તકલીફમાં પરિવાર અને મિત્રો પાસે ‘ચૂપ’ ન રહો

લેખક : સિદ્ધાર્થ છાયા | 

ગત શુક્રવારે નવી રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘ચૂપ’ જાેઈ. શરૂઆતથી છેક અંત સુધી આ ફિલ્મના હ્યુમર અને થ્રીલે જકડી રાખ્યાં. એક સમયે એવું લાગતું હતું કે બસ, આ પણ એક મનોરંજક ફિલ્મ બની રહેશે અને આપણા પૈસા વસૂલ થઇ જશે. પણ ના! જ્યારે ફિલ્મ પૂરી થવા આવી ત્યારે જ એક જબરદસ્ત મેસેજ સામે આવ્યો અને વિચારમંથન શરૂ થઈ ગયું.

ફિલ્મ થ્રિલર છે. અને આ સંદેશ કયા સંદર્ભમાં આપવામાં આવ્યો છે જાે એ કહીશ તો તમે જ્યારે પણ આ ફિલ્મ જાેશો ત્યારે કદાચ તેની મજા મરી જશે, આથી સંદર્ભ આપ્યા વગર જ ‘ચૂપ’ ફિલ્મ શું સંદેશ આપે છે તે જ આપણે આજે જાણીશું.

માણસને તકલીફ ઘણી પડે છે. વારંવાર પડે છે તો ઘણીવાર તો અમુક વ્યક્તિનું મોટાભાગનું જીવન તકલીફોમાંથી જ પસાર થતું હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ કુટુંબનો વડો હોય અથવા તો કુટુંબનો એક એવો હિસ્સો જેના પર મોટાભાગની જવાબદારી હોય કે પછી એ જવાબદારી તે અન્ય કોઈ કુટુંબી સાથે શેર કરતો હોય અને જાે તે તકલીફમાં હોય તો તે આ તકલીફ કોઈ સાથે શેર નથી કરતો.

આમ કરવા પાછળ તેની ઈચ્છા અથવા તો તેનો હેતુ એટલો જ હોય છે કે હું આ તકલીફ સાથે લડી લઈશ અને કુટુંબી સાથે શેર કરવાથી ક્યાંક એ પણ ટેન્શનમાં ન આવી જાય. આત્મવિશ્વાસ હોવો ખોટો નથી, અને આત્મવિશ્વાસે તો ઘણા વહાણો તોફાની સમુદ્રોને પણ પાર કરી જતા હોય છે. તકલીફ ત્યારે પડે છે જ્યારે આત્મવિશ્વાસ આપણી આંખો બંધ કરી દે છે.

વ્યક્તિનો હેતુ સારો જ હોય છે કે તે પોતાનું ટેન્શન કોઈ સાથે શેર ન કરીને તેને ટેન્શન ન અપાવે. પરંતુ ક્યારેક એવું બને છે કે ટેન્શનનું પ્રમાણ એટલું બધું વધી જાય છે પણ કોઈ અજાણ્યા ડર કે પછી સમાજમાં એ ટેન્શન ખુલ્લું પડી ગયા બાદ ક્યાંક મારી ઈજ્જતના ધજાગરા તો નહીં ઉડી જાય એ પ્રકારની માન્યતા વ્યક્તિને ન કરવાનું કરવા માટે મજબૂર કરી દેતી હોય છે.

તમારા માથે મોટું દેવું વધી ગયું હોય જે તમે તમારા કુટુંબ કે વ્યવસાયને મદદ કરવા માટે જ લીધું હોય, પરંતુ તે દેવું હવે ચૂકવી ન શકાય તેટલું વધી ગયું હોય. કે પછી તમારો પગ કોઈ એવા કુંડાળામાં ભૂલથી પડી ગયો હોય કે કોઈ મજબૂરીથી પડી ગયો હોય અને તેની વિગતો જાે બહાર આવશે તો તમારી પત્ની અને તમારા માતાપિતાને કે સંતાનોને તમે મોઢું દેખાડવાલાયક નહીં રહો એવો ડર તમને લાગતો હશે તો કદાચ તમારા મનમાં આ તમામ ટેન્શનમાંથી છૂટવાનો નકારાત્મક વિચાર પહેલો આવશે.

પરંતુ ‘ચૂપ’ ફિલ્મ આપણને એ સંદેશ આપે છે કે ટેન્શન ગમે તેવું હોય, પેલો અજાણ્યો ભય પણ હોય તો પણ એ વાતને તમારા કુટુંબીજનો સાથે જરૂર શેર કરો. કદાચ એ શક્ય છે કે તમારા એ ટેન્શનનો કે ભયનો ઉકેલ આ ચર્ચામાંથી જ આવી જાય? એવું પણ બને કે તમારું કુટુંબ તમને મુશ્કેલીમાંથી ઉગારવા માટે સમર્થ ન પણ હોય.

જાે આવું થાય તો પણ એક વાત તો સત્ય છે જ કે તમારા મનનો અને હ્રદયનો બોજાે ઉતરી જશે. એક વખત તમે હળવાશ ફિલ કરશો તો પછી તમને તમારી જ તકલીફમાંથી બહાર નીકળવાના માર્ગ કદાચ આપોઆપ સૂઝવા માંડશે. જાે વાત કરશો તો એવું પણ બને કે તમારી વાત સાંભળીને તમારા કુટુંબી જે રિએક્શન આપશે એ તમે વિચારી રહ્યા હતા એનાથી સાવ ઉલટું પણ બને.

ટૂંકમાં કહીએ તો જિંદગીમાં જ્યારે પણ કોઈ ટેન્શન હોય જે એક સમયે તમે જાતે હેન્ડલ ન કરી શકતા હોવ અને તેને હળવું કરવામાં ભલે તમારું કુટુંબ કે મિત્રો મદદ ન કરી શકતા હોય તો પણ તેમને એ વિશે વાત તો જરૂર કરવી જ જાેઈએ. આમ કરવાથી જેમ આપણે આગળ જાણ્યું તેમ ટેન્શન હળવું લાગવા માંડશે અને તમે કોઈ નવો રસ્તો પણ શોધી શકશો.

માનવીનું જીવન અમૂલ્ય છે. આપણે તો કદાચ એનું મૂલ્ય ન સમજીને ન કરવાનું કરી બેસીએ પણ આપણા આ સ્વાર્થી પગલાંથી આપણા માતાપિતા કે પત્ની અને સંતાનોને જે નુકશાન થશે તેને કોણ ભરપાઈ કરી આપશે?

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution