વડોદરા કોર્પોરેશનના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીને શહેરની ગંદકીની સમસ્યાનો ઉકેલ લાવવો છે અને તેમની સાથેના બીજા બધાને સાવરણી મહોત્સવમાં ફોટા પડાવવામાં રસ છે. આવા વિરોધાભાસનો ફાયદો રખડતાં શ્વાન ઉઠાવી રહ્યા છે. તેમને વડોદરાનું વાતાવરણ એટલુ અનુકુળ આવી ગયુ છે કે, એમની વસ્તી ધડાધડ વધી રહી છે. કોર્પોરેશનના અધિકારીઓની નિષ્ક્રિયતાને કારણે એમને એટલી સાનુકુળતા મળી છે કે, રાત્રિના સમયે તેઓ એનો ભરપુર ફાયદો લઈ રહ્યા છે. ડોક્ટર સાહેબને અમારી વિનંતી છે કે, એક દિવસ નાગરવાડા વિસ્તારના વિશ્વામિત્રી નદીના પુલ પાસેથી ચાલતા પસાર થાવ. અહીંના શ્વાન એટલા એલર્ટ છે કે, તમારી પાછળ દોડ્યા વિના નહીં રહે. રાત્રે અહીં એટલા શ્વાનો ભેગા થઈ જાય છે કે, રાહદારીઓ માટે રસ્તા પરથી પસાર થવુ પણ મુશ્કેલ થઈ પડે છે. શ્વાનોને કારણે અહીં ઘણા અકસ્માતો સર્જાયા છે. તેમ છતાંય કોર્પોરેશનના અધિકારીઓ કોઈ પગલા લેતા નથી. અહીં વાત જીવદયાની આવે છે એટલે અધિકારીઓને આસાનીથી છટકબારી મળી જાય છે. નાગરવાડામાં શ્વાન ટોળકીનો રીતસરનો આતંક છે. અમારા ફોટોગ્રાફરે લીધેલી એક જ તસવીરમાં ૧૮ શ્વાન દેખાય છે. આ તો કેમેરાના લેન્સમાં દેખાયેલા શ્વાનની તસવીર છે. જાે, કેમેરો ૩૬૦ ડિગ્રીના લેન્સ તો હોત કદાચ આંકડો પચાસ ઉપર પહોંચી જાત.