જામનગરમાં પીએસઆઇ વતી લાંચ લેતો ડ્રાઇવર ઝડપાયોઃ પીએસઆઇ ફરાર

જામનગર-

જામનગર શહેરમાં અતિ ધમધમતા વિસ્તાર એવા અંબર ટોકીઝ રોડ પર ગઈકાલે મોડી સાંજે અચાનક જ એસીબીએ લાંચ અંગેની રેડ કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. મુખ્ય માર્ગ પર જ એસીબીની ટીમ દ્વારા મહિલા પોલીસ સ્ટેશનના ડ્રાઈવરને રૂપિયા ૫ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો. જામનગર મહિલા પોલીસ સ્ટેશનનો ડ્રાઇવર પીએસઆઇ વતી લાંચ લેતા ઝડપાયો હતો. જામનગર એસીબીની ટીમે સમગ્ર કાર્યવાહી કરી હતી.

જામનગર શહેરમાં સિટી બી ડિવિઝન નજીક ગત મોડી સાંજના એક જાગૃત નાગરિકની ફરિયાદના પગલે જામનગર એસીબી દ્વારા ટ્રેપ ગોઠવાઈ હતી. મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ઉમા ભટ્ટ વતી રૂપિયા ૫ હજારની લાંચ લેતા ડ્રાઇવર દિવ્યરાજસિંહ ઝાલાને પકડી મોડી રાત્રે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. એસીબીની આ કામગીરીથી પોલીસ બેડામાં ફફડાટ મચી ગયો છે.

લાંચની ઘટનાની વિગત મુજબ, ફરીયાદીના સાળીને કોઈ ઈસમ ભગાડીને લઇ ગયો હતો. તેની તપાસ જામનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ઉમા ભટ્ટ પાસે ચાલતી હતી. મહિલા પીએસઆઈ ફરિયાદીને પોલીસ સ્ટેશન ખાતે અવારનવાર બોલાવતા હતા. ફરિયાદી પાસે તેમની સાળીના કેસની વ્યવસ્થિત તપાસ કરી તેના ખર્ચા પેટે રૂપિયા ૫ હજારની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આવી લાંચની રકમ આપવા માંગતા ન હોઈ તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. આ ફરિયાદ આધારે એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતુ. ત્યારે ઉમા ભટ્ટે લાંચના રૂપિયા આર્મ લોકરક્ષકના ડ્રાઈવર દિવ્યરાજસિંહ ભરતસિંહ ઝાલાને આપવા કહ્યું હતું. ત્યારે તે લાંચ સ્વીકારતા સમયે પકડાયો હતો. બંને આરોપીઓ સામે જામનગર એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution