લોકસત્તા ડેસ્ક
થોડાક વર્ષો પહેલા જીન્સ એ અમીર હોવાની નિશાની હતી. જીન્સ શહેરના હાઈવે સુધી જ લટાર મારી રહ્યું હતુ. ગામડાગામમાં ક્યાંક જીન્સ જોવા મળી જતું તો જાણે એલિયન આ ધરતી પર આવ્યા હોય એમ લોકોના ટોળેટોળા ભેગા થઇ જતા. જી હા બ્રાન્ડેડ જીન્સની તો હજુ વાત જ દુર છે. ગામડામાં અને છેવાડાના લોકોને જીન્સ એટલે જ બ્રાંડ. પણ હવે આ ભેદ નથી રહ્યો. ગામે ગામ લોકો બ્રાડને પણ ઓળખતા થયા છે અને જીન્સ પણ હવે બહુ સામાન્ય થઇ ગયા છે. ઘરે ઘરે હવે તો મસોતામાં ફાટેલા જીન્સ જોવા મળે છે.
વાત કરીએ જીન્સ પેન્ટની, તો જીન્સ પેન્ટમાં તમે નોંધ્યું હશે કે બે ખિસ્સા હોય છે, તેની અંદર પણ એક નાનું પોકેટ એટલે કે ખિસ્સું હોય છે. પછી ભલે ટે સામન્ય જીન્સ હોય કે બ્રાન્ડેડ જીન્સ, પરંતુ આ નાનું ખિસ્સું દરેકમાં જોવા મળે છે. સામાન્ય રીતે લોકો તેમાં પેન ડ્રાઈવ જેવી વસ્તુઓ રાખતા હોય છે. પરંતુ ભાગ્યે જ કોઈને ખ્યાલ હશે કે આ નાનું ખિસ્સું તેના માટે બનાવવામાં જ નથી આવ્યું. તો ચાલો તમને જણાવીએ આ નાના ખિસ્સાનું મુખ્ય કામ છે શું? અને કેમ બનાવવામાં આવ્યું હતું આ ખિસ્સું?
નાના ખિસ્સા નો ઉપયોગ શું છે?
આ વસ્તુ જીન્સની શરૂઆતથી સંબંધિત છે. જી હા ભાગ્યે જ કોઈને ખ્યાલ હશે કે જીન્સની શોધ ખાણમાં કામ કરતા કામદારો માટે થઈ હતી. તે સમયની વાત કરીએ તો ત્યારે ટ્રેન્ડ હતો પોકેટ વોચ નો. ખાણમાં કામ કરતા કામદારોને ભારે તોડફોડ અને ખોદકામનું કામ કરવાનું હોય છે. જો આવી સ્થિતિમાં પોકેટ વોચ આગળના ખિસ્સામાં રાખે તો તૂટી જવાનો ભય રહેતો.
જરૂરીયાત બની ફેશન
કામદારો માટે બનાવેલા ખાસ જીન્સમાં આ સમસ્યા પર ધ્યાન આપવામાં આવ્યુ. અને આ સમસ્યાને દૂર કરવા માટે, એક નાનું ખિસ્સું પણ બનાવવામાં આવ્યું હતું. ધીરે ધીરે તે જીન્સનો મહત્વપૂર્ણ ભાગ બન્યો અને આજના યુગમાં તે એક ફેશન બની ગઈ છે. ઘણી વખત એકની જરૂરીયાત બીજા માટે ફેશન બની જતી હોય છે. તેવું જ કંઇક આ કિસ્સામાં પણ થયું છે.