દિલ્હી-
નવી દિલ્હીના રેલવે સ્ટેશન પર DRI ને મોટી સફળતા મળી છે. સોનાની દાણચોરીમાં સંડોવાયેલા 8 મુસાફરોની ધરપકડ કરાઈ. ન્યૂઝ એજન્સી ANI ના અહેવાલ મુજબ આ પકડાયેલા મુસાફરો પાસેથી 504 વિદેશી સોનાના બિસ્કિટ જપ્ત કરાયા છે. સોનાના આ બિસ્કિટનું વજન 83.321 કિલોગ્રામ છે. જેની બજાર કિંમત લગભગ 42.89 કરોડ જણાવવામાં આવી રહી છે.
એવું કહેવાય છે કે પકડાયેલા લોકોએ સોનાને વિશેષ રીતે સીવડાવેલા કપડાના બનિયાનમાં છૂપાવ્યું હતું. ગુપ્ત બાતમી મળ્યા બાદ ડિબ્રુગઢ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ દ્વારા દિલ્હી પહોંચનારા 8 મુસાફરોને સ્ટેશન પર રોકવામાં આવ્યાં અને તેમની પાસેથી 504 વિદેશી મૂળના સોનાના બિસ્કિટો મળી આવ્યાં.
ડીઆરઆઈ તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે તમામ આરોપીઓ પાસેથી ફેક ઓળખ પત્રો મળી આવ્યાં છે અને તેમણે ભારત-મ્યાંમાર સરહદના માધ્યમથી ભારતમાં સોનાની દાણચોરી કરી હતી. સોનાને ખાસ પ્રકારના સીવડાવવામાં આવેલા કપડામાં છૂપાવવામાં આવ્યું હતું. તમામ આઠ લોકોની ધરપકડ કરાઈ છે અને આગળની તપાસ ચાલુ છે.