વોશિંગ્ટન, તા.૩૧
અમેરિકી રાષ્ટપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે જી-૭ સંમેલનને હાલ પૂરતું સપ્ટેમ્બર મહીના સુધી ટાળી રહ્યા છે તેવી જાહેરાત કરી હતી. તેના પહેલા તેઓ ભારત, ઓસ્ટ્રેલિયા, રૂસ અને દક્ષિણ કોરિયાને બેઠક માટે આમંત્રિત કરવા ઈચ્છે છે. ઉલ્લેખનીય છે કે, ૪૬મું જી-૭ શિખર સંમેલન વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ૧૦મી જૂનથી ૧૨મી જૂન સુધી આયોજિત કરવાનો પ્રસ્તાવ હતો. અમેરિકી રાષ્ટપતિએ પોતે જી-૭ને આગામી સપ્ટેમ્બર મહીના સુધી ટાળી રહ્યા છે તેમ જણાવીને સાથે જ ‘મને નથી લાગતું કે જી-૭ યોગ્ય રીતે વિશ્વમાં શું ચાલી રહયુ છે તે દર્શાવે છે. તે દેશોનો એક બહું જૂનો સમૂહ છે.’ તેવો મત દર્શાવ્યો હતો. વ્હાઈટ હાઉસના વ્યૂહાત્મક સંદેશાવ્યવહારના નિયામક એલિસા એલેક્જેંડ્રા ફરાહે જણાવ્યું કે, તે અમારા પારંપરિક સહયોગિઓને એક સાથે લાવી રહ્યુ છે જેથી ચીનના ભવિષ્યને લઈ વાત કરી શકાય. જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલના કાર્યાલયે જ્યાં સુધી કોરોના વાયરસના પ્રસારનો અંત નહીં આવે ત્યાં સુધી પોતે શિખર સંમેલનમાં સામેલ નહીં થાય તેમ કહ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, જી-૭ વિશ્વના સૌથી મોટી અને સંપન્ન અર્થવ્યવસ્થા ધરાવતા સાત દેશોનો સમૂહ છે જેમાં ફ્રાંસ, જર્મની, ઈટાલી, જાપાન, અમેરિકા, બ્રિટેન અને કેનેડા આટલા દેશોનો સમાવેશ થાય છે. આ દેશોના પ્રમુખો આંતરરાષ્ટીય અર્થતંત્ર અને મુદ્રા મુદ્દે વાત કરવા દર વર્ષે બેઠક યોજે છે.