ડો.વેણુમણિઃ બાળ ખેતમજુરથી વિશ્વવ્યાપી કંપનીના માલિક સુધી સફર

“જે લોકો મનથી ખુશ નથી રહેતા તેઓ ક્યારેય શ્રીમંત બની શકતા નથી, સાચી સમૃદ્ધિ ભૌતિક વસ્તુઓ વસાવવામાં નથી પરંતુ સકારાત્મક મન છે. હું તે બાબતે સ્પષ્ટ છું કે દરેક માણસે તેના જીવનમાં કોઈ સારો ઉદ્દેશ રાખવો જાેઈએ તે ખુબ જરૂરી છે..”ડૉ. વેલુમણિના આ શબ્દો છે. થાઇરોકેરના આ સંસ્થાપકનું બાળપણ ખુબ કપરું રહ્યું હતું.

તામિલનાડુના કોયમ્બતૂર પાસે અપ્પનાઇકનપટ્ટી પુદુર ગામના ખેડૂતના ઘરમાં ડૉ.વેલુમણિનો જન્મ થયો હતો. તેમના પિતા પાસે માત્ર ત્રણ એકર જમીન હતી. ડૉ.વેલુમણિના પિતા જે જમીન ઉપર ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતાં તેની ઉપર અન્ય વ્યક્તિએ દાવો કર્યો. જમીન રાતોરાત છીનવાઈ ગઈ, ખેતી ઉપર માંડ ગુજરાન ચલાવતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું.

જીવનનિર્વાહ કરવા માટે પરિવારના ત્રણ બાળકોએ બીજા ખેડૂતોના ખેતરમાં મજૂરીકામ કરવા જવાનું શરુ કર્યું. ડૉ.વેલુમણિના માતા સયામલે તેમના ત્રણે બાળકોને શિક્ષણ ન છોડવા આગ્રહ કર્યો. તમામ બાળકોમાં વેલુમણિ સૌથી મોટા હતાં. ત્યારે તેમની ઉંમર માત્ર ૧૧ વર્ષ હતી. પરિવારે નક્કી કર્યું કે વેલુમણિ ગામના બીજા ખેડૂતોના ખેતરમાં મજૂરી કરી જે લાવે તે ત્રણે ભાઈ બહેનોની સ્કૂલની ફી ભરી શિક્ષણને ચાલુ રાખવું, વેલુમણિએ ૧૧ વર્ષની ઉંમરે ખેતમજુર તરીકે જઈ કપાસ વીણવાનું શરુ કર્યું. કપાસનો પાક એપ્રિલ તથા મૅ મહિનામાં ઉતારવામાં આવતો. વેલુમણિએ કરેલી મજૂરીથી મળતા મહેનતાણાથી જૂન મહિનામાં શાળા શરુ થતાં ત્રણે ભાઈબહેનની સ્કૂલ ફી ભરવામાં કામ લાગતાં.

નાની ઉંમરથી જ જીવનની કઠોરતા જાેઈ હોવાથી વેલુમણિએ શિક્ષણનું મહત્વ સમજી લીધું હતું. પરિવારની ગરીબી દૂર કરવા માટે ગમે તે હાલતમાં સારું શિક્ષણ લેવું પડશે તેવી પરિપક્વતા કિશોરાવસ્થામાં જ તેમને આવી ચુકી હતી. ઉજ્જવળ ભવિષ્ય બનાવવા અને પરિવારની તકલીફો દૂર કરવા વેલુમણિએ શિક્ષણને જ જીવનનું એકમાત્ર લક્ષ બનાવી લીધું હતું. તેમણે વર્ષ ૧૯૯૫માં ભાભા પરમાણુ રિસર્ચ સેન્ટરમાંથી પી.એચડીની ડિગ્રી મેળવી. ડિગ્રી મેળવ્યા પછી ડૉ. વેલુમણિએ ડાયગ્નોસ્ટિક ક્ષેત્રમાં વ્યવસાય શરુ કરવાનો ર્નિણય લીધો. માનવશરીરમાં માત્ર પંદર ગ્રામ વજન ધરાવતા થાઇરોઈડનું નિદાન કરવા ડૉ.વેલુમણિએ લેબોરેટરી શરૂ કરવાનું નક્કી કર્યું. બ્રાન્ડનું નામ થાઇરોકેર આપીને તેમણે મુંબઈને કર્મભૂમિ બનાવી ત્યાંથી કામ શરુ કર્યું.

 ડૉ.વેલુમણિનું અત્યાર સુધીનું જીવન તામિલનાડુમાં વીત્યું હતું. જેથી હિન્દી કે મરાઠી કે અન્ય ભાષા આવડતી નહતી. મુંબઈમાં થાઇરોકેરની લેબોરેટરી શરુ કરવા માટે સૌથી મોટો પડકાર સ્થાનિક ભાષા હતી. તે બાબતે ડૉ.વેલુમણિનું કહેવું છે કે “એક વાર તમે કામ શરૂ કરો એટલે રસ્તા આપોઆપ બનતા જાય છે..”. ડૉ. વેલુમણિએ મુંબઈમાં શરૂઆત કરી થાઇરોકેરની એક નાની લેબોરેટરી સ્થાપી તથા મુંબઈના અલગ અલગ પરામાં દસ જેટલા કલેક્શન સેન્ટરનું માળખું તૈયાર કર્યું. લેબોરેટરીના આ મોડ્યુલની ખાસિયત એ હતી કે દર્દીના ઘરે જઈને સેમ્પલ લેવામાં આવતાં હતાં. જેનું નિદાન કર્યા બાદ દર્દીને ઘરે બેઠા રિપોર્ટ મોકલી આપવામાં આવતાં હતાં. ભારતમાં આ પ્રકારની આરોગ્ય સુવિધા લોકોએ પહેલી વાર જાેઈ હતી. જેને કારણે થાઇરોકેરને લોકોનો આવકાર મળવા લાગ્યો.

 ડૉ. વેલુમણિ કહે છે કે “વ્યવસાયની સ્થાપના કર્યા પછી પૈસા કમાઈ લેવા કરતા તમારા ગ્રાહકોનો વિશ્વાસ કમાવાને પ્રાથમિકતા આપશો તો પૈસા તો વિશ્વાસની આડપેદાશરૂપે તમને મળશે..”. એક લેબોરેટરી અને દસ કલેક્શન સેન્ટર સાથે મુંબઈથી શરૂ થયેલી થાઇરોકેરની સફર આજે આખા વિશ્વમાં બે હજાર કરતા વધુ લેબોરેટરીના માળખારૂપે વિકસી છે. ખેતરમાં કપાસ વીણવાના કામથી જીવનની સફર શરુ કરનાર ડૉ.વેલુમણિની થાઇરોકેર આજે રૂ. ૩૨૫૦ કરોડ જેટલી નેટવર્થ ધરાવતી બ્રાન્ડ બની ચુકી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution