લોકસત્તા ડેસ્ક
પ્રાણાયામની આખા શરીર પર અસર દેખાય છે. કોરોનાકાળમાં જે લોકો પહેલેથી જ ઘણી બીમારીઓનો સામનો કરી રહ્યા છે અને ઊંઘ ન આવવાની સમસ્યાથી પીડાય છે તેમના માટે પ્રાણાયામ ફાયદાકારક છે. વિવિધ સંસ્થાઓએ પ્રાણાયામ પર રિસર્ચ કર્યું છે અને તેના ફાયદા જણાવ્યા છે. પ્રાણાયામના 6 મોટા ફાયદા વિશે જાણો.
- દરરોજ એક કલાક પ્રાણાયામ કરવાથી ફેફસાં વધુ સારી રીતે કામ કરે છે
તામિલનાડુની વિનાયક મિશન મેડિકલ કોલેજના રિસર્ચના જણાવ્યા પ્રમાણે, 6 અઠવાડિયા સુધી દરરોજ એક કલાક યોગ કરવાથી ફેફસાંની કાર્યપ્રણાલી સુધરે છે. એ અસ્થમા, ટીબીની સારવારમાં મદદગાર છે.
- નશામાંથી છુટકારો મેળવવામાં મદદ કરે છે
સ્પ્રિંગર લિંક જર્નલમાં પ્રકાશિત રિસર્ચના જણાવ્યા પ્રમાણે, જે લોકો સિગારેટ છોડવા માગે છે તેમના માટે યોગિક શ્વસન અને પ્રાણાયામ ફાયદાકારક છે. એ સિગારેટની આદતને ઓછી કરે છે અને આ આદતને છોડવામાં મદદ કરે છે.
- તે સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે
નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનના રિસર્ચના જણાવ્યા પ્રમાણે, માત્ર 5 મિનિટના ભ્રામરી પ્રાણાયામથી બ્લડપ્રેશર અને હૃદય પર તરત અસર પડે છે. આવું જ 2019માં યુરોપિયન રેસ્પિરેટરી જર્નલમાં પ્રકાશિત રિસર્ચમાં જોવા મળ્યું છે કે તેનાથી સારી ઊંઘ લેવામાં મદદ મળે છે.
- મગજ પર હકારાત્મક અસર થાય છે
જર્નલ ઓફ ક્લિનિકલ એન્ડ ડાયગ્નોસ્ટિક રિસર્ચના જણાવ્યા પ્રમાણે, ધીમી અને ઝડપી ગતિએ કરવામાં આવતા પ્રાણાયામથી મગજની કાર્યપ્રણાલીમાં સુધારો થાય છે. આ રિસર્ચ 18-25 વર્ષના 84 સ્વસ્થ યુવાનો પર કરવામાં આવ્યું.
- બ્લડપ્રેશર કંટ્રોલ કરે છે
યુએસ નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનના રિસર્ચના જણાવ્યા પ્રમાણે, હાઈ બ્લડપ્રેશરના હળવા લક્ષણવાળા દર્દીઓને દવાની સાથે પ્રાણાયામ કરાવવાથી બ્લડપ્રેશર ઓછું થાય છે. એ રિસર્ચમાં સાબિત પણ થયું છે.
- એ તણાવ ઘટાડે છે
ઈન્ટરનેશનલ જર્નલ ઓફ યોગમાં પ્રકાશિત રિસર્ચના જણાવ્યા પ્રમાણે, પ્રાણાયામ તણાવ ઘટાડે છે. રિસર્ચ 90 લોકો પર કરવામાં આવ્યું હતું. એમાં તણાવનું સ્તર, હૃદયના ધબકારા, ફેફસાંની શ્વાસ લેવાની સ્થિતિ, લોહી અને ધમનીનું દબાણ માપવામાં આવ્યું.