તહેવારોની સીઝન નજીક આવતા જ ખાદ્યતેલના ભાવમાં ભડકા


તહેવારોની સીઝન નજીક આવતા જ ખાદ્યતેલના ભાવમાં ભડકા થઈ રહ્યાં છે, સિંગતેલ સતત મોંઘુ થઈ રહ્યું છે, લોકો પર મોંઘવારીનો વધુ એકવાર માર ઝીંકાયો છે, ત્યારે છેલ્લાં બે મહિનામાં પાંચમીવાર સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે

અષાઢ મહિનાથી ભારતીય તહેવારોની ઉજવણીની શરૂઆત થતી હોય છે. ત્યારે દર વર્ષે તહેવારો ટાંણે જ ખાદ્ય તેલોમાં વધારો ઝીંકવામા આવ્યો છે. એક તરફ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યાં બીજી તરફ, તેલના ભાવ લોકોને રડાવી રહ્યાં છે. બે મહિનામા પાંચમીવાર સિંગતેલના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. છેલ્લાં ૧૫ દિવસમાં કુલ ૮૦ રૂપિયાનો વધારો ઝીંકાયો છે. રાજકોટમાં આજે ખૂલતા બજારે સિંગતેલના ભાવમાં ભડકો થયો છે. છેલ્લા ૧૫ દિવસમાં રૂ. ૮૦નો વધારો થયો છે. ૧૫ કિલોનો ડબ્બો ૨૭૨૦ રૂપિયા હતો, જે વધી ૨૮૦૦ રૂપિયા થયો છે. ચોમાસાને કારણે સૌરાષ્ટ્રના માર્કેટીંગ યાર્ડમાં મગફળીની આવક લગભગ નહિવત જેવી છે. ઓઇલ મિલમાં પિલાણ કરવા માટે કાચા માલનો ઓછો સ્ટોક હોવાને કારણે સિંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તેવું વેપારીઓનુ કહેવું છે.

એક તરફ સિંગતેલનો ભાવ ભડકો કરાવી રહ્યું છે, તો બીજી તરફ, શાકભાજીના ભાવ ગૃહણીઓ માટે ચિંતાનો વિષય બન્યા છે. એક સમયે ૧૦૦ થી ૧૨૦ રૂપિયા કિલો વેચાતા ટામેટાના ભાવમાં ઘટાડો થયો છે. ટામેટાના ભાવ ૬૦-૮૦ રૂપિયા કિલોએ પહોંચ્યા છે. જાેકે અન્ય શાકભાજીઓના ભાવ હજી પણ આસમાને પહોંચ્યા છે. ૧૨૦ રૂપિયા કિલો વેચાતું ફ્લાવર અને ૧૦૦ -૮૦ રૂપિયા કિલો વેચાતા ભીંડાએ ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું છે. ૧૨૦-૧૦૦ રૂપિયા કિલો વેચાતા ટિંડોળા અને પાપડી ગૃહણીઓ માટે ચિંતાનો વિષય બનયો છે. તો ફણસી ૧૨૦-૧૬૦ રૂપિયા કિલો, ગવાર ૧૪૦-૧૫૦ રૂપિયા કિલોએ પહોંચ્યું છે. જાે કે હજી ગૃહણીઓમાં શાકભાજીમાં રાહત મેળવવાની આશા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution