મુંબઇ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બુધવાર, 10 ફેબ્રુઆરીના રોજ અરમાન જૈન (કરીના-રણબીરનો ફોઈનો દીકરો)ને મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવ્યું છે. આટલું જ નહીં જે દિવસે રાજીવ કપૂર (રિશી-રણધીરના નાના ભાઈ)નું નિધન થયું તે જ દિવસે અરમાનના ઘરે EDએ દરોડા પાડ્યા હતા.
ED શિવસેના લીડર પ્રતાપ સરનાઈક વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં તપાસ કરી રહી છે. આ તપાસ દરમિયાન અરમાન જૈનનું નામ સામે આવ્યું હતું.
EDએ અરમાનના પેડર રોડ સ્થિત ઘરે 9 ફેબ્રુઆરીના રોજ દરોડા પાડ્યા હતા. અરમાન પત્ની અનિસા મલ્હોત્રા, માતા રિમા જૈન, પિતા મનોજ જૈન તથા ભાઈ આદર જૈન સાથે રહે છે. દરોડા દરમિયાન અરમાન જૈનને સમાચાર મળ્યા કે તેના નાના મામા રાજીવ કપૂરનું નિધન થયું છે. EDએ અરમાનની માતા રિમા જૈનને રાજીવ કપૂરના ઘરે જવાની પરવાનગી આપી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, થોડાંક કલાકો સુધી EDની ટીમે અરમાનના ઘરમાં તપાસ કરી હતી. ત્યારબાદ અરમાનને ઘરમાંથી જવાની પરવાનગી આપી હતી.
ઉલ્લેખનીય છે કે અરમાન જૈને ફિલ્મ 'લેકર હમ દિવાના દિલ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. ત્યારબાદ અરમાને કોઈ ફિલ્મ કરી નહોતી. 2021ની શરૂઆતમાં અરમાને 'કિચન ટેલ્સ' કરીને મુંબઈમાં રેસ્ટોરાં શરૂ કરી છે. અરમાને 2020માં અનિસા મલ્હોત્રા સાથે લગ્ન કર્યાં હતાં.
મુંબઈ પોલીસની આર્થિક ગુનાખોરી શાખાએ ટોપ્સ ગ્રુપના પૂર્વ કર્મચારીઓની ફરિયાદ પર કંપનીના પ્રમોટર રાહુલ નંદા તથા અન્ય લોકો વિરુદ્ધ FIR કરવામાં આવી હતી. આ FIRના આધારે EDએ એન્ફોર્સમેન્ટ કેસ ઈન્ફર્મેશન રિપોર્ટ (ECIR) દાખલ કર્યો હતો. 20 ઓક્ટોબર, 2020ના રોજ થયેલી FIR પ્રમાણે, ટોપ્સ ગુર્પે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ અથૉરિટી (MMRDA)ને 175 કરોડનો ચૂનો લગાવ્યો છે. ટોપ્સ કંપની સમૂહ વિરુદ્ધ આર્થિક ગેરરીતિના ગુના પ્રકરણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ નવેમ્બર મહિનામાં શિવસેનાના પ્રતાપ સરનાઈકના ઘર અને ઓફિસ પર વ્યાપક દરોડા પાડ્યા હતા. તેમના પુત્ર વિહંગને કબજામાં લઈને પાંચ કલાક પૂછપરછ કરી હતી. ત્યારબાદ તેમના બીજા પુત્ર પૂર્વેશની પણ પૂછપરછ કરવામાં આવી હતી. પ્રતાપ સરનાઈકે પોતાના વિરુદ્ધ થયેલાં આક્ષેપોને ખોટાં ગણાવ્યા છે.