સુશાંત સિંહની આત્મહત્યા મામલે એકતાએ કહ્યું, સુશાંતને લોન્ચ કરવા બદલ મારા વિરુદ્ધ કેસ ફાઈલ કર્યો તે માટે આભાર

રવિવારે 34 વર્ષીય એક્ટર સુશાંત સિંહ રાજપૂતે મુંબઈના તેના ઘરે ફાંસી ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. તેના મૃત્યુ બાદ ઇન્ડસ્ટ્રીમાં ઘણા સેલેબ્સ આને સગાવાદનું પરિણામ ગણાવી રહ્યા હતા. આ મામલે બિહારની કોર્ટમાં કરણ જોહર, સંજય લીલા ભણસાલી, સલમાન ખાન અને એકતા કપૂર સહીત આઠ લોકો વિરુદ્ધ કેસ ફાઈલ થયો છે. પોતાના વિરુદ્ધ કેસ ફાઈલ થતા એકતા કપૂરે તેની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર આપી છે.

એકતાએ પોસ્ટમાં લખ્યું કે, સુશીને કાસ્ટ ન કરવા માટે કેસ ફાઈલ કરવા બદલ આભાર... જ્યારે ખરેખર મેં જ તેને લોન્ચ કર્યો હતો. હું ઘણી અપસેટ છું કે કઈ રીતે આવી જટિલ વાતો હોઈ શકે છે. મહેરબાની કરીને પરિવાર અને મિત્રોને શાંતિથી શોક મનાવવા દો. સત્ય સામે આવી જશે. ખરેખર આ વિશ્વાસ ન કરી શકાય તેવું છે. બિહારના મુઝફ્ફરપુરમાં કોર્ટમાં સુધીર કુમાર ઓઝા નામના વકીલે આ કેસ ફાઈલ કર્યો છે. તેમણે કહ્યું કે, મેં કરણ જોહર, સંજય લીલા ભણસાલી, સલમાન ખાન અને એકતા કપૂર સહીત આઠ લોકો વિરુદ્ધ સુશાંત સિંહની આત્મહત્યા સાથેના કનેક્શનમાં IPCના સેક્શન 306, 109, 504 અને 506 હેઠળ કેસ ફાઈલ કર્યો છે. આ ફરિયાદમાં તેમણે એવું કહ્યું છે કે, સુશાંતને સાત ફિલ્મ્સમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો અને અમુક ફિલ્મ્સ તેની રિલીઝ કરવામાં આવી ન હતી. તે આવું અંતિમ પગલું ભરે તે માટે આવી સ્થિતિ ક્રીએટ કરવામાં આવી હતી. સુશાંત સિંહ રાજપૂતે ટીવીથી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લીધી હતી. એકતા કપૂરની કિસ દેશ મેં હૈ મેરા દિલ સિરિયલથી તેણે ડેબ્યુ કર્યું હતું. ઉપરાંત તેણે પ્રોડ્યુસર એકતા કપૂરની જ સિરિયલ પવિત્ર રિશ્તામાં પણ લીડ રોલ પ્લે કર્યો હતો. ત્યારબાદ તેણે કાઈ પો છે ફિલ્મથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. 


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution