તારીખ હતી ૨૧ મે, ૨૦૨૦. ફોર્બ્સમાં એક આર્ટિકલ પ્રકાશિત થયો હતો, જેમાં એક રસપ્રદ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે ૧૫ હજાર વર્ષ પહેલાં મળેલું તૂટેલું હાડકું માનવ સભ્યતાનો પ્રથમ પુરાવો છે. એવું કહેવાય છે કે આ હાડકું ઉવર્સ્થિ એટલે કે હિપ અને ઘૂંટણને જાેડતું સૌથી મોટું હાડકું હતું. હકીકતમાં આ આદિમ હાડકાનું ફ્રેક્ચર તૂટીને જાેડાઈ ગયું હતું, પણ આ કોઈ સામાન્ય વાત નહોતી. કોઈપણ આધુનિક દવા વિના હાડકાને જાેડવામાં લગભગ ૬ અઠવાડિયા લાગે. તે સમયે કોઈ વ્યક્તિ માટે તૂટેલા પગ સાથે એકલા જીવવું ખૂબ મુશ્કેલ હતું. એવું કહેવાય છે કે આ ઘટના એ વાતનો પુરાવો છે કે કોઈએ તે આદિમને મદદ કરી હશે. એટલે કે, સંસ્કૃતિની શરૂઆતમાં આપણે માણસોએ બીજાને મદદ કરવાનું શરૂ કર્યું હતું. વાત તો સારી છે, તો સવાલ એ છે કે, સંસ્કૃતિની શરૂઆત અથવા મદદનો હાથ લંબાવવાની શરૂઆત ક્યારે થઈ હશે? કોણે, કોને પહેલી મદદ કરી હશે? ઘણી કહાનીઓ છે, પરંતુ શું બીજાને મદદરૂપ થવું એવી લાગણી ફક્ત મનુષ્ય જાતમાં જ છે? ના, વિશ્વમાં મદદનું સૌથી મોટું ઉદાહરણ કીડીઓ છે!
તાજેતરમાં નેચર જર્નલમાં એક સંશોધન પ્રકાશિત થયું હતું. આ રિસર્ચમાં એક ઓરંગુટાન તેના ઘાને મટાડવા માટે પાંદડાનો ઉપયોગ કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. મારો મતલબ, પ્રાણીઓની સારવાર કરવી એ કંઈ નવું નથી, પરંતુ આ સારવાર એક પ્રાણી દ્વારા પોતાની પ્રજાતિના અન્ય પ્રાણીની કરવામાં આવે તો એ ઘટના ખૂબ જ દુર્લભ ગણી શકાય. આવું જ કંઈ એક રિસર્ચમાં સામે આવ્યું છે! ૨ જુલાઈ, ૨૦૨૪ના રોજ કરંટ બાયોલોજી જર્નલમાં એક સંશોધન પ્રકાશિત થયું છે. આ રિસર્ચનો દાવો છે કે, કીડીઓનો સ્વભાવ સૌથી વધુ મદદરૂપ હોય છે!
તાજેતરનું આ સંશોધન દર્શાવે છે કે અનાજ વહન કરવા ઉપરાંત આ નાની કીડીઓ તેમના સાથીઓને પણ મદદ કરે છે. તે તેમની ‘સારવાર’ પણ કરે છે.
સંશોધનમાં કેટલીક બાબતો સામે આવી હતી ઃ પહેલી - કીડીઓ સાથી કીડીઓના ઇજાગ્રસ્ત પગને કાપી નાખે છે, જેથી ચેપ વધે નહીં! આવા કેસમાં ઈજાગ્રસ્ત કીડીના પગ કાપવાથી તેમના બચવાની શક્યતા વધી ગઈ હતી. બીજું - કીડીઓ વિવિધ પ્રકારના ઘા વચ્ચે તફાવત સમજી શકે છે. તે મુજબ સારવાર પણ કરે છે.
હવે ચાલો સમજીએ કે કીડીઓએ એવું શું કરે છે, જે રિસર્ચમાં સામે આવ્યું છે?આપણે જાણીએ છીએ કે ખુલ્લા ઘાને કારણે ચેપનું જાેખમ રહેલું છે. ફક્ત બંધુક્ની ગોળી જ નહીં, ઘાના ચેપે પણ યુદ્ધમાં ઘણા લોકોના જીવ લીધા છે. આપણે માણસોએ આની સામે રક્ષણ માટે એન્ટિબાયોટિક્સ બનાવી છે, પરંતુ પ્રાણીઓ પાસે આ સુવિધા નથી. જાે કે, કુદરતે આ જીવોને આ જાેખમનો સામનો કરવા માટે કેટલાક ઉપાયો આપ્યા છે.
ઉદાહરણ તરીકે, કીડીઓના મંડળો એક પ્રકારનું એન્ટિમાઇક્રોબાયલ પ્રવાહી વાપરે છે. જે તેમને ચેપથી બચાવવામાં મદદ કરે છે. એન્ટિમાઇક્રોબાયલ એટલે બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવો સામે રક્ષણ કરવું. તે તેમની મેટાપ્લ્યુરલ નામની ગ્રંથિમાંથી બને છે, પરંતુ એક સમસ્યા એ હતી કે ઉત્ક્રાંતિ દરમિયાન કીડીઓની કેટલીક પ્રજાતિઓમાં આ ગ્રંથિ નષ્ટ થઈ ગઈ હતી. ફ્લોરિડાની કીડીઓ (કેમ્પોનોટસ ફ્લોરિડેનસ) પર એક રિસર્ચ દ્વારા એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે આ કીડીઓ એન્ટિમાઈક્રોબાયલ કોટિંગ વિના ચેપથી કેવી રીતે બચે છે. અને જે તારણો જાણવા મળ્યા તે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હતા!
જર્મનીની યુનિવર્સિટી ઓફ વુર્ઝબર્ગના સંશોધક એરિક ટી. ફ્રેન્કે એક પોસ્ટમાં આ વિશે જણાવ્યું છે. એરિક લખે છે - કીડીઓમાં નવા પડેલા ઘાના સંભાળની બાબતો! કીડીઓ ઘાયલ કીડીઓના પગ કાપી નાખે છે. જાે કે, અંગ કાપી નાખવું એ હંમેશા શ્રેષ્ઠ ઉપાય નથી, પણ કીડીઓએ આ રીતે તેમની સારવારને અપનાવી છે.
એરિકના જણાવ્યા મુજબ, ૯૦% કિસ્સામાં કીડીઓ ઇજાગ્રસ્ત પગને કાપી નાખે છે. આ એકદમ અસરકારક સાબિત થયું હતું. આનાં કારણે ઇજાગ્રસ્ત કીડીની બચવાની શક્યતા ૪૫% થી વધીને ૯૫% થઈ ગઈ હતી, તે પણ કોઈ કાળજી લીધા વગર!
એરિક એવું પણ સમજાવે છે - કીડીની બધી પ્રજાતિઓ આવું કરતી નથી. મેટાબેલ કીડીઓમાં મેટાપ્યુરલ ગ્રંથિને કોટિંગ કરીને ચેપ સામે લડવામાં આવે છે, જ્યારે ફ્લોરિડાની કીડીઓ શરીરના અંગો કાપીને સારવાર કરવાનું પસંદ કરે છે.
સંશોધનમાં વધુ એક બાબત જાણવા મળી છે. કીડીઓ ઉવર્સ્થિ, પગના ઉપરના ભાગમાં થયેલી ઈજાને કાપીને ઠીક કરતી હતી, પરંતુ નીચલા ભાગને ઇજાના કિસ્સામાં આવું કરવામાં આવ્યું ન હતું. એવું અનુમાન છે કે ઉવર્સ્થિનું વિચ્છેદન ચેપ અટકાવવા માટે વધુ અસરકારક હતું. આ જાેઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે કીડીઓએ ઈજાની માત્રાના હિસાબે તેમની સારવાર નક્કી કરી હતી! એટલે કે, કીડીઓ આપણાં સર્જ્યન (ડોક્ટર)ની માફક મગજ વાપરીને ઓપરેશન કરવું કે નહીં એ નક્કી કરે છે!
લાઇવ સાયન્સ અનુસાર, ફ્રેન્ક સમજાવે છે કે કીડીઓ પણ ઘાને ઓળખી શકે છે. કયા ઘામાં ચેપ હતો અને કયામાં નથી, તે મુજબ તેણે સારવારની પદ્ધતિ અપનાવી હતી. આ કીડીઓ ખૂબ જ બુદ્ધિશાળી લાગે છે. હા, તેઓ ખૂબ જ સામાજિક જીવો છે. તમે કીડીઓને ચાલતી વખતે ઘણીવાર એકબીજીને આશીર્વાદ અને શુભેચ્છાની આપલે કરતી જાેઈ હશે. આ કીડીઓ આપણી જેમ વસાહતોમાં રહે છે. વિવિધ કીડીઓને પણ અલગ-અલગ કાર્યો સોંપવામાં આવે છે. કેટલીક કીડીઓ રાણી હોય છે, જે ઇંડા મૂકે છે. કેટલીક પ્રજાતિઓમાં ડ્રોન કીડીઓ હોય છે, જેનું કામ પ્રજનન કરવાનું છે. સૌથી વધુ જાેવામાં આવતી પ્રજાતિ કામદારોની છે. તેમની પાસે ૯થી ૫ જેવું ઓફિસવર્ક પણ હોઈ શકે! કીડીઓ પોતાના બાળકોની સંભાળ પણ રાખે છે, ખોરાક વગેરે એકત્રિત કરવાનું કામ પણ કરે છે.
અલબત્ત, આપણે જ નહીં, કીડીઓ પણ પોતાના જીવનમાં ઘણી મસ્તી કરે છે. તમામ કામ કરે છે. વેલ, કીડીઓના આ ‘ડૉક્ટર બિહેવિયર’ વિશેનું આ સંશોધન આગળ જતા માનવસમજને બીજા ઘણાં ઉદાહરણો આપી શકે છે. કદાચ, આ કીડીઓ આપણને એવું શીખવી શકે, જે વિશે આપણે જાણતાં જ ન હોઈએ! પોસિબલ છે!