વડોદરા, તા.૭
શહેરના ખંડેરાવ માર્કેટમાં રખડતાં કૂતરાં શાકભાજી ભરેલા કોથળા ઉપર પેશાબ કરતા હોય એવો જુગુપ્સાપ્રેરક વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો હતો. વીડિયોમાં રખડતા કૂતરાં માર્કેટમાં પડેલા શાકભાજીના ઢગલાને ચાટતાં, એની ઉપર આળોટતાં અને એની ઉપર આરામ ફરમાવતા સ્પષ્ટ નજરે પડે છે. અમારો દાવો છે કે, જાે તમે આ વીડિયો જાેઈ લેશો તો તમે ક્યારેય ખંડેરાવ માર્કેટમાંથી શાકભાજી નહીં ખરીદો. બધા જ જાણે છે કે, ખંડેરાવ માર્કેટમાં રખડતા કૂતરાઓનો જમાવડો છે. કૂતરા અબોલ પશુઓ છે. થાંભલો હોય કે, શાકભાજી ભરેલો કોથળો..એના માટે તો બંને સરખા જ છે. જ્યાં જગ્યા મળે ત્યાં પેશાબ કરે એ સ્વાભાવિક છે. પણ ચોંકાવનારી વાત તો એ છે કે, માર્કેટના શાકભાજીના વેપારીઓ પણ એમને રોકતા નથી. વહેલી સવારે તો એવી ખતરનાક સ્થિતિ હોય છે કે, માર્કેટમાં શાકભાજીના ઢગલા પડેલા હોય છે. રસ્તા પર ભાજી પથરાયેલી હોય છે, પાણીનો છંટકાવ કરીને ધાણાની ઝૂડીઓ પથરાયેલી હોય છે અને ત્યાં શ્વાનોની ટોળકી બિન્દાસ્ત ફરતી હોય છે. એમને ખબર નથી હોતી કે, આ શાકભાજી લોકોના રસોડામાં જવાની છે. એમને ખબર નથી હોતી કે, આ શાકભાજી લોકોના પેટમાં જવાની છે. એ તો નિર્દોષ પ્રાણી છે એ તો અજાણતાથી શાકભાજી પર આટોળતા રહે છે. અને જ્યાં જગ્યા મળે ત્યાં પેશાબ પણ કરતા રહે છે. ખંડેરાવ માર્કેટમાં એમને રોકવાવાળુ કોઈ નથી. લોકોને ખાવાના શાકભાજીને ગંદકીથી બચાવવાવાળુ કોઈ નથી. અહીં તો શાકભાજીનો માત્ર વેપાર થાય છે. ભલે, એમાં કૂતરાએ પેશાબ કર્યો હોય. ભલે, એની ઉપર કૂતરાં આળોટ્યાં હોય. ભલે, એને કૂતરાએ ચાટ્યાં હોય. લોકોના આરોગ્યની પરવા કર્યા વિના વેપારીઓ આવા શાકભાજી ધડાધડ વેચીને નવરાં થવાના ફિરાકમાં જ હોય છે.