના 5થી 6 વાગ્યાની અંદર રાજકોટ મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપી શકશે. જ્યારે હાલ તેમની તબિયતમાં ઘણો જ સુધારો પણ જોવા મળી રહ્યો છે.પાંચ દિવસ પહેલાં મુખ્યમંત્રી રૂપાણી કોરોનાગ્રસ્ત થયા હતાં. આજે શનિવારે ફરી કોરોના રિપોર્ટ કરવામાં આવશે અને જો રિપોર્ટ નેગેટિવ આવશે તો આવતીકાલે રવિવારે હોમટાઉન રાજકોટ ખાતે PPE કીટ પહેરીને મતદાન કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.