દાન ઃ દેનેકુ ટુકડા ભલા

આમ તો અન્નદાન, રક્તદાન, અભયદાન, જીવતદાન, વિદ્યાદાન, સંપત્તિદાન, કન્યાદાન - એમ બધાની વાતો થતી હોય છે. જુદી જુદી પરિસ્થિતિમાં આ બધાનું એક મહાત્મ્ય છે. ભૂખ્યાને અન્નદાન આપવું જાેઈએ જ્યારે ઘાયલને રક્તદાન. જિજ્ઞાસુ માટે- ખરેખર તો મુમુક્ષુ માટે સાંખ્યદર્શન જેવું જ્ઞાન અગત્યનું છે જ્યારે ભય હેઠળ જીવતી વ્યક્તિ માટે અભયદાન જરૂરી છે. જ્યાં પ્રાણ કંઠ ઉપર આવી ગયો હોય ત્યાં સમર્થ વ્યક્તિ દ્વારા અપાયેલ જીવનદાનની કિંમત વધુ રહે અને જ્યાં અર્થ અને કામ હાવિ થઈ ચૂક્યા હોય ત્યાં કદાચ સંપત્તિ મેળવવાની ઈચ્છા વધુ રહે. આવી સંપત્તિનું વિવિધ સ્વરૂપે નિરૂપણ થતું રહ્યું છે. કન્યાદાનનું પણ આગવું મહત્વ છે. કોઈક યુવકને કન્યા આપવાથી તેનો આ ભવ તો - સંસાર તો સુખમય બને જ પણ સાથે સાથે લગ્નસંબંધને કારણે થયેલા સંતાનથી પિતૃઓનું તર્પણ શક્ય બને અને તેઓની અવગતિ અટકે. આ કન્યા સંતાનોને સંસ્કારી બનાવી તેમનું જીવન પણ મંગલકારી બનાવી શકે. આમ કન્યાદાનથી, દાન પ્રાપ્ત કરનાર વ્યક્તિ, તેના પિતૃઓ તથા તેના સંતાનો, એમ સર્વનું મંગલ સંભવી શકે.

દાન ઘણા પ્રકારના હોય અને તે બધાનો એક મહિમા છે. દાન એટલે જ એવી વસ્તુનું પ્રદાન જે દાન લેનાર તથા દાન દેનાર, એમ બંને વ્યક્તિ માટે સર્વદા અને સર્વથા મંગલમયી હોય. સનાતની પરંપરામાં અન્નદાનનું આગવું મહત્વ છે. અહીં મોટાભાગના તીર્થસ્થળે રામરોટી - અન્નક્ષેત્ર - અન્નયજ્ઞની ધુણી ધખાવેલી હોય છે. એક ઉપનિષદમાં બ્રહ્મની ઓળખ આપવા માટે “અન્ન” થી શરૂઆત થાય છે અને કહેવાય છે કે અન્ન બ્રહ્મ છે. આ શરૂઆત બહુ મહત્વની છે. અન્ન થકી જ શરીર બંધાય છે અને અન્ન થકી જ સંસારનું ચક્ર ચાલુ રહે તેવી વ્યવસ્થા સ્થપાય છે. અન્ન જીવન ટકાવી રાખે છે અને આ જીવન ટકી ગયા પછી જ મુક્તિ માટેના પ્રયત્નો થઈ શકે છે. તેથી ઘણીવાર અન્યને વધુ મહત્વ અપાયું છે. પણ દાન ઘણા પ્રકારના હોઈ શકે અને દરેકની એક આગવી મહત્તા છે.

ગીતામાં જણાવ્યા પ્રમાણે કર્તવ્ય સમજીને, બદલાની આશા વગર, યોગ્ય વ્યક્તિને, યોગ્ય સમયે અને યોગ્ય સ્થળે દાન આપવું જાેઈએ. આને સાત્વિક દાન કહેવાય. દાન જ્યારે બદલો મેળવવાની અથવા કોઈક પ્રકારના ફળની આશાથી અને ક્યાંક કચવાતા મને કરવામાં આવે ત્યારે તેવું રાજસી દાન બંધનકર્તા બની રહે. સામેવાળી વ્યક્તિનો સત્કાર કર્યા વિના, લગભગ તિરસ્કારથી ખોટી વ્યક્તિને, ખોટા સમયે, ખોટા કારણ માટે જે દાન અપાય તેને તામસ પ્રકારનું દાન કહ્યું છે. વાત તો સ્પષ્ટ છે. અહીં અન્ન કે રક્ત કે વિદ્યા કે કન્યા, કોઈપણ પ્રકારના દાનને અન્યથી ચઢિયાતું દર્શાવાયું નથી. બધા જ દાન ઉચ્ચ કક્ષાના કહી શકાય, જાે તે ક્રિયામાં સાત્વિકતા રહેલી હોય અને તે દાનને કારણે સમગ્રતામાં સાત્વિકતાનો વધારો થતો હોય.

પ્રશ્ન એ છે કે જાે કોઈ અનીતિ આચરનાર- હિંસા આચરનાર વ્યક્તિને જીવનદાન માટે રક્તની જરૂર પડે તો શું તેને એ દાન કરવું જાેઈએ? પ્રશ્ન થોડોક જટિલ છે. રક્તદાનને કારણે જાે તે વ્યક્તિમાં સાત્વિકતા જાગવાની સંભાવના ઉદભવતી હોય તો તો રક્તદાન કરવું જ જાેઈએ. એમ ન હોય તો એ માણસ આગળ જતા સમાજને નુકસાનકારક બની શકે. પણ આવો ર્નિણય કેવી રીતે લઈ શકાય. એવું કેવી રીતે જાણી શકાય કે ઘાયલ વ્યક્તિ આગળ જતાં સત્માર્ગે જ વધશે. અહીં પ્રશ્ન નિયત થયેલા કર્મનો છે. આવી ઘાયલ વ્યક્તિની સામે તમારી હાજરી હોવી એ બાબત જ એમ દર્શાવે છે કે તેની જિંદગી બચાવવા માટેનું તમે કદાચ નિમિત્ત છો. તમારો ધર્મ આ “નિમિત્ત કર્મ” સુધીનો જ છે. આગળનો સંસાર તમારે ચલાવવાનો જ નથી, એ તો વિશ્વ નિયંતાનું કામ છે. તે એની રીતે ન્યાય કરશે. દાન આપવાની સંભાવના ઊભી થાય તેવા સ્થાને તમારી હાજરી હોય તેનાથી એમ તો સિદ્ધ થાય છે જ કે તમે અમુક પ્રકારની ઘટના માટે નું “નિમિત્ત” છો. તમે એ નિમિત્ત કર્મ કરો એ જ તમારો ધર્મ છે. આ બાબત દરેક પ્રકારના દાનને લાગુ પડે છે.

જે વ્યક્તિ દાન કરવા સમર્થ છે અને દાન કરે છે તે વ્યક્તિએ સામેવાળી વ્યક્તિનો આભાર માનવો જાેઈએ. સામે જે જરૂરિયાતમંદ વ્યક્તિ છે તેણે તમને દાન કરવાની તક આપી છે. તમારી પાસે અપાર સંપત્તિ હોય તો પણ ક્યાંક તમે જરૂરિયાતમંદ વ્યક્તિના અભાવમાં દાન ન કરી શકો. સત્કર્મ કરવાની તક આપનાર પરિસ્થિતિ તથા વ્યક્તિ પ્રત્યે આભાર તો દર્શાવો જ જાેઈએ. અહીં આપણને એવી તક મળે છે કે જ્યાં આપણી પોતાની સાત્વિકતા અને શુદ્ધતામાં પણ વધારો થાય. આપણને પણ ક્યાંક વળગણ કે લોભ છૂટે.

દાન આપનાર વ્યક્તિ પણ એક રીતે ગ્રહણ કરનાર વ્યક્તિ પણ છે. દાન આપવાથી તેને સંતોષ તથા એક પ્રકારની તૃપ્તિ મળે છે. પોતાની પાસેની સમૃદ્ધિ - આપવા જેવી બાબત - સાર્થક થઈ હોય એમ તેને લાગે છે. ક્યાંક પોતાના ધર્મ માટે તે વધુ કટિબદ્ધ થાય છે. દાનથી પુણ્યની જે પરંપરા સર્જાય તેનાથી ઉદ્‌ભવતી સાત્વિકતા સમગ્ર સમાજને હકારાત્મક રીતે અસર કરે અને જેનો લાભ તે દાનીને પણ થાય. આમ પણ સંસારમાં કશું જ એકમાર્ગી નથી. તમે જે કંઈ કરો છો તે તમારા પ્રત્યે પરત ફરે છે. કહેવાય છે કે યોગ્ય-જરૂરિયાતમંદને જેટલું આપવામાં આવે તેમાં વધારો કરીને તમને પાછું મળે છે. પણ જાે આવા વધારા માટે દાન કરવામાં આવે તો તેનું પરિણામ કંઈક જુદું જ આવે. દાન, ધર્મ સમજીને કરવું જાેઈએ. દાન, સમરસતા માટે કરવું જાેઈએ. દાન, ઈશ્વરના એક વરદાન તરીકે કરવું જાેઈએ. દાન એ દૈવી ચેષ્ટા છે જે, જુદા જુદા પ્રમાણમાપમાં, આસુરી ભાવનો નાશ કરવામાં મદદરૂપ થાય.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution