ગુરુ તારો પાર ન પાયો

ગુરુનો પાર પામવાની ચેષ્ટા જ બાળક જેવી છે. ગુરુની મહત્તા, ગુરુની સ્થિતિ, ગુરુનું સામર્થ્ય, ગુરુની સત્તા, ગુરુનું ઊંડાણ, ગુરુનો વિસ્તાર, ગુરુનો સાક્ષીભાવ અને ગુરુની સુક્ષ્મતાની તોલે સૃષ્ટિમાં કશું જ ન આવી શકે. ગુરુનો પાર પામવા માટે તો ક્યારેક ઈશ્વર અસમર્થ બની રહે છે.

અવતારી પુરુષોએ પણ ગુરુની મહત્તા સ્વીકારી છે.જ્યારે મનમાં કોઈ પ્રશ્ન જાગે, આધ્યાત્મિકતા બાબતે કોઈ મૂંઝવણ ઊભી થાય, સૃષ્ટિની રચના સાથેના પોતાના સમીકરણ વિષે કુતુહલ જાગે, કોઈ દેખીતા કારણ વગર મન ઉદાસ થઈ જાય, આકાશમાં મીટ માંડતા માંડતા સૃષ્ટિની વિશાળતા બાબતે અચરજ થાય, ચિંતન કરતાં કરતાં ક્યાંક ખોવાઈ જવાય; ત્યારે શ્રીરામ ગુરુદેવ વશિષ્ઠના સાનિધ્યમાં પહોંચી જતા. વેદો તથા શાસ્ત્રોના અધ્યયન માટે, તે માટેના માર્ગદર્શન માટે, ક્યારેક મનમાં ઉભા થતા પ્રશ્નોના નિરાકરણ માટે, શ્રીકૃષ્ણ પણ સાંદિપની ઋષિનું શરણ સ્વીકારતા. પરશુરામને જ્ઞાનની અપાર ઉત્કંઠા જાગે ત્યારે દ્રોણગીરી પર્વત પર ગુરુ દત્તાત્રેયને મળવા પહોંચી જતા. શક્તિ સ્વરૂપ મા જગદંબા પણ મહાદેવના શિષ્ય બની પોતાની પ્રત્યેક શંકાનું નિરાકરણ કરતા.

ગુરુ વશિષ્ઠ માત્ર ગુરુ નથી, શ્રીરામને “આદર્શ”નો મંત્ર આપનાર શક્તિ છે. સાંદિપની ઋષિ પણ માત્ર ગુરુ નથી, તેમણે તો શ્રીકૃષ્ણને “કર્મ” યથાર્થતા પૂર્વક સમજાવી શકે તે માટે તૈયાર કરેલા છે. દત્ત મુનિએ પરશુરામને સવિકલ્પ-સંકલ્પ તથા નિર્વિકલ્પ-સંકલ્પનો ભેદ સમજાવી સૃષ્ટિ સર્જનનું સમગ્ર સમીકરણ સમજાવી દીધું - અને આ સમજ પછી સમગ્ર સૃષ્ટિમાં પ્રસરી ગઈ. મહાદેવે વિશ્વની શક્તિને યોગના ૧૧૬ માર્ગ દર્શાવી તથા સ્વરનાદનું વિજ્ઞાન સમજાવી સમગ્ર માનવજાત પર મહાન ઉપકાર કરી દીધો. ગુરુ માત્ર પોતાના શિષ્ય પર ઉપકાર નથી કરતા, તેઓ તો સમગ્ર જગતનું ભલું ઈચ્છે છે.

 ગુરુ માટે શિષ્ય તો એક નિમિત્ત છે, તેમને તો પોતાનું જ્ઞાન, પોતાની સમજ વહેંચવા માટેનું કોઈ માધ્યમ જાેઈતું હોય છે. ગુરુએ તો પોતાનો ભંડાર લૂંટાવી દેવો છે. તેમણે જાણે સમગ્ર માનવજાત સુધી પહોંચી જવું. તેમણે સમગ્ર જગતનો અંધકાર મિટાવી દેવો છે. સમગ્ર વિશ્વમાંથી બધા જ પ્રકારના દુષણો દૂર કરવાની તેમની ઈચ્છા હોય છે. તેઓ ઈચ્છતા હોય છે કે બધા જ યોગ્ય માર્ગ ઉપર પ્રવાસ કરે, બધા જ યોગ્ય મંઝિલ પર પહોંચી શકે, કોઈ ક્યારેય ભટકી ન જાય; અને બધા માટે આ પ્રવાસ સરળ તેમજ આનંદદાયી બની રહે. તેમને ક્યાંય પક્ષપાત નથી. તેમને કોઈ પ્રિય કે અપ્રિય નથી. તેમના મનમાં પ્રત્યેક માટે એક સમાન કરુણાનો ભાવ સ્થાપિત થયેલો હોય છે. બધાને માર્ગદર્શન આપવા તેઓ તત્પર હોય છે.પરંતુ માર્ગદર્શન તે જ પામી શકે કે જે પોતાને તે રીતે લાયક બનાવે.

ભકતે લાયકાત કેળવવી પડે. તેણે દુનિયાના પ્રપંચથી પોતાની જાતને મુક્ત કરવી પડે. તેણે ર્નિમળતા ધારણ કરવી પડે, મમત્વ અને સ્વાર્થથી ઉપર ઊઠવું પડે, છ શત્રુઓથી દૂર રહેવું પડે, ઇન્દ્રિયોને કાબુમાં રાખી ચિત્તને શાંત કરવાનો પ્રયત્ન કરવો પડે, જીવનમાં નૈતિકતાના ઉચ્ચ ધોરણો પાળવા પડે અને સાથે શાસ્ત્ર તેમજ ગુરુ વચનમાં અપાર વિશ્વાસ રાખવો પડે. ગુરુના પ્રત્યેક આદેશનું પાલન કરવું પડે. ગુરુનો આદેશ જ શિષ્ય માટે અંતિમ વિધાન - બ્રહ્મવાક્ય બની જવું જાેઈએ.

 શિષ્ય જેમ નિમિત્ત છે, તેમ તે એક માધ્યમ પણ છે. આ માધ્યમ જેમ વધુ લાયક તેમ ગુરુની વાણી વધુ પ્રખરતાથી પ્રગટ થાય. જાે અર્જુન જેવો શિષ્ય મળે તો ગીતા કહેવાનું શ્રીકૃષ્ણને મન થાય. જાે શ્રીરામ જેવા શિષ્ય મળે તો વશિષ્ઠ ઋષિને યોગવાસિષ્ઠનું સર્જન કરવાની પ્રેરણા મળે. જાે આરુણી જેવા શિષ્ય મળે તો ઋષિ ધૌમ્ય ક્ષણભરમાં સમગ્ર શાસ્ત્રનું જ્ઞાન જાગ્રત કરી દે. જાે તોટકાચાર્ય શિષ્ય હોય તો આદિ શંકરાચાર્ય જેવા ગુરુની કૃપાથી સૃષ્ટિનો સૌથી કઠિન છંદ પણ રમત વાત બની રહે. ગુરુની મહત્તા તો છે જ, પણ તે મહત્તા ત્યારે જ પ્રગટ થાય જ્યારે તેને સમકક્ષ શિષ્યપણું ઉદ્‌ભવે. પણ મૂળમાં તો અર્પણ કરનાર ગુરુ છે અને શિષ્ય સ્વીકારનાર જ છે.

દત્ત ભગવાને ચોવીસ ગુરુ કરેલા. આ સિદ્ધાંત પ્રમાણે તો દરેક પાસેથી કંઈક ને કંઈક શીખવા મળે. પણ ગુરુ એ કે જે ભક્તિના મહાસાગરમાં તરબોળ કરી દે, જ્ઞાનની સીમા સુધીનું જ્ઞાન પ્રગટ કરી દે, આસુરી પ્રકૃતિનો સદંતર નાશ કરવા પ્રેરણા આપી દૈવી પ્રકૃતિની સ્થાપના થાય તે માટે મદદરૂપ બને, અને સૌથી અગત્યનું, જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળે તે પ્રમાણે પ્રેરિત કરે.

ગુરુની હાજરીમાં સમગ્ર પ્રપંચનો નાશ થઈ જાય. તેમની હાજરીમાં કોઈ અનૈતિક, અશુભ કે અયોગ્ય વિચાર પણ ન આવે. તેમની ઉપસ્થિતિમાં જેમ દરેક પ્રકારની નકારાત્મકતા નાશ પામે, તેમ અનેક પ્રકારની હકારાત્મકતા પણ ઉભરી આવે. ગુરુની હાજરીમાં ચિત્ત સંપૂર્ણ શાંતિ અનુભવે, મન આરામની સ્થિતિમાં આવી જાય, ઇન્દ્રિયો નિષ્ક્રિય થઈ જાય, શ્વાસ ધીમો થતો જાય, આંખો અંદરની તરફ વળતી થાય, આપમેળે જ ઘણા બધા સમીકરણો ઉકેલતાં જાય, અંતરમાં શુદ્ધ આનંદની પ્રતીતિ થતી થાય, પ્રત્યેક ક્ષણે આધ્યાત્મિકતાનો ભાવ ઊંચાઈ પામતો હોય તેમ અનુભવાય અને પરમ શાંતિ - માત્ર પરમ શાંતિ જ ચારે બાજુ પ્રસરેલી હોય તેની પ્રતીતિ થાય.

ગુરુદેવની યાદ જીવનને પ્રસન્નતાથી ભરી દે.ગુરુદેવનો એક આદેશ ભવસાગર પાર કરવાનું સાધન બની રહે. ગુરુદેવની એક દ્રષ્ટિ અંતરના ચક્ષુ ખોલી નાખે. ગુરુદેવના ચરણનો સ્પર્શ કરતાં જ બ્રહ્મા-વિષ્ણુ-મહેશ, એ ત્રણેનો જાણે એક સાથે જ ચરણ સ્પર્શ થઈ જતો લાગે. ગુરુદેવ પ્રત્યેનું પ્રત્યેક ડગલું એક સંપૂર્ણ તીર્થયાત્રા સમાન બની રહે. ગુરુદેવનું એક સ્મરણ જીવનને ન્યાલ કરી દેવા પૂરતું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution