તક્તી વગરનું દાનઃ રકતદાન

હોસ્પિટલમાં કોઈની ખબર પૂછવા જવું એ કપરું કામ છે, એવું જ લાગે જાણે કે દવાઓ અને સોઈ મને ભોંકાવાની હોય. પણ, વ્યવહારિક રીતે જવું જ પડે એમ હોય ત્યારે છટકબારી ન મળે. હોસ્પિટલના બેડ પર કાકા તો દવાના ઘેનમાં સુતા હતા પણ મારી નજર બાજુમાં લટકતા બાટલા તરફ સ્થિર થઇ ગઈ. બાટલા નીચે લટકતી ચેમ્બરમાં ટપ-ટપ એક એક ટીપું લોહીનું એકધારી ગતિએ પડી રહ્યું હતું અને નળી મારફતે કાકાની નસમાં પહોંચી રહ્યું હતું. એક તો આ એકદમ ગમગીન વાતાવરણ એમાં નજર સામે લોહીનો લાલ રંગ થોડીવાર જાેયું ત્યાં મન જલ્દીથી રૂમ બહાર નીકળી જવા વ્યાકુળ થઇ ગયું. બહાર બેઠેલા સગા સાથે વાત કરતા ખબર પડી કે સમયે લોહી મળી ગયું એટલે હવે કાકાના જીવનું જાેખમ ટળ્યું છે.

ઘરે જતા રસ્તામાં માનસપટ પર જૂની ટેપ વાગવા લાગી... થોડા વર્ષ પહેલા જયારે મને પોતાને લોહીની જરૂર પડી હતી. સર્જરી પહેલા લોહીની ઉણપને લીધે ચાર યુનિટ બ્લડ ચડાવવું પડ્યું હતું. કોઈ ચાર અજાણી વ્યક્તિ મારા સાજા થવામાં નિમિત્ત બની હતી. કોણ હતું, શું નામ હતું, કે શા કારણે એ લોકોએ એમના લોહીનું દાન કર્યું હશે એ નથી જાણતી. જાણું છું તો માત્ર એટલું કે મારા શરીરમાં ફરતા એમના લોહી ઉપર એમણે પોતાના નામની તક્તી નથી મૂકી. વૉટ્‌સએપમાં એક ફોટો બહુ ફરતો જાેવા મળે છે, જેમાં હોસ્પિટલના બિછાને સુતેલાને બે કેળા આપતા ચાર દાનવીર ફોટો પડાવી રહ્યા છે! મને લોહી આપનાર કોઈએ દાવો માંડ્યો નથી કે બેન, તમને જીવનદાન આપનાર હું છું. હા, હું એટલું જાણું છું કે એ ચાર વ્યક્તિમાંનું કોઈ મારું સગું કે લાગતું વળગતું નથી, મારે એમની સાથે કોઈ ઓળખાણ કે સંબંધ નથી. છતાં એમણે પોતાનું લોહી આપી મારા જીવમાં જીવ પૂર્યો છે. રક્તદાન એ ઉચ્ચ કોટિનું ગુપ્તદાન છે. રક્તદાન કરનાર નથી જણાતું કે તે કોનો જીવ બચાવી રહ્યું છે, અને રક્ત મેળવનાર નથી જણાતું કે કોણે પોતાનું લોહી આપી એને સાજા થવામાં મદદ કરી છે.

શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં ૧૭મા અધ્યાયમાં દાન વિશેની સમજ આપતા ૨૦, ૨૧ અને ૨૨ એમ ત્રણ શ્લોક છે. જેમાં દાનના સાત્વિક, રાજસ અને તામસ એમ ત્રણ પ્રકાર કહ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણ શ્લોક ૨૧મા કહે છે, દાન દેવું એ ફરજ છે એવી સમજણથી કોઈ પણ જાતના બદલાની આશા વગર યોગ્ય સ્થળે, યોગ્ય સમયે, યોગ્ય વ્યક્તિને જે અપાય છે તેને સાત્વિક દાન કહે છે. એ રીતે જાેઈએ તો રક્તદાન શ્રેષ્ઠ પ્રકારનું સાત્વિક દાન છે. રક્તદાન કોઈ જ બદલાની ભાવના વગર નિઃસ્વાર્થ ભાવે કરવામાં આવે છે. અને કદાચ એટલે જ નિસ્વાર્થ ભાવે થતું રક્તનું દાન, દાન આપનાર માટે પણ ફાયદાકારક નીવડે છે.

રક્તદાન કરવાથી હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે. લોહીમાં આયર્નનું પ્રમાણ વધી જવાથી હાર્ટને લગતી બીમારી થવાની શક્યતા રહે છે. નિયમિત રક્તદાન કરવાથી લોહીમાં આયર્નની માત્રા સંતુલિત પ્રમાણમાં જળવાઈ રહે છે, લોહી પાતળું રહે છે અને હાર્ટ એટેકની શક્યતાઓ ઘણી ઘટી જાય છે. નિયમિત રક્તદાન કરવાથી કેન્સર તથા લકવા થવાની શક્યતાઓ પણ ઘટી જાય છે. બીજું કે એક વખત રક્તદાન કરવાથી એટલે કે એક યુનિટ બ્લડ આપવાથી ૬૫૦ કેલરી બર્ન થાય છે, જે વજન જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. સ્વસ્થ માણસને રક્તદાન કરવાથી કોઈ જ નબળાઈ આવતી નથી. ઉલ્ટું નિયમિત રક્તદાન કરવાથી શરીરમાં જે નવું લોહી બને છે તે સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે, જેના કારણે શરીરમાં નવી રક્ત કોશિકાઓ બને છે. સામાન્ય રીતે ૨૧ દિવસમાં આપ્યું હોય એટલું નવું લોહી બની જાય છે. અને ૩ મહિનાના અંતરે ફરી રક્તદાન કરી શકાય છે. એક ફાયદો એ પણ છે કે લોહી લેતા પહેલા રક્તદાતાની મફતમાં શારીરિક તાપસ થાય છે. રક્તદાતાનું વજન, બ્લડપ્રેશર, હિમોગ્લોબીન અને બ્લડ ગ્રુપની તાપસ કરવામાં આવે છે. અને રક્તદાન બાદ એચઆઇવી અને મલેરિયા, એચબીએસએજી, એચસીવી, વીડીઆરએલ અને એન્ટિબોડીની સ્ક્રિનિંગ જેવી તાપસ થાય છે. આમ નિયમિત રક્તદાન કરવાથી નિયમિત ફ્રી ચેકઅપ પણ થઇ જાય છે.

લોહીની જરૂરિયાત વિવિધ પ્રકારની સારવાર તથા આપાતકાલીન સમયે ખાસ પડે છે. રક્તદાન એ જીવલેણ બીમારીથી પીડાતા દર્દીઓને લાબું જીવાડવામાં મદદ કરે છે, અને જટિલ મેડિકલ તથા સર્જીકલ સારવારમાં મહત્વનો ભાગ ભજવે છે. આમ તો હવે જનજાગૃતિ આવી રહી છે અને સારા એવા પ્રમાણમાં લોકો બ્લડ ડોનેટ કરવા આગળ આવી રહ્યા છે. પણ હજુ પણ લોહીની જરૂરિયાતના પ્રમાણમાં જાેઈએ તેટલું લોહી ઉપલબ્ધ નથી. થેલેસેમિયા, બ્લડ કેન્સર જેવા બીજા કેટલાક લોહીને લગતા જીવલેણ રોગોથી અનેક દર્દીઓ મૃત્યુને ભેટી રહ્યા છે.

આ એક લોહી જ છે જે માણસ ને માણસ સાથે કોઈ ભેદભાવ વગર જાેડે છે. ધર્મ, નાત, જાત, ઊંચ, નીચા, કુળ, દેશ, વેશ સઘળા પ્રકારના ભેદભાવ ભૂલી જઈ ફક્ત અને ફક્ત મેળવવામાં આવે છે તો એક જ લોહી. આપનારનું અને લેનારનું લોહી મેચ કરી ગયું તો બીજું બધું જ પછી ગૌણ બની જાય છે. લોહીનું દાન કરી, ક્યાંક કોઈક જીવ બચાવવાનું કાર્ય કરીએ, એમ માનવતાને જીવાડીએ.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution