અરવલ્લી : આઝાદીના ૭ દાયકાઓ પછી પણ અરવલ્લી જિલ્લાના અંતરિયાળ ગામો વિકાસથી જોજનો દૂર છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વાઘપુર ગામ નજીક પસાર થતી સુખડ નદી પર પુલના અભાવે વાઘપુર ગામ સાથે જોડાયેલા પાલ્લા અને કદવાડા ગામના ૭૦૦થી વધુ લોકો ચોમાસામાં સુખડ નદી બે કાંઠે થતા જ સંપર્ક વિહોણા બને છે. બીમાર દર્દી કે કામકાજ અર્થે વાઘપુર સાથે સંપર્ક ધરાવતા બંને ગામના લોકોએ કમર સુધી પાણી ઉલેચી જીવના જોખમે પસાર થવું પડે છે. પુલના અભાવે દર્દીને ખાટલામાં કે પછી કપડાંની ઝોળીમાં દવાખાને લઈ જવા પડે છે. દેશભરમાં ગુજરાત મોડલ અને જ્યોતિ ગ્રામ યોજનાની શરૂઆત કરનાર રાજ્યના અંતરિયાળ ગામોની દુર્દશાથી લોકો બેહાલ બન્યા છે. આઝાદીના ૭ દાયકાના વહેણ પછી પણ ગતિશીલ ગુજરાતમાં અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારો પાયાગત સુવિધાનો અભાવ જોવા મળતા અનેક લોકો વિકાસ અમારે પણ જોવો છે ની બૂમો પાડી રહ્યા છે. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પાણી માટે લોકોને રઝળપાટ કરવો પડે છે. પાકા માર્ગ માટે દાયકાઓ સુધી રાહ જોવી પડે, વીજળી વગર અડધી જિંદગી પસાર થઈ જાય, આવી પાયાની જરૂરિયાતના અભાવ વચ્ચે સમસ્યાઓ આજના ડિઝિટલ યુગમાં ગુજરાતના ગામડાઓના અંતરિયાળ વિસ્તારના લોકોએ વેઠવી પડી રહી છે.રાજસ્થાનની સરહદેને અડીને આવેલા મેઘરજ તાલુકાના વાઘપુર ગામ પાસેથી પસાર થતી સુખડ નદી બે કાંઠે વહેતાની સાથે પેલે કાંઠે રહેલા પાલ્લા અને કદવાડા ગામના ૭૦૦થી વધુ લોકો સતત ચિંતિત રહે છે. કરિયાણું લાવવું હોય સસ્તા અનાજની દુકાનેથી અનાજ, કઠોળ લેવાનું હોય બીમારી સમયે હોસ્પિટલ બેન્ક, વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જવાનું હોય આ તમામ સુવિધા વાઘપુર ગામ સાથે જોડાયેલ છે. ચોમાસામાં સુખડ નદીમાં પાણી આવી જતા આ બંને ગામના લોકોનો વાઘપુર સાથેનો સંપર્ક બંધ થઈ જાય છે.