લોકસત્તા ડેસ્ક
જો તમને ક્યારેય કિડની સ્ટોનનો પ્રોબ્લેમ થયો હોય અથવા પરિવારમાં કોઇ સભ્યને કિડની સ્ટોનની મુશ્કેલી થઇ હશે તો તમે જાણતા જ હશો કે તેનો દુખાવો કેટલો અસહ્ય હોય છે. ઘણીવાર તો દર્દી માટે દુખાવો સહન કરવાનું અશક્ય જેવું લાગવા લાગે છે. કિડની સ્ટોન એક એવી બીમારી છે જે ફરીવાર પણ થઇ શકે છે. લગભગ 50 ટકા દર્દીઓ એવા હોય છે જેમાં એકવાર કિડની સ્ટોનની પ્રોબ્લેમ ઠીક થઇ ગયા બાદ 6-7 વર્ષની અંદર બીજીવાર સ્ટોનની સમસ્યા થઇ શકે છે. તેથી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે, ખાસ કરીને ખાણીપીણીને લઇને...
કિડની સ્ટોનના દર્દીઓએ આ વસ્તુઓને ટાળવી જોઇએ
યૂરિનમાં નાના-નાના ક્રિસ્ટલ્સ જ્યારે જમા થઇને પથરીનું સ્વરૂપ લઇ લે છે ત્યારે કિડની સ્ટોનની સમસ્યા થાય છે. યૂરિનમાં રહેલ કેલ્શિયમ જ્યારે ઑક્સલેટ અથવા ફૉસ્ફરસ જેવા કેમિકલ્સની સાથે મળી જાય છે ત્યારે પણ કિડનીમાં સ્ટોનની સમસ્યા થઇ શકે છે. આ ઉપરાંત કિડનીમાં યૂરિક એસિડ જમા થવાને કારણે પણ ઘણીવાર સ્ટોનની સમસ્યા થવા લાગે છે. જો તમે નથી ઇચ્છતા કે તમને કિડની સ્ટોનની પરેશાની થાય તો આ ફૂડ્સનું મર્યાદિત પ્રમાણમાં જ સેવન કરો અને જો તમને કિડની સ્ટોનની સમસ્યા પહેલા ક્યારેય થઇ ચુકી છે તો આ વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઇએ.
1. પાલક :- આમ તો પાલક આયર્નનો ઉત્તમ સોર્સ છે અને ઘણા બધા વિટામિન્સ અને મિનરલ્સથી પણ ભરપૂર હોય છે પરંતુ કિડનીમાં સ્ટોનની સમસ્યા થવા પર પાલક ખાવાથી બચવું જોઇએ. તેનું કારણ એ છે કે પાલકમાં ઑક્સલેટ હોય છે જે લોહીમાં રહેલ કેલ્શિયમ સાથે બંધાઇ જાય છે અને કિડની તેને ફિલ્ટર કરી શકતી નથી અને તે યૂરિનને મારફતે શરીરમાંથી બહાર નિકળી શકતું નથી જેનાથી કિડનીમાં સ્ટોન બને છે.
2. જે વસ્તુઓમાં ઑક્સલેટ વધારે હોય છે :- પાલક ઉપરાંત બીટ, ભીંડા, રેસ્પબેરીજ, શક્કરિયા, ચા, નટ્સ, ચોકલેટ જેવા ફૂડ્સમાં પણ ઑક્સલેટનું પ્રમાણ વધારે હોય છે. જો કોઇ દર્દીને કિડનીમાં સ્ટોનની સમસ્યા થઇ જાય તો ડૉક્ટર દર્દીને ઑક્સલેટવાળી વસ્તુઓ જરા પણ ન ખાવાની અથવા મર્યાદિત પ્રમાણમાં જ ખાવાની સલાહ આપે છે.
3. ચિકન, માછલી, ઈંડાં :- રેડ મીટ, ચિકન, પોલ્ટ્રી, ફિશ અને ઈંડાં આ કેટલાક એવા ફૂડ્સ છે જેમાં એનિમલ પ્રોટીનનું પ્રમાણ સૌથી વધારે હોય છે અને આ વસ્તુઓનું વધારે સેવન કરવાથી શરીરમાં યૂરિક એસિડનું ઉત્પાદન વધારે થાય છે. જો કે પ્રોટીન આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે એટલા માટે એનિમલ પ્રોટીનની જગ્યાએ પ્રોટીનના પ્લાન્ટ બેઝ્ડ સોર્સનું સેવન કરવું જોઇએ જેમ કે, ટોફૂ, કીન્વા, ચિયા સીડ્સ અને ગ્રીક યોગર્ટ વગેરે.
4. ઓછામાં ઓછુ મીઠું :- મીઠામાં સોડિયમ હોય છે અને સોડિયમનું વધુ પ્રમાણ યૂરિનમાં કેલ્શિયમને જમા કરવાનું કામ કરે છે. તેથી ભોજનમાં ઉપરથી મીઠું નાંખવાનું ટાળો. આ ઉપરાંત ચિપ્સ, ફ્રોઝન ફૂડ વગેરે જેમાં મીઠાનું પ્રમાણ વધારે હોય છે તેનું પણ સેવન કરવાનું ટાળવું જોઇએ.
5. કોલા અથવા સૉફ્ટ ડ્રિન્ક :- કોલામાં ફૉસ્ફેટ નામનું કેમિકલ વધારે હોય છે જેના કારણે કિડનીમાં સ્ટોન બનવાની શક્યતા રહે છે. તેથી ખૂબ જ વધારે ખાંડ અથવા શુગર સિરપ ધરાવતા પ્રોસેસ્ડ ફૂડ અને ડ્રિન્ક્સનું સેવન ન કરશો. માત્ર મીઠું જ નહીં ઘણી વધારે ખાંડ જેમ કે સુક્રોઝ અને ફ્રુક્ટોઝ પણ કિડની સ્ટોનના જોખમને વધારે છે.