આ રીતે કરો કપાલભાતિ,શરીરના બધા રોગોને મટાડી દેશે

લોકસત્તા ડેસ્ક

કપાલભાતિ બ્રીધિંગ એક્સરસાઇઝ છે આ એક્સરસાઈઝ રોજ કરવાથી સ્ટેમિના, ફ્રેશનેસ, સ્ફૂર્તિ બધું જ વધે છે. બીજી રીતે કહીએ તો કપાલભાતિ તમારા શરીરને સપ્રમાણ રાખવામાં મદદ કરે છે. શ્વાસોશ્વાસની ક્રિયાથી શરીરનાં ઝેરી અને નકામાં દ્રવ્યો ઉચ્છવાસ વાટે બહાર ફેંકાઈ જાય છે અને આપમેળે વધુ ઓક્સિજન શરીરમાં જતો હોવાથી ફેટ બળવાની ક્રિયા ઝડપી બને છે. લાંબા ગાળા સુધી આ ક્રિયા નિયમિત કરવાથી શરીર કાંતિમય બને છે. 

ફાયદા

વિજ્ઞાનનો નિયમ છે કે કોઈ પણ વસ્તુ ત્યારે જ બળે જ્યારે ઓક્સિજનની હાજરી હોય. શરીરમાં ઓક્સિજન વધુ માત્રામાં જવા લાગે એટલે કેલરી બર્ન થવાની ક્રિયા ઝડપી થવા લાગે. ચયાપચયનું કાર્ય ઝડપી બનવાથી તમે પહેલાં જેટલી જ પ્રવૃત્તિ કરતા હોવા છતાં કેલરી બળવાની ગતિ વધતાં ચરબી ઝડપથી બળે છે.

• કપાલભાતિ કરવાથી રેડ બ્લડ સેલ્સ વધે છે. લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે.

• કપાલભાતિ કરવાથી સ્વાદુપિંડ યોગ્ય રીતે કાર્ય કરે છે. નેચરલ ઈન્સ્યૂલન હોર્મોન ઉત્પાદનમાં મદદ કરે છે.

• શરીરને આંતરિક રીતે સાફ કરે છે.

• મગજને શાંત રાખે છે અને એકાગ્રતા વધારે છે.

• પેટ પરની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.

• શ્વસનના રોગો જેમ કે અસ્થમા, એલર્જી અને સાઈનસમાં લાભકારી છે.

• કબજિયાત, વાળ ખરવાં, એસિડિટી, ડાયાબિટીસ જેવા રોગોમાં ફાયદાકારક છે.

• કિડનીની સમસ્યાઓમાં પણ લાભકારી રહે છે. કિડનીનું કાર્ય સુધારે છે.

• બ્રેસ્ટ કેન્સર સામે રક્ષણ કરે છે.

• શરીરમાંથી નકામાં અને ઝેરી તત્વો ઉચ્છવાસ વાટે નીકળી જતાં લાંબા સમયે ચહેરા પર ચમક આવે છે.

• જઠારાઅગ્નિ પ્રદીપ્ત થવાથી ખોરાકનું યોગ્ય પાચન થાય છે અને ઓછું ખાવા છતાં પૂરતી સ્ફૂર્તિ અને એનર્જી મહેસૂસ થાય છે.

• કપાલભાતિ ફેફસાં માટેની સર્વશ્રેષ્ઠ કસરત છે. કપાલભાતિ કરવાથી ફેફસાંની અંદર રહેલી સૂક્ષ્મમ રક્તકોશિકાઓમાં લોહીનું પરિભ્રમણ વધે છે અને ઓક્સિજનનો સંચાર થાય છે.

કેવી રીતે કરાય?

કપાલભાતિ ક્રિયામાં શ્વાસ લેવા પર નહીં, છોડવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. સૌથી પહેલાં તો પદ્માસન અથવા તો વજ્રાસન કરીને ટટ્ટાર બેસવું. કપાલભાતિ બેસીને કે ઊભા રહીને કરી શકાય છે, પરંતુ બેસીને કરવાનું વધુ સારું રહેશે. બંને હાથથી જ્ઞાન મુદ્રા કરી તેને કોણીએથી વાળ્યા વગર ચત્તા ઢીંચણ પર મૂકો. એમ કરવાથી ખભા સહેજ ઊંચે રહેશે. પણ તેથી પેટની હલનચલનમાં સરળતા રહેશે. આસનમાં સ્થિર બેઠા પછી લગભગ અડધીએક મિનિટ સામાન્ય જેમ શ્વાસ લેતા હો એમ લેવો. સાચી રીતે શ્વાસ લેતા હો તો પેટ ફૂલે છે અને કાઢવાથી પેટ સામાન્ય અવસ્થામાં આવે છે.

શ્વાસ અંદર જાય છે અને બહાર નીકળે છે એ બાબતે સભાનતા કેળવાય એટલે કપાલભાતિ શરૂ કરી શકાય. આ પ્રાણાયામમાં ઉચ્છવાસ કાઢવાનો છે. એટલું જ નહીં, સહેજ હળવા ફોર્સ સાથે કાઢવાનો છે. નાભિના સ્નાયુને અંદરની તરફ ધકેલીને પેટને અંદર લેતી વખતે શ્વાસ કાઢવાનો. બસ, કાઢતા જ રહેવાનો. વચ્ચે શ્વાસ લેવાનો પ્રયત્ન ન કરવો. શ્વાસ નીકળે એ વચ્ચેના ગાળામાં આપમેળે થોડી હવા અંદર જતી રહે છે. 

શ્વાસ લીધા વિના સતત ઉચ્છવાસ કાઢતા રહેવું એ છે કપાલભાતિ. સામાન્ય રીતે શરૂઆત કરતા હો તો પહેલાં વીસ-પચીસ વાર ઉચ્છવાસ કાઢ્યા પછી જાણે શ્વાસ અંદર ખૂટી ગયો છે એવું લાગવાથી વ્યક્તિએ બ્રેક લેવો પડે છે. થાક લાગે તો અટકી જવું. એક-બે નોર્મલ શ્વાસોશ્વાસ લીધા પછી ફરીથી કપાલભાતિ શરૂ કરવી. પહેલી વાર કરતા હો તો શરૂઆતમાં પાંચેક મિનિટ આ ક્રિયાનું આવર્તન કરવું. ધીમે-ધીમે કરતાં ક્ષમતા વધશે. 

કોણે ન કરવું?

• પ્રેગ્નન્સી દરમ્યાન ન કરાય. ખૂબ જ ઊંચું બ્લડ-પ્રેશર હોય તેમ જ હાર્ટ પહોળું થતું હોય એવા દર્દીઓએ ન કરાય.

• અતિશય ઠંડા અને પવનવાળા સ્થાનમાં આ ક્રિયા ન કરવી. અત્યંત જોરથી શ્વાસોશ્વાસ કરવાથી નાડીઓ નુકસાન થઈ શકે છે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution