અમદાવાદ-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની મોટી જીત થઈ છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં ભાજપ જીતી રહ્યું છે, જ્યારે કોંગ્રેસની કારમી હાર થઈ છે. અમદાવાદમાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. અમદાવાદ જિલ્લા પંચાયત કબજે કરવા છતાં જિલ્લા પંચાયતનું પ્રમુખપદ ભાજપે ગુમાવ્યું છે.
અમદાવાદ નગરપાલિકા, જિલ્લા અને તાલુકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન બની હતી. જેમાં નગરપાલિકામાં 64.90 ટકા મતદાન નોંધાયું હતું. આ સાથે જિલ્લામાં 70.75 ટકા અને તાલુકામાં 70.71 ટકા મતદાન નોંધાયું હતું. અમદાવાદ જિલ્લામાં નગરપાલિકાની 54 બેઠક પર ભાજપની જીત થઈ છે, જ્યારે તાલુકા પંચાયતમાં ભાજપ 61 સીટથી આગળ છે, જ્યારે કોંગ્રેસે 25 અને અપક્ષ ત્રણ બેઠકો પર છે.અમદાવાદ જિલ્લાની બારેજા નગરપાલિકામાં ભાજપે 24 બેઠકોમાં 24 બેઠક મેળવી છે.
અમદાવાદમાં 11 જિલ્લા પંચાયતમાં ભાજપની જીત થઈ છે. ખાસ કરીને હાર્દિકના વતન વિરમગામમાં કોંગ્રેસની હાર થઈ છે અને ભાજપની સાત સીટ પર જીત થઈ છે. અમદાવાદની 13 તાલુકા પંચાયતનું પરિણામ જાહેર થયું છે, જેમાં 11 ભાજપના ફાળે, બે કોંગ્રેસના ફાળે ગઈ છે. ગાંધીનગર જિલ્લા પંચાયત બેઠકમાં અમરાજીના મુવાડા-૨ બેઠક પર ભાજપના પારસબહેન કિરીટસિંહ બિહોલા 10,353 મતે વિજયી થયા છે. અમદાવાદ જિલ્લા-તાલુકા અને નગરપાલિકાની કુલ 314માંથી 300 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. આ ઉપરાંત 14 બેઠકો બિનહરીફ જાહેર થઇ હતી અને 806 ઉમેદવારોનું ભાવિ આજે EVMમાંથી ખૂલશે. જ્યારે એક કોંગ્રેસને મળી હતી અને એક બિનહરીફ જાહેર થઈ હતી.