અહમનો નાશ કરવા ન મથોઃ કેવળ જાગ્રત થાવ

ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય સખા અર્જનને પણ તેના બળનું અભિમાન થઈ ગયું હતું. આપણે એ સમજવું જાેઈએ કે અહીં મનુષ્ય મહાન નથી, કાળ મહાન છે. આ બધી કાળની જ લીલા છે. એટલે જ કોઈકે કહ્યું છે, સમય સમય બલવાન હૈ, નહિ મનુષ્ય બલવાન; કાબે અર્જુન લૂંટિયો, વહી ધનુષ વહી બાન. ફારસી ભાષાના મહાન કવિ ફિરદોસી તુસી કહી ગયા ‘ગર્વ ઘણો અગર તું કરે, તું જાેશે કે જમાનો શું કરે; આ દુનિયા ન થઈ ને થશે નહિ કોઈની, તું પણ જશે હાથ બે ખાલી લઈ’. નેપોલિયન બોનાપાટ એક વિશિષ્ટ વ્યક્તિ હતી. તેનામાં કેટલાંક અસામાન્ય લક્ષણો હતાં. તે રોજ રાત્રે ચાર કલાક જ સૂતો હતો અને તેમાંય એક-બે કલાક ઘોડા પર બેઠા બેઠા જ ઊંઘ ખેંચી લેતો. તેનું મગજ અદ્‌ભુત ક્લીઅર હતું. તેની નાડીના ધબકાર ૭૨ને બદલે ૫૮ ચાલતા. કહેવાય છે કે ભારતના યોગીઓની નાડી ૫૮ જેટલી ચાલતી હોય છે, એટલી નાડી તેની ચાલતી હતી. તે જીવનમાં ક્યારેય યુદ્ધ હાર્યો નહોતો, પણ વોટલૂનું છેલ્લું યુદ્ધ હારી ગયો હતો.

યુદ્ધની આગલી સંધ્યાએ તેણે યુદ્ધનું બરોબર આયોજન કર્યું હતું. તેને વિશ્વાસ હતો કે આ યુદ્ધ પણ તે જ જીતશે. સંધ્યા સમયની મિટીંગમાં એક જનરલ બોલ્યો કે ભગવાનની કૃપા હશે તો આવતી કાલનું યુદ્ધ પણ આપણે જીતી જઈશું. નેપોલિયન તરત ખીજવાયો અને બોલ્યો કે ભગવાન ભગવાન શું કરો છો? યુદ્ધ હું જીતું છું. મારા મગજથી હું જીતું છું. ભગવાન નથી જીતતા! તે જ રાત્રે સખત વરસાદ પડ્યો અને બીજે દિવસે નેપોલિયન યુદ્ધ હારી ગયો! ભગવાને તેને બતાવી આપ્યું કે કોણ યુદ્ધ જીતતું હતું!

શું અહંકારના અજગરની કાળચૂડમાંથી મુક્ત થઈ શકાય ખરું? કેવી રીતે? અહંકારમાંથી મુક્ત બનવા માટે અહમૂને સમજવાની જરૂર છે. શ્રી કૃષ્ણમૂર્તિની દૃષ્ટિએ અહમને સમજીએ તો અહમ્‌ એટલે ભૂતકાળ. ભૂતકાળમાં થયેલા અનુભવો સંસ્કારરૂપે આપણા મગજમાં રહે છે. જ્યારે સ્મૃતિ ફરી જાગત થાય છે ત્યારે તે સાથે અહમ્‌ ઉપસ્થિત થાય છે. જ્યાં વિચાર છે ત્યાં અહમ્‌ છે. વિચારનું અવસાન એટલે અહમૂનું અવસાન. કૃષ્ણમૂર્તિના શબ્દોમાં - ‘અહમ્‌ કૃત સ્મૃતિસમૂહ છે અને તે રીતે ભૂતકાળ પર અવલંબિત, અલ્પ અને અજ્ઞાનસેવિત છે.’

અહમને દૂર કરવા તમે પ્રયત્ન કરશો ત્યારે તે ચાલાકી, એકરૂપતા, સદ્‌ગુણો, અનુભવો, માન્યતાઓ, જ્ઞાન વગેરે વડે પોતાનો ઢાંકપિછોડો કરશે. કૃષ્ણમૂર્તિ કહે છે અહમને પોતાની મર્યાદાઓની, પોતાના અસ્તિત્વના મિથ્યાપણાની જાણ થાય ત્યારે જ તેનો અંત આવે.

વિમલતાઈ કહે છે, ‘અહંકારને જાેવાથી દંભ ખરી પડશે અને વિનમ્રતાનો જન્મ થશે... અજાણપણે કરવામાં જે મજા તથા રસ આવે છે તે અવધાનની સર્ચલાઈટને લીધે ચાલી જશે. તેથી આત્મગ્લાનિ નહિ પણ વિનમ્રતા આવશે... સાવા અહંકારનું અનાવરણ જાેવું તે ઘણી મોટી વાત છે.

અહમના નાશ માટેના સઘળા પ્રયત્નો ગમે તે રીતે તેની પુષ્ટિ જ કરે છે. કારણ કે સઘળા પ્રયાસો મનના માળખામાં રહીને જ થતા હોય છે. અહમ્‌ છે એટલે જ મન છે અને મન છે એટલે જ અહમ્‌ છે. ‘તથાગત' સરસ વાત કરે છે.ખુદના વિસર્જનની સાથે તમે ખુદા બની જાઓ છો. ‘સ્વ’ જાય એટલે તમે રહેતા નથી, રહે છે માત્ર પરમ સત્ય, જે સર્વજ્ઞ અને સર્વવ્યાપક છે.

અહમના નાશ માટે કૃષ્ણમૂર્તિ જાગ્રત રહેવાનું સૂચવે છે—- ‘અહમનો નાશ કરવા ન મથો. એનું રૂપાંતર કરવાના વ્યર્થ મનોરથો ન સેવો, કારણ કે અહમ્‌ નાશનો કૃત્રિમ ભાસ રચીને તે દ્વારા અહમ્‌ અને મન જ વિકસે છે તથા વિફરે છે. માટે કેવળ જાગ્રત થાવ. તેમ થતાં અહમ્‌ આપોઆપ અવશ્ય અદૃશ્ય થશે.'

અહંકારને ઓળખવો હોય તો આપણા સ્વાર્થ, ઈર્ષ્યા, લોભ, તૃષ્ણાઓને ઓળખવાં જાેઈએ. આ બધાને ઓળખવા માટે પ્રજ્ઞાનો પ્રકાશ જાેઈએ. પ્રજ્ઞાનો પ્રકાશ જ અહમૂના અંધકારને વીંધી નાંખે છે. પ્રજ્ઞાનો પ્રકાશ પ્રાપ્ત કરવા માટે સતત જાગ્રતિ જરૂરી છે. આપણા પ્રત્યેક વિચારમાં અહમ્‌ ડોકાય છે. અહમ્ને જાેવો એટલે પ્રત્યેક વિચારને જાગ્રતિપૂર્વક જાેવો. અગ્નિ પ્રકટતાં શીતલતા ભાગવા માંડે છે તેમ જાગ્રતિની જ્યોત સળગતાં અહમનો અંધકાર દૂર થાય છે. કૃષ્ણમૂર્તિ કહે છે, ‘કેવળ જાગ્રત થાવ. પળેપળની આવી વ્યાપક સજાગ અવસ્થા, કેવળ સાવધાનતા, તટસ્થ આત્મ-સાક્ષીભાવનું તલસ્પર્શી તથા સર્વ ગ્રાહ્યા અવલોકન અહમને આપોઆપ નષ્ટ કરે છે.’

અહમના અવસાન પછી જ સત્યનો ઉદય થાય છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution