સુરત, તા.૨૫
દક્ષિણ ગુજરાતમાં ગત રોજ ધમાકેદાર બેટીંગ કર્યા બાદ મેઘરાજાએ વિરામ ફરમાવ્યો હતો જોકે સુરત જિલ્લાના છેવાડાના ચેરાપુંજી મનાતા ઉમરપાડા તાલુકામાં ચાર કલાકમાં આઠ ઈંચ વરસાદ વરસ્યો હતો જ્યારે કુદરતી સૌંદર્યથી આચ્છાદિત ડાંગના વગઈમાં પણ ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું . આ ઉપરાંત અન્ય તાલુકાઓમાં મધ્યમથી હળવો વરસાદ વરસ્યો હતો.
ગતરોજ મેઘરાજાએ બઘડાટી બોલાવ્યા બાદ દરમિયાન કામરેજ. મહુવા. માંડવી અને ઓલપાડમાં ફરવા બુંદ સ્વરૂપે વરસાદ વરસ્યો હતો જોકે માંગરોળ તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે સુરત જિલ્લાના છેવાડાના અને ચાલુ મોસમમાં સૌથી વધુ જળરાશિ વરસી છે એવા ઉમરપાડા તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા હોય તેમ સાંબેલાધાર રૂપે માત્ર બપોરના બે વાગ્યાથી છ વાગ્યાના ચાર કલાકના સમયગાળામાં ૮ ઈંચ વરસાદ વરસતા નદીનાળાં કોતરો માં પાણી ફરી વળ્યા હતા ઉપરાંત સર્વત્ર પાણી જ પાણી થઇ ગયું હતું. એ સિવાયના જિલ્લાના અન્ય તાલુકાઓ કોરાકટ રહ્યા હતા. નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો વાંસદા તાલુકામાં અડધો ઇંચ અને ગણદેવીમાં માત્ર ૫ મી.મી. વરસાદ વરસ્યો હતો તે સિવાયના તાલુકામાં ગોરંભાયેલા વાતાવરણ માં મેઘરાજાએ ઉઘાડ કાઢ્યો હતો આ ઉપરાંત વલસાડ જિલ્લામાં કપરાડામાં હળવા ઝાપટાં સિવાય અન્ય તાલુકા માં કોઈ જગ્યાએ વરસાદ વરસ્યો નથી કુદરતી સૌંદર્યથી આચ્છાદિત એવા ગુજરાતના ગિરિમથક મનાતા ડાંગ જિલ્લાના જંગલ વિસ્તારમાં વઘઈ તાલુકા માં બપોરે બે વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધીના સમયગાળામાં ચાર કલાકમાં ચાર ઇંચ જ વરસાદ ખાબક્યો હતો. ઉકાઈ ડેમની સપાટી સાંજે છ વાગ્યે ૩૨૩.૭૪ ફૂટ નોંધાઇ હતી.