વડોદરા,તા.૮
હજીરામાં આવેલા અદાણી પોર્ટ પરથી ડીઆરઆઈએ બાતમીના આધારે પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે કરાયેલી રેડમાં ૨૨૫ એમજી ટ્રમડોલ ડ્રગ્સ ઝડપી લીધું છે.હજીરાથી આફ્રિકા આ ડ્રગ્સનો જથ્થો મોકલવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે રેડ કરવામાં આવી છે. હાલ ડીઆરઆઈએ ચાર લોકોની અટકાયત કરીને પુછપરછ હાથ ધરી છે. રાજ્યની સરહદને અડીને આવેલા પાકિસ્તાનમાંથી અવારનવાર દરિયાઇ માર્ગે ગાંજા, ચરસ,બ્રાન સુગર સહિત અન્ય નશીલા પદાર્થો ઘુસાડવામાં આવી રહ્યા છે. જેના રવાડે યુવાધન ચઢી રહ્યું છે. રાજ્યના યુવાધનને રવાડે ચઢાવવા માટે પાકિસ્તાનની વિવિધ એજન્સીઓ સક્રિય બની છે. અત્રે ઉલ્લેખનીય છેકે આ અગાઉ કચ્છમાથી પણ એક મહિના અગાઉ ચરસના કરોડો રૂપિયાના પેકેટ કોસ્ટગાર્ડના જાબાંજ અધિકારીઓની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. દરમિયાનમાં ડીઆરઆઇની ટીમે હજીરા પોર્ટ પરથી દોઢ કરોડના ડ્રગ્સ સાથે ઝડપી પાડેલા ચાર ખેપિયાઓની તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી છે. આ ચાર વ્યકિતઓ કઇ માફિયા ગેંગ સાથે સંકળાયેલી છે અને કોની સાથે આ લોકોના તાર સંકળાયેલા છે એ દિશામાં પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.