બજેટની તૈયારી દરમિયાન, નાણામંત્રી મહેસૂલ વિભાગ, ઉદ્યોગ સંઘ, ખેડૂત સંઘ, વેપારી સંઘ, અર્થશાસ્ત્રી વગેરે જેવા વિવિધ ક્ષેત્રોના સ્ટેકહોલ્ડર્સ સાથે ચર્ચા



મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ ૨૩ જુલાઈએ રજૂ થવાનું છે. પરંતુ શું તમે જાણો છો કે દેશનું બજેટ બનાવવા માટે નાણામંત્રી ર્નિમલા સીતારમણને શું તૈયારીઓ કરવી પડશે?નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫નું સંપૂર્ણ બજેટ ૨૩ જુલાઈએ રજૂ થવાનું છે. ચૂંટણી પછી નવી બનેલી મોદી ૩.૦ સરકારનું આ પહેલું બજેટ પણ છે. તેથી, લોકોને આનાથી ઘણી આશા છે, પરંતુ શું તમે જાણો છો કે દેશનું બજેટ બનાવવા માટે નાણામંત્રી ર્નિમલા સીતારમણને શું તૈયારીઓ કરવી પડશે? દેશનું બજેટ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે? આ વખતનું બજેટ ખૂબ જ ખાસ રહેવાનું છે, કારણ કે આ વર્ષે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ થવાનું છે. આ માટે નાણામંત્રી ર્નિમલા સીતારમણ પ્રી-બજેટ બેઠકો કરી રહ્યા છે. આ બેઠકો બજેટની તૈયારીનો મહત્ત્વનો ભાગ હોય છે. બજેટની તૈયારી દરમિયાન, નાણામંત્રી મહેસૂલ વિભાગ, ઉદ્યોગ સંઘ, ખેડૂત સંઘ, વેપારી સંઘ, અર્થશાસ્ત્રી વગેરે જેવા વિવિધ ક્ષેત્રોના સ્ટેકહોલ્ડર્સ સાથે ચર્ચા કરે છે. આ ઉપરાંત દેશના વિવિધ ક્ષેત્રના ઉદ્યોગપતિઓ, કોર્પોરેટ અને સંગઠનો સાથે પણ વાતચીત કરવામાં આવે છે. બજેટની તૈયારી માટે વિવિધ મંત્રાલયો, રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને સ્વાયત્ત સંસ્થાઓ પાસેથી પણ સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવે છે.

બજેટની તૈયારીમાં, આર્થિક બાબતોના વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવે છે, જેમાં તમામ અંદાજિત નાણાકીય ખર્ચની માહિતી હોય છે. આ પછી, વિવિધ મંત્રાલયો વચ્ચે રકમની ચર્ચા થાય છે. ત્યારબાદ, નાણા મંત્રાલય અન્ય મંત્રાલયો સાથે બેઠક કરે છે અને એક બ્લૂ પ્રિન્ટ તૈયાર કરે છે. આ પછી, તમામ મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ ભંડોળની ફાળવણી માટે નાણાં મંત્રાલય સાથે ચર્ચા કરે છે. આ પ્રક્રિયા બજેટની તૈયારીનું એક મુખ્ય પાસું હોય છે, જેમાં અન્ય મંત્રાલયો અને નાણા મંત્રાલય વચ્ચે કરાર કરવામાં આવે છે.સરકારની આવકના મુખ્ય સ્ત્રોત ટેક્સ, આવક, દંડ, સરકારી ફી, ડિવિડન્ડ વગેરે હોય છે. દર વર્ષે ફેબ્રુઆરીમાં રજૂ થતા કેન્દ્રીય બજેટ દ્વારા સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ ક્ષેત્રોમાં રોકાણ, આવકના સ્ત્રોતમાં વધારો કરવાનો અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો હોય છે. વધુમાં, સરકાર ગરીબી અને બેરોજગારી ઘટાડવાની યોજના બનાવે છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં રોકાણ કરે છે.

આઝાદી પછી ભારતનું પ્રથમ બજેટ ૨૬ નવેમ્બર ૧૯૪૭ ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું, જે પ્રથમ નાણામંત્રી શણમુખમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું. ભારત પ્રજાસત્તાક બન્યા પછી, પ્રથમ કેન્દ્રીય બજેટ ૨૮ ફેબ્રુઆરી ૧૯૫૦ ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. બ્રિટિશ શાસન દરમિયાન, ભારતનું પ્રથમ બજેટ ૭ એપ્રિલ ૧૮૬૦ ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું, જે બ્રિટિશ સરકારના નાણાં મંત્રી જેમ્સ વિલ્સન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution