ગુજરાતમાં ભાજપ માટે દિવાળી, CM વિજય રૂપાણીએ જાણો શું કહ્યુ..

અમદાવાદ-

આજે ગુજરાતમાં ભાજપ માટે દિવાળી જેવો દિવસ છે. તમામ 6 મહાનગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે. મનપાની ચૂંટણીમાં કોંગ્રેસની ભૂંડી હાર થઈ છે. આવામાં ભાજપે (BJP) આ ભવ્ય જીતના જશ્નની શરૂઆત કરી દીધી છે. અમદાવાદમા ખાનપુર ખાતે આવેલ ભાજપના કાર્યાલયમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાજપના વિજ્યોત્સવમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તથા સીઆર પાટીલ પણ જોડાશે. ખાનપુરમાં ભાજપની ભવ્ય વિજયી સભા યોજાશે. જેમાં મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કાર્યકરોને સંબોધન કરશે.

જીત બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની જનતાનો આભાર માન્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, સમગ્ર 6 મહાનગરોના મતદારોનો આભાર માનું છું. આ ચૂંટણીમાં સખત પરિશ્રમ કરનારા ભાજપાના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે, ભાજપામાં મૂકેલા વિશ્વાસને ભાજપા એળે જવા દેશે નહિ. આવનારા દિવસોમાં 6 મહાનગરપાલિકાઓના વિકાસ માટે સરકાર કોઇ કચાશ રાખશે નહિ. વર્ષોથી કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીને શહેરના વિકાસની જવાબદારી સોંપીને ગુજરાતની જનતાએ રાજકીય વિશ્લેષણ કરનારા લોકોને એન્ટી ઇન્કમ્બન્સી શબ્દ ગુજરાતને લાગુ જ ના પડતો હોય એવો અભ્યાસ કરવા માટેનો વિષય ગુજરાતની જનતાએ વિજય અપાવીને બનાવ્યો છે. 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય એ ગુજરાતની જનતાનો વિજય છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution