લોકસત્તા ડેસ્ક
તમે તમારા નાનપણમાં ઘણી આમલી ખાધી હશે અને આજે પણ તેને જોતાં જ મોઢામાં પાણી આવી જતુ હોય છે. ખાટામીઠા સ્વાદવાળી આમલીનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં ચટણી, સોસ અને મીઠાઈ બનાવવા માટે થાય છે. આમલી ખોરાકનો સ્વાદ વધારે છે. તે સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક પણ છે. આમલી સ્વાસ્થ્ય માટે સારી છે, તે રોગપ્રતિકારક શક્તિ વધારવાથી લઈને પાચનને સારૂ રાખે છે અને હ્રદયરોગને દૂર રાખે છે.
વિટામિન સી, ઈ અને બી ઉપરાંત આમલીમાં પુષ્કળ કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ અને ફાઇબર પણ જોવા મળે છે. ઉપરાંત તેમાં એન્ટી-ઓક્સિડેન્ટ પણ છે. આવો જાણીએ આમલી સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે. આમલીમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે અને તેમાં ચરબીની માત્રા હોતી નથી. આમલી ખાવાથી વજન ઓછું થાય છે, કારણ કે તેમાં ફ્લેવોનોઈડ્સ અને પોલિફેનોલ હોય છે. આ ઉપરાંત આમલીમાં હાઇડ્રોક્સાઇટ્રિક એસિડ ભરપૂર હોય છે, જે એમીલેઝને અટકાવીને ભૂખને ઘટાડે છે. તે કાર્બોહાઈડ્રેટને ચરબીમાં ફેરવવા માટે જવાબદાર એન્ઝાઇમ છે.
પ્રાચીન કાળથી આમલીનો ઉપયોગ સારા પાચક તરીકે થાય છે, કારણ કે તેમાં ટાર્ટરિક એસિડ, મેલિક એસિડ અને પોટેશિયમ હોય છે. તેનો ઉપયોગ પેટની માંસપેશીઓને આરામ કરવાની ક્ષમતાને કારણે લૂઝ મોશનની સારવાર તરીકે પણ થાય છે. તેનો ઉપયોગ કબજિયાત દુર કરવા માટે પણ થાય છે. આમલીનું સેવન કરવાથી પેટનાં રોગો દૂર રહે છે.