નડિયાદ : કપડવંજના કાપડીવાવ-સિંકદર પોરડા રોડ ઉપર ગઇકાલે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૩ યુવાનોના કરુણ મોત નીપજતાં વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
મોડી રાત્રે ઘરે પરત જવા માટે યુવાનોએ પોતાના કૌટુંબિક ભાઈને બાઈક લઈને કાપડીવાવ પાસે બોલાવ્યો હતો. ત્યાર પછી જ્યારે તેઓ પાછા વળી રહ્યાં હતા ત્યારે અજાણ્યા વાહને તેમનાં બાઈકને ટક્કર મારી દીધી હતી. જેના કારણે ત્રણ યુવકોનાં ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યાં હતા. આ બનાવ અંગે પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતીે. કપડવંજના કાપડીવાવ-સિંકદર પોરડા રોડ ઉપર ગત મોડી રાત્રે સુરજ હોટલ પાસે એક બાઈકને સામેથી અચાનક એક અજાણ્યાં વાહને ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં બાઈક ઉપર સવાર ત્રણ યુવાનો જમીન ઉપર પટકાતાં ગંભીર રીતે જખમી થયાં હતાં. ટક્કર મારનાર વાહન ચાલક તરત જ ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. રોડ પર પટકાયેલાં ત્રણેય યુવાનોને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આસપાસના લોકોએ આ બનાવ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ અકસ્માતના સ્થળે આવી પહોંચી હતી. તેમણે રણછોડ વાઘેલાની ફરિયાદના આધારે અજાણ્યાં વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળ વધુ તપાસ હાથ ધરી હતી.
અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનો કોણ છે?
૧. વિજયભાઇ કનુભાઈ વાઘેલા
૨. જયપાલસિંહ રણછોડભાઈ વાઘેલા
૩. અલ્પેશભાઈ રમેશભાઇ ચાવડા
(ત્રણેય રહે. ચારણ નિકોલ, તા.કપડવંજ)
ત્રણેય કૌટુંબિક પિતરાઈ હતાં!
આ અકસ્માતના બનાવમાં કપડવંજ ગ્રામ્ય પીઆઈ જે.કે. રાણાએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં મોતને ભેટેલાં ત્રણેય યુવાનો એક જ ગામના હતા. તેઓ કૌટુંબિક ભાઈઓ થાય છે. મૃત્યુ પામનાર યુવાકોમાંથી એક યુવક ડ્રાઇવરની નોકરી કરે છે. ગઈકાલે રાત્રે ત્રણ પૈકી બે યુવાનો કાપડીવાવ પાસે આવેલાં અમૂલના પ્લાન્ટ પાસે કામથી આવેલાં હતાં. ત્યાર પછી તેમણે ઘરે પરત જવા માટે પોતાના પિતરાઇને બાઈક લઇને બોલાવ્યો હતો અને બાઈક ઉપર ત્રણેય યુવકો પોતાના ઘરે જવા માટે નીકળ્યાં હતાં. એ વખતે કોઈ વાહનચાલક અકસ્માત સર્જી ભાગી છૂટ્યો હતો.