લોકસત્તા ડેસ્ક
૨૦૨૦માં સાઈકલિંગ ઘણાં લોકોનું ફેવરિટ વર્કઆઉટ બની ગયું છે. સવારે અને સાંજે મોટી સંખ્યામાં લોકો સાઈકલિંગ કરતા દેખાય છે. સાઈકલિંગ એક સારું કાર્ડિયો વર્કઆઉટ છે. આખો દિવસ ઘરમાં રહેતા અને ઘરે રહીને કામ કરતા લોકો મૂડ સારો કરવા અને ફ્રેશ થવા માટે પણ સાઈકલિંગ કરે છે. કેવી રીતે સાઈકલિંગ કરવાથી તેનો મહત્તમ ફાયદો મેળવી શકાય અને સાઈકલિંગ કરતા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે જાણો
- જો તમે વજન ઘટાડવા માટે સાઈકલિંગ કરતા હોવ તો એક કલાકથી વધારે સાઈકલ ચલાવવી જોઈએ. આ વર્કઆઉટમાં ૨૦ મિનિટ પછી ફેટ બર્ન થવાનું શરૂ થાય છે.
- જો તમે સતત વજન ઘટાડવા માગતા હોવ તો સાઈકલિંગ પર જતા પહેલા વેઈટ ટ્રેનિંગ કરવી જરૂરી છે
- જ્યારે તમે બહાર સાઈકલિંગ કરવા જાવ છો તો સપાટ જમીન પર સાઈકલિંગ કરો અને ધીમે ધીમે ગતિમાં વધારો કરો.
- રોજ બહાર સાઈકલ ચલાવવા જતા હોવ તો તમારા માટે પહેલા અને પછી સ્ટ્રેચિંગ કરવું જરૂરી છે. તમે આર્મ્સ, લેગ્સ, બેકની સ્ટ્રેચિંગ એક્સરસાઈઝ કરો.
- વજન ઘટાડવા માટે સાઈકલિંગ કરતા હોવ તો ઓછામાં ઓછી ૨૦ થી ૩૦ મિનિટ સાઈકલ ચલાવવી જોઈએ. અને કેટલું અંતર કાપ્યું તે જોયા કરતાં કેટલીવાર સુધી સાઈકલિંગ કર્યું તે જોવું મહત્વનું છે.
- રસ્તા પર સાઈકલિંગ કરતી વખતે એક ગતિ જાળવી રાખવી મુશ્કેલ છે કારણ કે બીજાં વાહનોની પણ અવર-જવર હોય છે. પણ તમારી હાર્ટ બિટ્સ ૧૧૦ થી ૧૩૦ની વચ્ચે રાખવાની કોશિશ કરો. આ એક સારૂ કાર્ડિયો વર્કઆઉટ બની શકે છે.
- સાઈકલિંગમાં પેડલ મારવાથી માંસપેશિયોની સારી એક્સર્સાઈઝ થાય છે અને ટોનિંગમાં પણ મદદ મળે છે.
- સાઈકલિંગનો સૌથી મોટો ફાયદો છે કે તેનાથી મૂડ ફ્રેશ થઈ જાય છે અને નવી ઊર્જાનો સંચાર થાય છે.
- જો તમે સાઈકલિંગ કરવાનું શરૂ ન કર્યું હોય તો તમારા ન્યૂ યર રિઝોલ્યુશનમાં તેનો પણ સમાવેશ કરી દો.•